આણંદ : બોરસદ નગરપાલિકાના સફાઇ કામદારો હડતાલ પર ઉતરતાં ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાઇ ગયાં છે. હજુ ગયા સપ્તાહે જ સત્તાધીશોની આંતરિક ખેંચતાણ સર્જાઇ હતી અને પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી હતી. જેનો હજુ નિવેડો આવ્યો નથી. આ સ્થિતિમાં પ્રજાના પ્રશ્ન ઉકેલવા કોઇ સાંભળવા માટે તૈયાર નથી. બોરસદમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. બોરસદ શહેર ખાતે સફાઈની કામગીરી કરતા સફાઈ કર્મચારીઓ પગારની માંગણીને લઈને હડતાળ પર ઉતરી જતાં છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં સફાઈની કામગીરી ખોરંભે ચડી છે.
બોરસદ શહેર ખાતે આવેલા બળિયાદેવ રોડ, ટાઉનહોલ વિસ્તાર, ફુવારા, સૈયદવાડ, કાશીપૂરા નાની ગોલવાડ, જૂની દૂધ ની ડેરી સહિત અનેક વિસ્તારો ખાતે કચરાના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે. બોરસદ શહેર ખાતે સફાઈની કામગીરી કરતા સફાઈ કર્મચારીઓને છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા દ્વારા પગાર ચૂકવવામાં નહિ આવતા તેઓ એ અગાઉ ચીફ ઓફીસરની ઓફિસ ખાતે ઘેરાવો કરીને પગારની માંગણી કરી હતી.
બોરસદ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા પૂરો પગાર ન ચૂકવીને અડધો પગાર ચૂકવવા અંગે જણાવવામાં આવ્યું હતું. જે મુદ્દાના વિરોધને લઈને સફાઈ કર્મચારીઓ રોષે ભરાયા હતા અને તેઓ દ્વારા સમગ્ર બોરસદ શહેરની સફાઈની કામગીરી બંધ કરીને હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. આ દરમિયાન છેલ્લા એક અઠવાડિયાથી બોરસદ શહેરમાં સફાઈની કોઈ કામગીરી કરવામાં આવી નથી. આથી સમગ્ર બોરસદ શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ખાસ કરીને બોરસદના બળિયાદેવ રોડ, ફુવારા, ટાઉનહોલ, કાશીપૂરા નાની ગોલવાડ, પુરુષોત્તમ નગર સોસાયટી સહિત અનેક વિસ્તારો ખાતે કચરાના ઢગલા થયેલા જોવા મળે છે. આ જ કચરા પર માખી અને મચ્છરોનો ઘેરાવો જોવા મળે છે.
હાલ કોલેરા, ટાઈફોઈડ, સ્વાઇન ફ્લૂ જેવા મચ્છર જન્ય રોગો અને લમ્પી સહિત કોરોના જેવા અનેક રોગોનો પણ ફેલાવો થતાં ઝાડા, ઉલ્ટી, અને તાવના પણ ઘણા કેસો નોંધાઈ રહ્યા છે. આવી બીમારીઓની વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી બોરસદ શહેરમાં સફાઈની કામગીરી કરવામાં આવી નથી. આથી, ગંદકીના કારણે શહેરના લોકો બીમારીનો ભોગ બનશે. તો જવાબદાર કોણ ? તે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. બોરસદ નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે બોરસદની દીવાલોને રંગીને સુશોભિત કરાવવામાં આવી રહી છે, પણ શહેરના રસ્તાની સાફ સફાઇમાં પાલિકા ઊણી ઉતરી છે.