રોટી,કપડાં ઔર મકાનની સાથે હાલ સ્વપ્ન રોટી,કપડાં ઔર મોબાઈલનું સાકાર થાય કેમ કે, મોબાઈલ સરળ હપ્તેથી મળી રહે! અસહ્ય – દુષ્કર મોંઘવારીમાં મકાનના બેન્ક લોન હપ્તા સામાન્ય મધ્યમજીવીને પોષાય તેમજ પહોંચાય નહીં !ખેર,મોંઘવારી વધારા માટે કંઈક અંશે પ્રજા પણ જવાબદાર છે. કોઈ પણ વસ્તુની અછત થતાં જ શ્રીમંત લોકો મોં માગ્યા દામ આપીને વસ્તુઓ ખરીદી લેવા પડાપડી કરે છે મોંઘવારીને લીધે સામાન્ય માનવી સતત બે છેડા ભેગા કરવાની ચિંતામાં ડૂબેલો રહે છે. આપઘાતના કેટલાક કિસ્સાઓના મૂળમાં આર્થિક ચિંતા પણ રહેલી હોય છે.
મોંઘવારીમાં પીસાઈ રહેલો માણસ તહેવારો અને શુભ પ્રસંગો મુક્ત મને ઊજવી શકતો નથી. તે પોતાના જીવનનો પૂરેપૂરો આનંદ માણી શકતો નથી. મોંઘવારી વધતી રહે છે. જે માણસ સસ્તો થઈ રહ્યો છે. કેટલાંક લોકોને તેમના શ્રમનું પૂરેપૂરું વળતર અપાતું નથી. ગૃહઉદ્યોગો દ્વારા સામાન્ય માનવીને કમાણી થાય તેવું આયોજન પણ થવું જોઈએ. વેપારીઓએ પોતાની નૈતિક ફરજ સમજીને બેફામ ભાવવધારો અટકાવવો જોઈએ. મોંઘવારીને કાબૂમાં રાખવા સરકારે પણ યોગ્ય ઉપાયો કરવા જોઈએ.
મોંઘવારી વિશે એમ કહેવાય છે હાલ સામાન્ય સરકારી કર્મચારીનો જેટલો પગાર હોય તેટલા જ દરો સોનાના ભાવનાં અંદાજીત 10 ગ્રામના હશે જ ! એ કર્મચારી 30 વર્ષ પૂર્વે પોતાની સરકારી ફરજ ઉપર જેટલા પગારે જોડાયેલ હશે તેટલો જ લમસમ ભાવ જે તે વખતે સોનાનો 10 ગ્રામનો હશે ! આમ મોંઘવારી વધતાં સરકાર વખતોવખત પોતાનાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપતી જ હોય છે કિન્તુ સોનાના ભાવો આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા અને બદલાતા હોય છે. અલબત્ત,ઉપર અગાઉ કહ્યું તેમ પ્રવર્તમાન સોનાના ભાવ અને સરકારી બાબુઓના હાલના નોર્મલ પગારદરોમાં લગભગ સમાનતા જોવા મળે છે,મોંઘવારીમાં મરો…ગરીબોનો નહીં પણ સ્વમાની મધ્યમજીવી વર્ગોનો જ થતો હોય / આવ્યો છે તે નક્કી જાણશો /માનશો ! અંતે,આપણા સૌના સહિયારા પ્રયાસોથી જ મોંઘવારીને અંકુશમાં લાવી શકાશે.
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો પોતાના છે.
પ્રજાએ ભરેલા ટેક્ષનો આવો ઉપયોગ
અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર થયેલ અકસ્માત ખરેખર જ ખૂબ જ દુઃખદ ઘટના ગણાય. તેમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત થવી જ જોઇએ. જે ઈજાગ્રસ્ત થયા છે તેઓ જલદી સારા થઇ જાય એવી અભ્યર્થના. રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને રૂ.૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂ.૫૦,૦૦૦/- ની સહાયની જાહેરાત કરવામાં આવી છે. હવે જે સહાય જાહેર કરવામાં આવી છે તે થવી જ જોઈએ પણ તેનું ચુકવણું સરકારી તિજોરીમાંથી શું કામ ? યાદ રહે, સરકારી તિજોરીમાં પૈસા પ્રજાએ ભરેલા કરવેરાના પૈસા છે તેનો ઉપયોગ પ્રજાના કામો માટે થવો જોઇએ.
હા, ઉપર ઉલ્લેખ કર્યો છે તેવા કિસ્સાઓમાં ભલે તાત્કાલીક સરકાર ચુકવણું કરે પણ તેની વસુલાત જવાબદાર ગુન્હેગારો પાસેથી થવી જોઈએ. ગુન્હો કોઈ કરે અને ભરપાઈ સરકારી તિજોરી કરે ? આવા ગુન્હેગારોના ગુન્હા બાદ ધર્માદો કરવા પ્રજા ટેક્ષ નથી ભરતી. જેમણે ગુન્હો કર્યો છે તેની પ્રોપર્ટીની હરાજી કરી તે પૈસામાંથી વસૂલી થાય તે સર્વરીતે ઈચ્છનીય છે.સરકારી તિજોરીમાંથી ચૂકવણું ફકત કુદરતી આફતોને કારણે અકસ્માત સર્જાય તો જ થવું જોઈએ અન્યથા ઉપર જણાવ્યું તેમ તાત્કાલીક ભલે સરકારી તિજોરીમાંથી મદદરૂપ થાવ પણ તેની વસુલાત જે તે ગુન્હેગારોની પ્રોપર્ટી વેચીને થવી જોઇએ એવું નથી લાગતું ? વોટ્સ એપ પર વાયરલ થયેલો આ મેસેજ ખૂબ જ અગત્યનો છે તેમાં બેમત ન હોય શકે.
સુરત – સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો પોતાના છે.