Columns

બ્રાઝિલના રાષ્ટ્રપતિ કોરોનાની વેક્સિનનો વિરોધ કરવાને કારણે ચૂંટણી હારી ગયા હતા

ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે કોવિડ-૧૯ની વેક્સિનનો ધંધો અબજો ડોલરની કમાણી કરાવી આપનારો છે. દુનિયામાં એક બહુ મોટો વર્ગ આજે પણ એવું માને છે કે ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા કમાણી કરવા માટે દુનિયામાં કોરોનાનો ભય ફેલાવી દેવામાં આવ્યો હતો. વિવિધ દેશોના રાજનેતાઓ આ કંપનીઓ સાથે ભળી ગયા હતા અને તેમણે વેક્સિનના અબજો ડોઝ ખરીદીને તેમાંથી કટકી કરી લીધી હતી. આવી માન્યતા ધરાવતાં લોકોમાં બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોનો પણ સમાવેશ થતો હતો. તેમણે ૨૦૧૯ના નવેમ્બરમાં કોરોના વાયરસ આવ્યો ત્યારથી જાહેર કર્યું હતું કે તેનાથી બિલકુલ ડરવા જેવું નથી. તેમના કહેવા મુજબ કોવિડ-૧૯ની ગંભીરતા સામાન્ય ફ્લુથી વિશેષ નથી.

તેમણે પોતે વેક્સિન લીધી નહોતી અને લાંબા સમય સુધી બ્રાઝિલના લોકોને વેક્સિન લેવા પણ દીધી નહોતી. ફાઇઝર જેવી મલ્ટિનેશનલ ફાર્માસ્યુટિકલ કંપનીઓનું દબાણ વધી ગયું ત્યારે તેમણે પરાણે બ્રાઝિલમાં વેક્સિન વેચવાની પરવાનગી આપી હતી, પણ પોતે સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મો પરથી વેક્સિનનો વિરોધ કરવાનું ચાલુ રાખ્યું હતું. બ્રાઝિલમાં જ્યારે ૫ થી ૧૧ વર્ષનાં બાળકોને વેક્સિન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે પણ તત્કાલીન રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

તેમણે પોતાની ૧૧ વર્ષની પુત્રીને વેક્સિન આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે પોતે પણ કોરોનાની વેક્સિન લીધી નહોતી. બ્રાઝિલમાં ૨૦૨૨ના ઓક્ટોબરમાં ચૂંટણી થઈ ત્યારે વિપક્ષી નેતાઓ દ્વારા વેક્સિનના મુદ્દા પર બોલ્સોનારોની વિરુદ્ધમાં ભારે પ્રચાર કરવામાં આવ્યો હતો. બોલ્સોનારો ચૂંટણી હારી ગયા ત્યારે તેમના સમર્થકો દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો કે વેક્સિન કંપનીના માલિકો દ્વારા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં ગરબડ કરીને તેમને હરાવવામાં આવ્યા છે. આ પ્રચારને કારણે ઉશ્કેરાયેલા સમર્થકો રાષ્ટ્રપતિની ઓફિસ, કોંગ્રેસ અને સુપ્રિમ કોર્ટ પર આક્રમણ લઈને ગયા હતા.

૨૦૨૧ના ડિસેમ્બરમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચૂંટણી હારી ગયા ત્યારે તેમણે આક્ષેપ કર્યો હતો કે તેઓ ચૂંટણીમાં હારી જાય તે માટે જગતના ધનકુબેરો દ્વારા કાવતરું કરવામાં આવ્યું છે અને વોટિંગની ગણતરીમાં ઘાલમેલ કરવામાં આવી છે. આવા આક્ષેપો સાથે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો પણ કેપિટોલ હિલમાં પહોંચી ગયા હતા અને તોડફોડ કરવા માંડ્યા હતા. તેમણે તો વ્હાઇટ હાઉસ ઉપર પણ કબજો કરી લીધો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચૂંટણીમાં ગોલમાલ બાબતના જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તે તેમના સમર્થકો સુધી ન પહોંચે તે માટે ડોનાલ્ડ ટ્રમ્પના સોશ્યલ મીડિયાના અકાઉન્ટો પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

