સુરત(Surat): સુરત મહાનગરપાલિકાના (SMC) બજેટ (Budget) સત્રના બીજા દિવસે આજે વિપક્ષના નેતા પાયલ સાકરીયાને (PayalSakaria) ભાજપ (BJP) શાસકોના ઈશારે સદનમાંથી સસ્પેન્ડ (Suspend) કરવામાં આવતા હોબાળો મચી ગયો હતો. વિપક્ષ નેતાને સસ્પેન્ડ કરાતા આપ આદમી પાર્ટીના (AAP) તમામ કોર્પોરેટરોએ સભામાંથી વૉકઆઉટ કર્યો હતો.
સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા રજૂ કરાયેલા બજેટ પર બે દિવસથી પાલિકાની સામાન્ય સભામાં ચર્ચા ચાલી રહી છે. શાસકો બજેટના ભરપેટ વખાણ કરી રહ્યાં છે, તો બીજી તરફ વિપક્ષ બજેટને વેફરના પેકેટ સમાન ગણાવી રહ્યાં છે. મોટા પેકેટમાં માત્ર હવા જ ભરેલી છે તેમ કહી રહ્યાં છે.
દરમિયાન આજે બજેટ પર ચર્ચાના બીજા દિવસની શરૂઆતમાં જ શાસકો અને વિપક્ષી સભ્યો વચ્ચે ગરમાગરમી થઈ ગઈ હતી. ઈમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન વિજય ચૌમાલે કહ્યું હતું કે, વિપક્ષના કેટલાંક કોર્પોરેટર માત્ર રોફ જમાવવા માટે સ્મિમેર હોસ્પિટલની મુલાકાતે જાય છે. આ નિવેદન સામે વિપક્ષે વાંધો ઉઠાવ્યો હતો અને બંને પક્ષે બોલાચાલી શરૂ થઈ હતી. બંને પક્ષ વચ્ચે શાબ્દિક તણખાં ઝર્યા હતા. થોડા સમય માટે વાતાવરણ ગરમ થઈ ગયું હતું. સિક્યોરિટીએ દોડી આવવું પડ્યું હતું.
વધુમાં શાસક પક્ષના એક કોર્પોરેટરે વિપક્ષ પર એવો કટાક્ષ કર્યો હતો કે આમ આદમી પાર્ટીનો અડધો સફાયો કરી નાંખવામાં આવ્યો છે, હવે તેમને જડમૂળમાંથી કાઢવાની જરૂર છે. આ પ્રકારનું નિવેદન થતાં જ બંને પક્ષે હોબાળો મચી ગયો હતો. આપના સભ્યો ભડક્યા હતા. મામલો ખૂબ વણસ્યો હતો. દરમિયાન ભાજપ શાસકોના ઈશારે સદનમાંથી વિપક્ષના નેતા પાયલ સાકરિયાને સદનમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા, જેના પગલે વિપક્ષના સભ્યોએ સભામાંથી વોકઆઉટ કર્યો હતો.