આણંદ : બોરસદ તાલુકામાં પડેલા વરસાદના કારણે બે દુધાળા પશુ અને 12 ગદર્ભ મળી કુલ 14 પશુ મૃત્યુ પામ્યા હતા. જે અતંર્ગત મૃત્યુ પામેલા 14 પશુઓના માલિકને 2.52 લાખની સહાય આપવામાં આવી હતી. બોરસદ તાલુકામાં ચાર કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેર સહિત તાલુકાના ગામડાઓમાં જનજીવન અસ્તવ્યવસ્ત થવાની સાથે પશુઓના જીવને પણ જોખમ ઉભું થયું હતું. શહેર સહિત ભારે વરસાદથી પ્રભાવિત થયેલા ગામડાંઓમાં કલેકટર મનોજ દક્ષિણીના સીધા માર્ગદર્શન હેઠળ પ્રશાસન દ્વારા યુધ્ધને ધોરણે બચાવ અને રાહતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન કલેકટર મનોજ દક્ષિણીએ નુકસાન અંગેની સર્વેની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરીને અસરગ્રસ્તોને મળવાપાત્ર સહાય બનતી ત્વરાએ ચૂકવવામાં આવે તે દિશામાં કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જેના ભાગરૂપે તાજેતરમાં બોરસદ તાલુકાના ભાદરણીયા અને સીસ્વા ગામમાં મૃત્યુ પામેલા પશુઓ પૈકી એક ભેંસ, એક ગાય અને 12 ગદર્ભ મળી કુલ 14 પશુ મૃત્યુના કિસ્સામાં 2.52 લાખની સહાયની ચૂકવણી કરી દેવામાં આવી હોવાનું વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.