૨૦૨૨ના જાન્યુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો અમેરિકામાં જે આક્ષેપો કરી રહ્યા હતા તેવા જ આક્ષેપો ૨૦૨૩માં જાયર બોલ્સોનારોના સમર્થકો કરી રહ્યા છે. તેમના કહેવા મુજબ આખી દુનિયાનું સંચાલન જગતના મુઠ્ઠીભર ધનકુબેરો કરે છે, જેને એલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાના રાજનેતાઓને તેઓ પોતાની આંગળી પર નચાવે છે. દુનિયાની મોટી બેન્કો, ફાર્માસ્યુટિકલ કંપનીઓ, શસ્ત્રો બનાવતી કંપનીઓ વગેરે પણ તેમના અંકુશ હેઠળ છે.

દુનિયાની મોટા ભાગની મીડિયા કંપનીઓ પણ તેમના નિયંત્રણ હેઠળ છે. તેઓ પોતાનાં શસ્ત્રો વેચવા માટે દુનિયામાં યુદ્ધો કરાવે છે. તેમનો એજન્ડા દુનિયાની વસતિ ઘટાડવાનો છે. તેના માટે તેઓ મીડિયા દ્વારા કોરોના જેવી મહામારીનો ભય ફેલાવે છે. દુનિયાના જે રાજનેતાઓ તેમના ષડ્યંત્રમાં ભાગીદાર બનવાનો ઇનકાર કરે તેને સત્તા પરથી ઉથલાવી પાડવામાં આવે છે. તેના માટે મીડિયાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અમેરિકના ડોનાલ્ડ ટ્રમ્પ પછી બ્રાઝિલના બોલ્સોનારો પણ આ ષડ્યંત્રનો ભોગ બન્યા હોવાનું કહેવાય છે.

બ્રાઝિલમાં ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો હતો તે દરમિયાન જ બોલ્સોનારો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે બ્રાઝિલનું ચૂંટણી તંત્ર ભ્રષ્ટ છે અને વિપક્ષો તેમને ઉથલાવી પાડવાના પ્રયત્નો કરી રહ્યા છે. બોલ્સોનારો ચૂંટણીમાં હારી ગયા તે પછી તેઓ પોતે શાંત હતા પણ તેમના સમર્થકો કહી રહ્યા હતા કે દુનિયાના ધનકુબેરોએ તેમને કાવતરું કરીને હરાવ્યા છે. તેમણે બ્રાઝિલના લશ્કરને પણ વિનંતી કરી હતી કે તેમણે નવા રાષ્ટ્રપતિ લુલા ડિસિલ્વાને સત્તાની ધુરા સંભાળતા રોકવા જોઈએ. બ્રાઝિલના ભૂતપૂર્વ પ્રમુખ બોલ્સોનારો અમેરિકા પહોંચી ગયા છે ત્યારે તેમના સમર્થકો દ્વારા તા. ૮ જાન્યુઆરીના સંસદને ઘેરો ઘાલવાનું એલાન કરવામાં આવ્યું હતું. તેઓ હજારોની સંખ્યામાં ભેગા થયા હતા અને તેમણે બ્રાઝિલમાં સત્તાનાં ત્રણ મુખ્ય કેન્દ્રો પર આક્રમણ કર્યું હતું.

