અમદાવાદ : રાજ્ય કર ભવન આશ્રમરોડ, અમદાવાદ (Ahmedabad) ખાતે આવેલી કચેરીના રાજ્ય વેરા અધિકારી વર્ગ-૨ (વિવાદ-2) તરીકે ફરજ બજાવતા ગૌરાંગ રમેશચંદ્ર વસૈયા તેમજ આશિષ સુભાષ અગ્રવાલ તેમજ ચાર્ટર એકાઉન્ટન્ટ (CA) કુણાલ સુભાષ અગ્રવાલના મેળાપીપણામાં રૂપિયા ૩૫ હજારની લાચ (Bribe) લેતાં લાંચ-રુશ્વત વિરોધી બ્યુરોના હાથે ઝડપાઈ ગયા હતા.
એસીબીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ફરિયાદી શાહ એસોસિયેટેડ નામની ભાગીદારીમાં બાંધકામનો ધંધો કરતા તેઓનો જીએસટી નંબર રિજેક્ટ થઈ ગયો હતો. આ જીએસટી નંબર ચાલુ કરાવવા માટે ચાર્ટર એકાઉન્ટન્ટ કુણાલ સુભાષ અગ્રવાલ તથા આશિષ સુભાષ અગ્રવાલ મારફતે રાજ્ય કર ભવન અમદાવાદ ખાતે અપીલ કરી હતી, ત્યારબાદ આરોપી આશિષ અગ્રવાલે આરોપી કુણાલ અગ્રવાલને ફોન કરી કહ્યું હતું કે રાજ્ય કર ભવનના રાજ્ય વેરા અધિકારી વર્ગ-૨ (વિવાદ-2) ૫0 હજારનો વ્યવહાર માંગે છે. બાદમાં ફરિયાદીએ ચાર્ટર એકાઉન્ટની ઓફિસમાં રૂબરૂ મળીને રકઝકના અંતે આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી રૂપિયા ૩૫ હજારની લાચની માંગણી કરી હતી.
ફરિયાદી આ લાંચની રકમ આશિષ અગ્રવાલ મારફતે રાજ્ય વેરા અધિકારીને આપવા માંગતા ન હતા. આથી ફરિયાદીએ વડોદરા ગ્રામ્ય એસીબીમાં ફરિયાદ કરતા એસીબી દ્વારા અમદાવાદના રાયપુર ખાતેની સીટી સેન્ટર-2 રાયપુર બિગ બજાર પાછળ, અમદાવાદ ખાતે આવેલી ઓફિસમાં છટકું ગોઠવતા આરોપી આશિષ અગ્રવાલએ લાંચની રકમ ૩૫ હજાર સ્વીકારી, આરોપી કુણાલ અગ્રવાલને આપતા એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હતો. જોકે સ્થળ ઉપરથી આરોપી રાજ્ય વેરા અધિકારી વર્ગ-2 (વિવાદ-2) રજા પર હોવાથી હાજર ન હતા. એસીબીએ આ અંગે ત્રણેય વિરૂદ્ધ ગનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.