એક સ્ટાર હોય તે નોનસ્ટાર એકટરને મદદ કરી શકે એ બહુ જાણીતું સત્ય છે. જાણીતા સ્ટાર સાથે કોઇ નવી જ હીરોઇન આવે અને ઉંચકાઇ જાય. કોઇ જાણીતી હિરોઇન વડે પણ એવું બની શકે. ‘ગહરાઇમાં’ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રજૂ થઇ રહી છે. તેનાથી સિધ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કરવા ખુશ છે કારણ કે દીપિકા પાદુકોણે સાથે તેમને કામ કરવા મળ્યું છે. ધૈર્યને દીપિકાના ઓન સ્ક્રિન પ્રેમીની ભૂમિકા કરવા મળી છે. ‘યૂરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં કેપ્ટન સરતાજ સીંઘની ભૂમિકા કરી ચૂકેલો ધૈર્ય માટે વિત્યાં ત્રણ વર્ષ સારાં ગયાં છે. કોરોનાના સમયને કોઇ ખરાબ ગણે પણ તેના માટે તો એ જ સમય સારો ગયો છે. આ દરમ્યાન જ તે ‘મેડ ઇન હેવન’ વેબસિરીઝમાં સમર રાણાવત તરીકે પણ આવ્યો છે.
જયપુરથી આવેલા ધૈર્યે ધાર્યું નહોતું કે તેને આટલી સરસ તકો મળશે. મુંબઇમાં એમબીએ કરનાર ધૈર્યને તેને મળેલી તક સમજાય તે સ્વાભાવિક છે. બાકી તે તો યુરોપ જઇ વધારે સ્ટડી કરવાનો હતો પણ તેને મોડલીંગની તક મળી તેની સાથે જ દિશા બદલાવા માંડી. જો કે અભિનયમાં કારકિર્દી શરૂ કરવા પહેલાં તે એકટિંગ સ્કૂલમાં જઇ તાલીમ લઇને આવ્યો છે. ‘યૂરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં તે એ જ કારણે સફળ ગયો અને કબીરખાને ‘83’માં રવિ શાસ્ત્રીની ભૂમિકા માટે પસંદ કર્યો. ધૈર્યે તેના અભિનયકાર્યને નસીબ સાથે જોડયું નથી. અભિનયના પ્રશિક્ષણ ઉપરાંત નિયમિત રીતે તે જીમ જાય છે. એમબીએનો વિદ્યાર્થી રહી ચૂકવાથી પોતાના કામને શિસ્તબદ્ધ માળખામાં રહીને જુએ છે. શકુન બત્રાએ જયારે દીપિકાના બોયફ્રેન્ડની ભૂમિકા માટે તેને કહ્યું ત્યાર પછી તેણે વધુ તૈયારી કરી કારણકે દીપિકા હોય તો એ ફિલ્મને અનેક પ્રેક્ષકો જોવાના હોય અને ઇન્ડસ્ટ્રીની પણ નજર હોય. ફિલ્મમાં બે કપલ દર્શાવાયાં છે.
એક દીપિકા અને ધૈર્યનું ને બીજું અનન્યા પાંડે અને સિધ્ધાંત ચતુર્વેદીનું.આજના સમયની એડલ્ટ રિલેશનશિપની વાત આ ફિલ્મમાં છે. નવા સમાજ, નવા સંબંધોની વાત હોય ને તેમાં નવા કળાકાર હોય તો લોકો વધારે રિસ્પોન્ડ કરતાં હોય છે. ‘83’ આવી અને તેની પાછળ જ‘ગહેરાઇયાં’આવી છે. આ ફિલ્મ થિયેટરમાં રજૂ થઇ હોત તો અલબત્ત વધારે ફાયદો થાત, પણ ધૈર્ય કહે છે કે આ નકકી કરવું અમારા માટે મુશ્કેલ છે પણ દીપિકા જેવી અભિનેત્રી હોય તો OTT પ્લેટફોર્મ પર અમારી ફિલ્મ જોવાશે જ. ધૈર્યના આત્મવિશ્વાસમાં તર્ક છે અને કહી શકીએ કે તે વધુ સારી ફિલ્મોની અપેક્ષા હવે કરી શકે છે. આ એની કારકિર્દીની ત્રીજી જ ફિલ્મ છે ને ખુશ થવા જેવી પોઝીશનમાં છે.