SURAT

સ્માર્ટ મીટર સામેનો પીપલોદથી શરૂ થયેલો વિરોધ પુણા ગામ પહોંચ્યો, લોકોએ આક્રોશ ઠાલવ્યો

સુરત: ડી.જી.વી.સી.એલ. દ્વારા પીપલોદ વિસ્તારમાંથી સ્માર્ટ વીજ મીટર નાંખવાની શરૂઆત થઇ ત્યારથી જ આ મુદ્દે શહેરીજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પીપલોદની સબડિવીઝનલ કચેરીથી ઉઠેલા વિવાદ બાદ રવિવારે પૂણા વિસ્તારોની અનેક સોસાયટીઓમાં પણ આ મુદ્દે વિવાદ સર્જાયો છે. બીજી તરફ હવે આ મુદ્દાએ રાજકીય રંગ પકડી લેતા જિલ્લા કોંગ્રેસ દ્વારા #Boycott_smart_mitar નાં નામે સોશિયલ મિડીયા ઉપર પણ અભિયાન ચલાવાતા લોકો તરફથી તેને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.

  • બોયકોટ સ્માર્ટમીટરના નામથી સોશિયલ મીડિયામાં આક્રોશ ઠાલવ્યો
  • પૂણાની હસ્તિનાપુર વાડીમાં અનેક લોકો હાજર રહ્યાં
  • સ્માર્ટ વીજ મીટરોના વિવાદ વચ્ચે સોશિઅલ મીડિયા ઉપર અભિયાન શરુ થયું
  • જિલ્લા કોંગ્રેસ દ્વારા #Boycott_smart_mitarનાં નામે શરુ કરાયેલા અભિયાનને લોક સમર્થન મળી રહ્યું છે
  • આંદોલનને શરૂ કરતા વીજ કંપનીનાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી વિવાદમાં સપડાય તેવી શકયતાઓ વધી

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતનાં 18 લાખ જેટલા રહેણાંક વીજ ગ્રાહકોનાં વર્તમાન સ્ટેટિક વીજ મીટરને બદલી તેનાં સ્થાને સ્માર્ટ વીજ મીટરનો કોન્ટ્રાક્ટ ફાળવ્યા બાદ હાલમાં પીપલોદ સબડિવીઝનનાં વિસ્તારમાં 12 હજાર જેટલા સ્માર્ટ મીટર ફીટ કરવામાં આવ્યા છે.

જો કે સ્માર્ટ મીટરનાં રિચાર્જ એપ્લિકેશન સમસ્યા, કંટ્રોલરૂમમાં યોગ્ય રીતે સંપર્ક થતો નહીં હોવા સહિતની સમસ્યાને ધ્યાનમાં રાખી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ પુણા વિસ્તારમાંથી વિરોધ સાથે જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દરેક સોસાયટીમાં બેઠક કરવાની શરૂઆત કરવામાં આવી છે.

જે અંતર્ગત ગતરાત્રિ દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશ સુહાગીયા અને ધીરુ લાઠીયા દ્વારા હસ્તિનાપુર સોસાયટીની વાડી ખાતે લોકોને સ્માર્ટ મીટરમાં પડી રહેલી સમસ્યાની જાણકારી આપવા માટે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે દરેક સોસાયટીના દરેક ઘરેથી વ્યક્તિ ગત વાંધા અરજી દક્ષિણ ગુજરાત વીજ કંપનીને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

વધુમાં સ્માર્ટ મીટરનાં ઉઠેલા વિવાદ વચ્ચે સોશ્યલ મિડીયામાં પણ #Boycott_smart_mitar સાથે આંદોલનને શરૂ કરતા વીજ કંપનીનાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી વિવાદમાં સપડાય તેવી શકયતાઓ વધી જવા પામી છે.

પ્રાઇવેટ કંપનીનાં માણસો અનધિકૃત રીતે સોસાયટીમાં જઇ સ્માર્ટ મીટર નાંખવાનો સર્વે કરે છેઃ મહેશ અણઘડ
વીજ કંપનીનાં અધિકારીઓને રજૂઆત દરમિયાન ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા નિમણૂક કરાયેલા પ્રાઈવેટ ઇજારદારના માણસો અનધિકૃત રીતે સોસાયટીઓ માં જઈને ગેરકાયદેસર રીતે સર્વે કરે છે. જૂના ડિજિટલ મીટરો ને બદલે સ્માર્ટ મીટરો લગાડવાથી ચાર્જ વધુ વસૂલતા હોવાની હમણાંથી વારંવાર ફરિયાદો ઉઠવા પામી છે.

એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના 80 કરોડ લોકોને મફત અનાજ આપવાની વાત કરે છે, બીજી તરફ સ્માર્ટ મીટરો લગાવીને એડવાન્સ નાણાં લઈ ભાજપ સરકાર પ્રજાને લૂટવાનું કામ કરે છે તે સાંખી લેવાય એમ નથી. જેથી આમ આદમી પાર્ટીએ પણ સ્માર્ટ મીટરનાં વિરોધમાં સૂર પુરાવ્યો હતો.

Most Popular

To Top