બ્રાઝિલમાં સત્તાનાં કેન્દ્રો સમાન ત્રણ મકાનો એક જ સંકુલમાં આવેલાં છે. રવિવારે બોલ્સોનારોના સમર્થકો હજારોની સંખ્યામાં લશ્કરના વડા મથકે ભેગા થયા હતા. ત્યાંથી તેઓ ૮ કિલોમીટર લાંબી કૂચ કરીને થ્રી પાવર પ્લાઝા તરીકે ઓળખાતા સંકુલ સુધી પહોંચી ગયા હતા. રિયો ડિ જાનેરોની પોલીસ પણ આંદોલનકારીઓ માટે કૂણી લાગણી ધરાવતી હોવાથી તેમને રસ્તામાં ક્યાંય રોકવામાં આવ્યા નહોતા. કદાચ પોલીસને કલ્પના નહીં હોય કે તેઓ તોફાન કરવા આવ્યા છે. તેઓ ત્રણેય મકાનોનાં છાપરાં પર ચડી ગયાં હતાં.

ત્યાંથી તેઓ બારીના કાચ તોડીને ઓફિસોમાં પ્રવેશ્યા હતા. તેમણે ફર્નિચરને તોડી નાખ્યું હતું અને લૂંટફાટ ચલાવી હતી. તેમણે જાહેર કર્યું હતું કે તેઓ તેમના દેશનો કબજો તેમના પોતાના હાથમાં લઈ રહ્યા છે. તેમણે આ તોફાનોનું શૂટિંગ કર્યું હતું અને ગર્વભેર સોશ્યલ મીડિયામાં પોસ્ટ પણ કર્યું હતું. પોલીસે રબ્બરની બુલેટ અને ટિયર ગેસનો મારો ચલાવીને તેમને રોકવાના પ્રયાસો કર્યા હતા, પણ તેને સફળતા મળી નહોતી. બ્રાઝિલના પ્રમુખ લુલા ડિસિલ્વા પણ તેમની ઓફિસ છોડીને ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા. તેમણે લશ્કરને પરિસ્થિતિ કાબૂમાં લેવાનો આદેશ કર્યો હતો. મોડી સાંજે લશ્કર આવ્યું ત્યારે તોફાનીઓ ચાલ્યા ગયા હતા.

૨૦૨૧માં અને ૨૦૨૨માં બ્રાઝિલના તત્કાલીન રાષ્ટ્રપતિ બોલ્સોનારો દ્વારા જાહેરમાં કોરોના વેક્સિનનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે તેમના આરોગ્ય પ્રધાન વેક્સિન કંપનીઓ સાથે મંત્રણાઓ કરીને તેના કરોડો ડોઝના ઓર્ડરો આપી રહ્યા હતા. તેમણે સરકારી તિજોરીમાં ખર્ચ કરીને કોરોનાની વેક્સિન ખરીદી હતી. મીડિયામાં કોરોનાનો ડર પેદા કરવામાં આવ્યો હોવાથી લોકો વેક્સિન લેવા દોડ્યા હતા. બ્રાઝિલમાં વેક્સિન મરજીયાત હતી તો પણ ૬૫ ટકા લોકો દ્વારા વેક્સિનના બે ડોઝ મૂકાવવામાં આવ્યા હતા.

તેમ છતાં બ્રાઝિલમાં કોરોનાને કારણે લાખો લોકો મરી ગયાં તેના માટે બોલ્સોનારોને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. તેમની સામે પોલીસ ફરિયાદો કરવામાં આવી હતી અને કોર્ટમાં કેસો પણ કરવામાં આવ્યા હતા. બોલ્સોનારોને કારણે બ્રાઝિલમાં લોકડાઉન લાદવામાં આવ્યું નહોતુ. તેઓ માસ્કના વિરોધી હોવાથી માસ્ક પણ ફરજિયાત કરવામાં આવ્યું નહોતું. કોરોના માટે વેક્સિન લેવાને બદલે તેઓ ક્લોરોક્વિન જેવી દવાની હિમાયત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે કોરોના વેક્સિનને કારણે એઇડ્સ થવાની સંભાવના વધી જાય છે. બ્રાઝિલના વિપક્ષો દ્વારા આ તમામ મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવી હતી. તેમને પાતળી બહુમતી મળી હતી. બોલ્સોનારોના સમર્થકો હજુ વધુ તોફાન મચાવે તેવી પણ સંભાવના છે.         
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top