Sports

દિલ્હી-નાગપુરની પીચને ICCની ક્લિનચીટ

મેલબોર્ન: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (Border-Gavaskar Trophy) રમવા માટે ભારત (India) આવેલી ઓસ્ટ્રેલિયન ટીમ નાગપુર અને દિલ્હીમાં પ્રથમ બે ટેસ્ટ માત્ર ત્રણ દિવસમાં હારીને સીરિઝમાં 2-0થી પાછળ છે. નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ પહેલા જ ઓસ્ટ્રેલિયન મીડિયા અને માજી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ સહિતનાઓએ નાગપુરની પીચ મામલે કાગારોળ મચાવી દીધી હતી. તે પછી દિલ્હીની પીચ મામલે પણ તેમણે આવી જ બુમરાણ મચાવી હતી, જો કે તેમની આ કાગારોળને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલે ધ્યાને લીધી નથી અને આઇસીસીના મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે આ બંને પીચને ક્લિનચીટ આપી છે.

ઓસ્ટ્રેલિયન અખબાર સિડની મોર્નિંગ હેરાલ્ડના અહેવાલ અનુસાર, આઇસીસીના મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે દિલ્હી અને નાગપુરની પીચોને સરેરાશ શ્રેણીમાં મૂકી છે. મૂળ ઝિમ્બાબ્વેના પાયક્રોફ્ટ દ્વારા આપવામાં આવેલા આ રેટિંગ પરથી સ્પષ્ટ થાય છે કે આ પીચ ક્રિકેટ માટે યોગ્ય હતી. ભલે તેને આદર્શ વિકેટ ન કહી શકાય પણ તે સાવ કંગાળ નહોતી. આવી સ્થિતિમાં, આ બંને પીચો માટે બીસીસીઆઇને આઇસીસી તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. મેચ રેફરીનો રિપોર્ટ ઓસ્ટ્રેલિયન મીડિયાને જડબાતોડ જવાબ આપી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયન મીડિયાએ ભારતમાં ટેસ્ટ ક્રિકેટ રમવા માટે આપવામાં આવેલી પીચો પર ભારે હોબાળો મચાવ્યો હતો. ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ નિષ્ણાતોએ તો ત્યાં સુધી કહી દીધું કે ઑસ્ટ્રેલિયા સામે ઇરાદાપૂર્વક વધારાના સ્પીન ટ્રેક બનાવવામાં આવ્યા છે જેથી ભારત સરળતાથી મેચ જીતી શકે. ટોમ મૂડીએ તો આઇસીસી પાસે માંગ પણ કરી હતી કે મુલાકાતી ટીમને તે નક્કી કરવાનો અધિકાર આપવામાં આવે કે તે પહેલા બેટિંગ કરવા માંગે છે કે ફિલ્ડિંગ. મેચ રેફરીના પીચ અંગેના અહેવાલથી સ્પષ્ટ થઈ ગયું છે કે છેલ્લી બે ટેસ્ટ મેચ દરમિયાન પણ બીસીસીઆઈ પોતાની ઈચ્છા મુજબ તે જ તર્જ પર ટર્નિંગ ટ્રેક બનાવી શકે છે.

Most Popular

To Top