મઘા નક્ષત્ર(૨)
મઘા નક્ષત્રમાં શુકદેવજી જનક રાજાના શિષ્ય થયા એ વાત ગયા લેખમાં જોઈ. જનક રાજાએ શુકદેવને પોતાના શિષ્ય બનાવી ઈશ્વર સાથે નાતો સાધવાના થોડા નિયમો પણ બતાવ્યા. જનક રાજા સત્યવાદી હતા. એમણે કહ્યું કે મારા આટલા પ્રયત્નો છતાં એક વખત મારી દીકરી સીતાને માટે મને અહંકાર થયો હતો. રામને કહ્યું હતું કે મારી દીકરી સીતા સર્વગુણસંપન્ન છે અને જે કોઈ સાથે લગ્ન કરશે તે નસીબદાર હશે. જ્યાં મનમાં મારું આવે છે ત્યારે ઈશ્વર પાસે જવામાં રુકાવટ આવે છે. જાતક અહમ્ ન રાખે તો જ આધ્યાત્મિક ઉન્નતિ થવાની શક્યતા રહે છે. હવે એક બીજી નાની રૂપક કથા જોઈશું.
ગજમુખ નામનો રાક્ષસ પૃથ્વી પર બધાને હેરાન કરતો હતો. એને કોઈ મારી શકતું ન હતું. ગણેશજીએ પોતાની સૂંઢ રાક્ષસના ગળામાં લપેટી અને એને ગોળ ગોળ ફેરવી વધ કર્યો. ત્યાર બાદ ગજમુખ એક નાની યોનિમાં આવ્યો અને ઉંદર થયો.
ગણેશજીનું વાહન પણ ઉંદર જ છે. મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તેને જ્યોતિષશાસ્ત્ર અને આયુર્વેદમાં સોનાના તોલે ગણવામાં આવે છે.
વર્ષાૠતુમાં સૂર્યનું મઘા નક્ષત્રનું ભ્રમણ ખૂબ જ મહત્ત્વનું છે. સૂર્ય એક નક્ષત્રમાં આશરે ૧૩ દિવસ ૮ કલાક હોય છે. તો આ ૧૪ દિવસમાં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણીનો સંગ્રહ કરી શકતા હો તેટલો કરી લેજો. આ ૧૪ દિવસ દરમિયાન અગાસીમાં કે ખુલ્લા મેદાનમાં તાંબા, પિત્તળ, કાંસા અથવા તો સ્ટીલના બેડલા – માટલા એવી રીતે મૂકો કે આ મઘાનો મોંઘો વરસાદ સીધો જ આપના મૂકેલ જે – તે પાત્રોમાં સીધો જ ભરાઈ જાય.
વરસાદનું મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન છે. જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ થાય તો ખૂબ જ ઉત્તમ છે.વર્ષા ઋતુમાં મઘા નક્ષત્ર માટે કહેવાય છે કે “મઘા કે બરસે, માતુ કે પરસે”* એટલે કે માતા જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રના વરસાદથી ધરતી માતાની પાણીની તરસ બુઝી જાય છે.
જેનાથી ખેતીનો પાક પણ ખૂબ જ સારો થાય છે. વરસાદનું મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન છે. જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ થાય છે. કહેવાય છે કે મઘાના મોંઘા વરસાદ માટે જો મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે. આ પાણીને વાસણમાં ભરી રાખો તોપણ એમાં પોરા (કીડા) પડતા નથી. આ મઘા નક્ષત્રનું સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા (કરમ) હોય તો તે મરી જાય છે. પહેલાં કહ્યું તેમ મઘાનું પાણી ગંગાજળ સમાન છે. તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે એવું ને એવું જ રહે છે અને કોઇ પણ રીતે તે બગડતું નથી. પહેલાંના જમાનામાં શહેરમાં દરેક ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે મોટા ટાંકાઓ હતા અને હાલમાં પણ અમુક ઘરોમાં આ ટાંકાઓ જોવા મળે છે. જેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરતાં અને આખું વર્ષ તેનો ઉપયોગ કરતા આવ્યા છે. એક પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘાના વરસાદનું જ પાણી પીવે છે.
આ પાણીનો ઉપયોગ શું શું કરી શકાય ?
આંખોના કોઈ પણ રોગમાં આંખોમાં બે બે ટીપાં નાખી શકાય. પેટના કોઈ પણ દર્દમાં આ મઘાનું પાણી પીવું ઉત્તમ છે. જો આપ કોઈ આયુર્વેદિક દવા લેતા હો તો તે આ મઘાનાં પાણી સાથે લેવાથી તેનો લાભ થાય છે. આ પાણીથી આપના ગૃહની રસોઈને રાંધવું પણ ઉત્તમ છે. મઘા નક્ષત્રમાં જન્મેલ જાતક તાકાતવર, મહાન, ઊંચો દરજ્જો મેળવનાર, ધનવાન, મા બાપની કાળજી લેનાર, ઉદ્યમી હોઈ શકે, નિરંતર પ્રયાસ કરે, બીજા પર વિશ્વાસ ન કરે અને સારા observer હોઈ શકે. કફ દોષ હોવાની શક્યતા. જાતક સ્વભાવમાં બહુ શાંત લાગણીશીલ અને ફિલોસોફર હોય.