Vadodara

મકરપુરા માંથી 62000નો વિદેશી દારૂ સહિત બુટલેગર ઝડપાયો

વડોદરા: મકરપુરા ગામમાં આવેલી વલ્લભ કોલોનીના રહેણાંક મકાનમાંથી પીસીબીની ટીમે દરોડો પાડીને 62 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે બૂટલેગરની ધરપકડ કરી હતી. પોલીસે વિદેશી દારૂ , રોકડ રકમ અને મોબાઇલ મળી 64 હજારનો મુદ્દામાલ કબજે લઇને આગળની તપાસ માટે મકરપુરા પોલીસને સોંપવામાં આવ્યો છે. પીસીબી ટીમ પ્રોહિબિશન અને જુગારના આરોપીઓની શોધખોળ કરી રહી હતી.

તે દરમિયાન હે.કો,દેવેન્દ્ર ચંદ્રકાંત અને દિપેશસિંઘ નરેશસિંઘને બાતમી મળી હતી કે મકરપુરા ગામની વલ્લભ કોલોનીમાં રહેતો આસિફ અલાઉદ્દીન શેખ વિદેશી દારૂનો છુપી રીતે ધંધો કરે છે અને તેણે પોતાનો દારૂનો જથ્થો વલ્લભ કોલોનીમાં ક્યાંક સંતાડેલ છે જે આધારે પીસીબી પીઆઇ એસ ડી રાતડા સહિતની ટીમે બાતમી મુજબના સ્થળ પર તપાસ કરતા મકાન નંબર ડી-7માંથી આરીફ અલાઉદ્દીન શેખ મળી આવ્યો હતો. તેના રહેણાક મકાનમાં તપાસ કરતા વિદેશી દારૂની 385 બોટલ જેની કિંમત રૂપિયા 62000ની મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂનો જથ્થો, રોકડા રૂપિયા તથા મોબાઇલ 64 હજારનો મુદ્દામાલ કબજે કરી આસિફની ધરપકડ કરી હતી.

પોલીસે આસિફની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો તેના ભાઈ આરીફ શેખે વેચવા માટે મંગાવીને આપ્યો છે તે ક્યાંથી કોની પાસેથી લાવ્યો છે તે અંગેની માહિતી મારી પાસે નથી. જેથી પોલીસે આસિફ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે બપોરે પોણા બે વાગે સ્ટેટ મોનિટરિંગ સેલે આરીફ સહિત ત્રણ આરોપીને બિયરના 360 ટીન સાથે ઝડપી પાડ્યા હતા. પરંતુ તે સમયે આ રીતે પોતાના સગા ભાઇના ઘરે પણ દારૂ સંતાડ્યો હોવાની વાત જણાવી ન હતી.

Most Popular

To Top