ગાજ્યા મેહ વરસે નહીં. વિશ્વમાં અમેરિકાની વધતી જતી તાકાતને ચેકમેટ કરવા માટેના હેતુથી ધીરે ધીરે બ્રિક્સ આગળ વધી રહ્યું હોય એવી એક છાપ ઊભી થઈ રહી હતી. પોસ્ટ કોવિડ વિશ્વમાં પડતા ઉપર પાટુ વાગ્યું હોય તેમ રશિયા અને યુક્રેનનું યુદ્ધ અને એના થોડા સમય પહેલાં અફઘાનિસ્તાનમાંથી અમેરિકા પાછું હટ્યું એણે સત્તાનાં નવાં સમીકરણ અથવા ધરી માટેના દરવાજા જાણે કે ખુલ્લા મૂકી દીધા હતા.
નાટોનું વિસ્તરણ આ જ સમયગાળા દરમિયાન થયું અને એક મહાસત્તા તરીકે રશિયાનો સૂર્ય અસ્તાચળ ભણી જઈ રહ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. બીજી બાજુ અમેરિકાની સંસદની સ્પીકર નેન્સી પેલોસી તાઇવાન, દક્ષિણ કોરિયા અને છેક જાપાન સુધી ચક્કર મારી આવ્યા જેણે થોડા સમય માટે વિશ્વને એક નવી કટોકટીના બારણે લાવીને ઊભું કરી દીધું. ચીન અને અમેરિકા વચ્ચે વિશ્વસત્તા બનવા માટે ખાંડા ખખડાવવાના શરૂ થયા અને નેન્સીએ બધું સમુંસૂતરું ચાલતું હતું એવા શાંત પાણીમાં કાંકરો નાખવાનું કામ કર્યું.
બીજી બાજુ રશિયા અને યુક્રેન વચ્ચે સશસ્ત્ર અથડામણ અને ત્યાર બાદ યુદ્ધના નગારા વાગવા માંડ્યા. યુરોપનો ૨૦૨૨નો શિયાળો કપરો બને અને દુનિયામાં ક્રુડ ઓઇલની તંગી ઊભી થાય, ખાસ કરીને ભારત માટે, એવી શક્યતાઓનો ક્ષિતિજે ઉદય થયો. યુક્રેન યુદ્ધ અને તેમાંય કાળા સમુદ્રના માર્ગે અનાજની હેરફેર બંધ થવાની શક્યતાએ દુનિયામાં ખાદ્યાન્નની ભયંકર તંગી ઊભી થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું અને ભારત માટે માત્ર ક્રુડ અને પેટ્રોલિયમ જ નહીં, પણ સૂરજમુખીનું તેલ તેમજ પામોલીન ઓઇલ પણ તંગીમાં સપડાય એ પરિસ્થિતિનો ક્ષિતિજે ઉદય થયો.
રશિયા પાસેથી સસ્તા ભાવે અને રૂપિયાના પેમેન્ટથી ક્રુડ ઓઇલ ખરીદી શકાય એવી આશા ઊભી થઈ. જો કે આપણે રશિયા પાસેથી જે ક્રુડ ઓઇલ ખરીદીએ તેનું ચુકવણું ચીનના યુઆનમાં કરવાની પરિસ્થિતિ ભલે ઊભી થઈ, પણ અગાઉ જેમ અપેક્ષા હતી તેમ રશિયન ક્રુડ ઓઇલ આપણને સરેરાશ ૫૦ ડોલર પ્રતિ બેરલ જેવી સસ્તી કિંમતે મળ્યું, જેણે ભારતમાં ફુગાવાને કાબૂમાં રાખી ખૂબ મોટી રાહત પૂરી પાડી. છેવટે આપણે ક્રુડ ઓઇલનું ચુકવણું ભલે રૂબલ સામે રૂપિયામાં ન કર્યું પણ ચીનના યુઆનમાં કર્યું, જે ભારતીય અર્થવ્યવસ્થા માટે રાહતનો શ્વાસ પૂરો પાડનાર સાબિત થયું.
છેલ્લા છ એક મહિનાથી જી-૨૦, જી૭, બ્રિક્સ, SCO જેવી મહદ્ અંશે રશિયા, ચીન, ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન, જેવા એશિયા-પેસિફિક પ્રમાણમાં મોટા કહી શકાય તેવા દેશો સાથે નવી ચર્ચાઓનો ધમધમાટ દોર ચાલતો રહ્યો. એણે છેલ્લા છ મહિના એશિયામાં આ બધા દેશો તેમજ અર્થવ્યવસ્થાઓને ધમધમતા રાખ્યા. દરમિયાનમાં ભારતીય પ્રધાનમંત્રીશ્રીની અમેરિકા, દક્ષિણ આફ્રિકા, યુએઇ, ગ્રીસ વગેરેની મુલાકાતોનો ધમધમાટ પણ ચાલુ રહ્યો. અમેરિકા પાસેથી ડ્રોન ઉપરાંત અન્ય શસ્ત્રો અને ફ્રાન્સ પાસેથી રફાલનો બીજો જથ્થો ભારત મેળવી શક્યું.
સામે રશિયા યુક્રેન યુદ્ધને કારણે જે શસ્ત્રો પૂરાં પાડવા માટેના કરાર થયા હતા તે પણ પુરા નહીં પાડી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. ભારત શસ્ત્રો માટે રશિયા પર બહુ મોટા પાયે નિર્ભર છે, જે ભારત માટે મોટી ચિંતાનો વિષય છે. ભારત અમેરિકા અને ફ્રાન્સ પાસેથી શસ્ત્રોની ખરીદી વધારીને રશિયા પરની પોતાની નિર્ભરતા ઘટાડવા પ્રયાસ કરી રહ્યું છે. ઉપરાંત ઘરઆંગણે પણ શસ્ત્રોનું ઉત્પાદન વધારવા ભારત પ્રયત્નશીલ છે. જો કે નિષ્ણાતો માને છે કે ભારતની શસ્ત્રો માટે રશિયા પરની નિર્ભરતા ટૂંકા ગાળામાં તો બદલી શકે એવી શક્યતા નથી. તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલ બ્રિક્સ દેશોની સમિટમાં નવા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો અને એ રીતે બ્રિક્સ, જે પાંચ દેશોનું જૂથ હતું તેમાં હવે આર્જેન્ટિના, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ને જોડાતા બ્રિક્સ હવે ૧૧ દેશોનું જૂથ બની ગયું છે.
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.