સુરત: સુરત (Surat) શહેરમાં પોલીસનો (SuratCityPolice) કોઈ ધાક રહ્યો નહીં હોવાના કિસ્સા અવારનવાર બની રહ્યાં છે. દારૂ બંધી (Liquor Ban) હોવા છતાં શહેરમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે તે સૌ કોઈ જાણે છે પરંતુ હવે દારૂ વેચનારા બુટેલગરો (Bootlegar) એટલી હદે બેફામ બન્યા છે કે તેઓ જાહેરમાં બબાલ કરતા પણ ગભરાતા નથી. આવો જ એક કિસ્સો ગોડાદરાની સોસાયટીમાં બન્યો છે, જેના સીસીટીવી (CCTV) ફૂટેજ બહાર આવ્યા છે.
શહેરના ગોડાદરામાં બુટલેગરોએ એક સોસાયટીમાં પાર્ક વાહનોમાં તોડફોડ કરી ધમાલ મચાવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. આખી ઘટનાના CCTV સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. સોસાયટીમાં અંદર આવીને દારૂ વેચવા કે બોટલો મૂકવાની ના પડાતા બુટલેગરો એ આખી સોસાયટી માથે ઉપાડી ધાક જમાવવા તોફાન મચાવ્યુ હોવાની વિગતો જાણવા મળી છે. સોસાયટીમાં રાત્રિના સમયે વાહનોમાં તોડફોડ કરાતા ભયનો માહોલ વ્યાપી ગયો હતો. તાજેતરમાં વિજિલન્સ ની રેડ પડતી હોવાથી હવે બુટલેગરો પોતાનો દારૂ સોસાયટીઓમાં સંતાડવા અને વેચવા આવી કરતૂત કરી રહ્યા હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે રાત્રિના સમયે અચાનક સોઆયટીના વાહનોમાં તોડફોડ અને ધમાલ કરતા હોવાની બુમાબુમ ઉઠતા લોકો બહાર દોડી આવ્યા હતા. સ્થાનિક બુટલેગરો સોસાયટીમાં બેફામ તોફાન કરતા જોઈ ભય નો માહોલ ઉભો થયો હતો. વાત બસ એટલી જ હતી કે સોસાયટીમાં દારૂ વેચવા કે દારૂના બોટલા મૂકવા નહીં તેવું કહેતા બુટલેગરો વિફર્યા હતાં. દારૂ વેચવા માટેની ના પાડતા બુટલેગરોના 10થી 12 જેટલા લુખ્ખાં તત્વો સાથે મળી સોસાયટીમાં તોડફોડ કરી હતી.
વધુમાં જણાવ્યું હતું કે, ધમાલ મચાવનાર મેહુલ અને ગોવિંદ નામના ઇસમોના ઇશારે આ લુખ્ખા તત્વોએ સોસાયટીમાં ઘુસી તોડફોડ કરી હોવાનું હાલ સામે આવ્યું રહ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હોવા છતાં પોલીસની દયા ની નીતિ બુટલેગરોને સુરક્ષા આપી રહી હોય એમ કહી શકાય છે. આવા ગંભીર કેસમાં પણ પોલીસ બુટેલેગરો અને અસામાજિક તત્ત્વો સામે કોઈ પગલાં આગળ આવશે કે કેમ તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. થોડા દિવસો અગાઉ જ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરીને દારૂનો જથ્થો અહિંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. બસ દારૂ નો જથ્થો ન પકડાય અને વેચાણ સળતાથી થતું રહે હેતુથી હવે સોસાયટીઓમાં ઘૂસવાનો પ્રયાસ કરાય રહ્યો છે.