આણંદ : બોરસદ તાલુકાના ખેડાસા ગામે રબારીવાળુ ફળીયામાં રહેતી યુવતીના લગ્ન વડોદરાના ખલીપુર ગામના યુવક સાથે થયાં હતાં. લગ્નના અગિયાર વરસના ગાળામાં બે સંતાન પણ થયાં હતાં. જેમાં પુત્રના બાબરીના ખર્ચને લઇ પતિ – પત્ની વચ્ચે ઝઘડા શરૂ થયાં હતાં. જેમાં પતિએ પિયરમાંથી રૂ. દોઢ લાખ લાવવાની કહી ત્રાસ આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ખેડાસા ગામે રહેતા હસમુખભાઈ પરમારની દિકરી સેજલબહેનના લગ્ન 2010માં વડોદરાના ખલીપુર ગામે રહેતા જયેશ શંકરભાઈ સોલંકી સાથે થયાં હતાં. તેમની સાથે સાસુ મંજુલાબહેન તથા સસરા શંકરભાઈ પણ રહેતા હતાં. સુખમય ચાલતા આ સંસારમાં એક પુત્ર જયરાજ (ઉ.વ.7) અને રીતીકા (ઉ.વ.4)નો જન્મ પણ થયો હતો. પરંતુ છેલ્લા ચારેક વર્ષથી જયેશ અને સેજલબહેન વચ્ચે ઘરના કામકાજને લઇને ઝઘડા થવા લાગ્યાં હતાં. તું ઘરનું કામકાજ બરાબર કરતી નથી અને આમ તેમ ભટક્યા કરે છે. તેને પિયર મુકી આવ, આપણે રાખવાની નથી.
તેમ કહીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ઉપરાંત અવાર નવાર ખોટા વહેમ રાખી ઝઘડો કરી મારઝુડ કરતાં હતાં. આખરે 18મી માર્ચ, 21ના રોજ સાંજના સાતેક વાગ્યાના સુમારે જયેશે જયરાજની બાબરી પાંચ મહિનામાં લેવાની છે અને તે માટે પૈસાની જરૂર છે. તારા પિયરમાંથી તારા મમ્મી – પપ્પા પાસેથી રૂ.1.50 લાખ લઇ આવ તેમ કહી સેજલબહેનનો ચોટલો પકડી નીચે પાડી દઇને મારમાર્યો હતો. આ ઝઘડા અંગે બહેન – બનેવીને જાણ કરતાં તેઓ પણ ખલીપુર દોડી આવ્યાં હતાં. પરંતુ ઉશ્કેરાયેલા જયેશે બનેવી ભાર્ગવ પટેલ અને બહેન કોમલ પર હુમલો કર્યો હતો. આથી, સેજલબહેન પહેરેલ કપડે જ બહેન – બનેવી સાથે પિયર આવતાં રહ્યાં હતાં. આ અંગે ભાદરણ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે જયેશ શંકરભાઈ સોલંકી, સાસુ મંજુલાબહેન અને સસરા શંકરભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.