મહારાષ્ટ્રની શિવસેનામાં હાલ ભંગાણ પડયું અને એકનાથ શિંદેએ બાગી ધારાસભ્યોની મદદથી બળવો કર્યો હતો. શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને સુરત લવાયા. કેટલાંકને ગુવાહટી લઇ જવાયા હતા. આમ, એકનાથ શિંદે તથા બાગીઓને ભા.જ.પ.નો છુપો સાથ મળી ગયો. આખરે મુખ્યમંત્રી તરીકે ઉધ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દેતા છેવટે નવા મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેએ શપથ ગ્રહણ કર્યા અને વિધાનસભામાં વિશ્વાસનો મત પણ જીતી લીધો. મહારાષ્ટ્રના મુંબઇમાં વર્ષોથી શિવસેનાનો દબદબો રહ્યો છે.
શિવસેનાને શરદ પવારની NCP અને કોંગ્રેસનો ટેકો હતો. આથી ભા.જ.પ.ના પેટમાં તેલ રેડાયું અને ડર્ટી ગેઇમ ગોઠવી હતી. શિંદેને મુખ્યમંત્રી બનાવીને શિવસેનામાં ભંગાણ પાડ્યું છે. ફડણવીસને નાયબ મુખ્યમંત્રી બનાવીને ડબલ ગેઇમ રમી રહ્યા છે. 1966માં બાળા સાહેબ ઠાકરેએ શિવસેનાની સ્થાપના કરી હતી. કદી કોઇ ચૂંટણી લડયા ન હતા કે સત્તા પર ન હતા, છતાં સત્તાનું રિમોટ કંટ્રોલ તેમના હાથમાં હતું. આજીવન હિન્દુત્વના પ્રખર હિમાયતી રહ્યા હતા. ઠાકરેના નિધન પછી ઉધ્ધવ ઠાકરે – રાજ ઠાકરેમાં ભાગલા પડયા. પરંતુ શિવસેનાની શાન મુંબઇમાં કાયમ રહેશે.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે