નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં આવેલી દેશની વિખ્યાત જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU) ફરી એકવાર ખોટા કારણોસર વિવાદમાં આવી છે. આ યુનિવર્સિટીના કેમ્પસની દિવાલો પર બ્રાહ્મણ વિરોધી સૂત્રો લખવામાં આવ્યા છે. બ્રાહ્મણો ભારત છોડો (Brahaman Bharat Chhodo) જેવા નારા દિવાલો પર લખ્યા હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેના લીધે વિવાદ (Controversy) સર્જાયો છે.
દિલ્હીમાં આવેલી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) ફરી વિવાદમાં સપડાઈ છે. અહીંની સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ (SIS)ની દિવાલો પર બ્રાહણો વિરુદ્ધ જાતિવાદી ટીપ્પણી લખવાને લઈને હોબાળો મચ્યો છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. દરમિયાન યુનિવર્સિટીની દિવાલો અને ફેકલ્ટી રૂમ પર લખવામાં આવેલા બ્રાહ્મણ વિરોધી સૂત્રોના ફોટા વાયરલ થતાં સોશિયલ મીડિયામાં ભારે હોબાળો મચી ગયો છે.
જેનયુની ફેકલ્ટી રૂમના ગેટ પર પણ ”ગો બેક શાખા” લખેલું છે. અહીં આ ઘટના બાદ રાજકીય નિવેદનો પણ શરૂ થઈ ગયા છે. હરિયાણાના મંત્રી અનિલ વિજે કહ્યું છે કે તેઓ બ્રાહ્મણ વિરોધી નારાઓની નિંદા કરે છે. તેમણે કહ્યું કે આવી વિચારસરણીને કચડી નાંખવી જોઈએ. દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)એ ડાબેરી પાંખ પર આ સૂત્ર લખવાનો આરોપ લગાવ્યો છે.
વાઇસ ચાન્સેલરે નોટિસ ઈશ્યું કરીને જણાવ્યું હતું કે ફેકલ્ટી રૂમ અને યુનિવર્સિટીની દિવાલો પર કેટલાક અજાણ્યા લોકો દ્વારા કરવામાં આવેલી જાતિવાદી ટિપ્પણી સામે વહીવટીતંત્ર કડક પગલાં લેશે. વહીવટીતંત્ર આવી ઘટનાઓને વખોડે છે. યુનિવર્સિટીમાં આવી ઘટના સ્વીકારવામાં આવશે નહીં. જેએનયુ બધાની છે.
વાઈસ ચાન્સેલરે સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝના ડીન અને ફરિયાદ સમિતિને વહેલી તકે આ મામલાની તપાસ કરીને રિપોર્ટ સોંપવા જણાવ્યું છે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે જેએનયુ સમાવેશ અને સમાનતામાં માને છે. વાઇસ ચાન્સેલરે જેએનયુમાં કોઈપણ પ્રકારની હિંસા પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની વાત પણ કરી છે.
બીજી તરફ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ ડાબેરી વિદ્યાર્થીઓ પર જાતિવાદી ટિપ્પણી લખવાનો આરોપ લગાવ્યો છે. અહીં આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. શુભમ શુક્લા નામના યુઝરે લખ્યું છે કે અહીંની માટીમાં દરેકનું લોહી ભળે છે.. કોઈના બાપનું હિન્દુસ્તાન થોડું છે.. શુભમ શર્મા નામના યુઝરે લખ્યું છે કે દેશમાં બ્રાહ્મણો નવા યહૂદી બન્યા છે.