નડિયાદ: નડિયાદમાં રહેતી એક મહિલાએ પોતાના ઘરના બાથરૂમની છાજલી ઉપર દારૂ સંતાડવાની બુટલેગરને ના પાડતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં રોષે ભરાયેલાં બુટલેગરે પ્લાસ્ટીકની પાઈપ વડે મહિલા ઉપર હુમલો કર્યો હતો. તેમજ બુટલેગરના ભાઈ અને બે સાગરિતે ઝઘડામાં છોડવવા વચ્ચે પડેલાં મહિલાના પુત્રને ગડદાપાટુનો મારમારી ઈજા પહોંચાડી હતી. આ મામલે મહિલાની ફરીયાદને આધારે નડિયાદ ટાઉન પોલીસે બુટલેગ સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી, કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદમાં સરદારનગર પાસે આવેલ ભૈયાચાલીમાં રહેતો બુટલેગર કપીલ જગદીશભાઈ યાદવ ગત રવિવારના રોજ રાત્રીના પોણા અગિયાર વાગ્યાના અરસામાં તેના ઘર નજીક રહેતાં રંજનબેન દિલીપભાઈ તિવારીના ઘરના બાથરૂમની છાજલી ઉપર દારૂ સંતાડી રહ્યો હતો. જેથી રંજનબેને અહીં દારૂ સંતાડવાનો નહીં તેમ કહી બુટલેગર કપીલને ઠપકો આપ્યો હતો. જેનાથી ઉશ્કેરાયેલાં કપીલે હું કોઈનાથી ડરતો નથી, તારાથી થાય તે કરી લે તેમ કહી રંજનબેન સાથે ઝઘડો કર્યો હતો. જોતજોતામાં ઝઘડો ઉગ્ર બની જતાં બુટલેગર કપીલે પ્લાસ્ટીકની પાઈપ વડે હુમલો કરી રંજનબેનને હાથ-પગ તેમજ મોંઢાના ભાગે ઈજા પહોંચાડી હતી. બુમાબુમ થતાં કપીલનો ભાઈ લવકુશ તેમજ સાગરીતો સનીભાઈ અને મહેશભાઈ દોડી આવ્યાં હતાં. તેઓએ ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલાં રંજનબેનના પુત્ર પંકજને ગડદાપાટુનો મારમારી ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે રંજનબેન દિલીપભાઈ તિવારીની ફરીયાદને આધારે નડિયાદ ટાઉન પોલીસે કપીલ જગદીશભાઈ યાદવ, લવકુશ જગદીશભાઈ યાદવ, સનીભાઈ અને મહેશભાઈ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.