ભરૂચ: (Bharuch) ભરૂચ એલસીબીએ (LCB) અંકલેશ્વરના વાલિયા ચોકડી પાસે વિદેશી દારૂના (Alcohol) જથ્થા સાથે બે ઈસમોની ધરપકડ કરી હતી. પોલીસે બન્ને ઇસમો પાસે રહેલી બેગની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂના ૬૪ જેટલા બિયરના ટીન જેની કિંમત રૂ.૬૪૦૦, બે મોબાઈલ મળીને કુલ રૂ.૭૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
- ખાનગી બસમાં મુસાફરનાં સ્વાંગમાં દારૂની હેરાફેરી કરતા સુરતનાં બે ઝડપાયા
- મુંબઈ બોરીવલીથી દારૂ લઈને સુરત જવા નીકળ્યા હતા પરંતુ સુરત પોલાસીનાં ભયથી અંકલેશ્વર પહોંચી ગયા હતા
પોલીસ અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, બે ઇસમો ખાનગી ટ્રાવેલ્સની બસમાં પેસેન્જરનાં સ્વાંગમાં વિદેશી દારૂ લઈને અંકલેશ્વર ઉતરીને સુરત તરફ જવાના છે. જે આધારે પોલીસે વાલિયા ચોકડી ખાતે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળા બન્ને ઈસમો ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી ઊતરી વાલિયા બસ ડેપો તરફ જતા હતા. તે વેળા પોલીસે તેઓને રોકી તેઓનું નામઠામ પૂછતા સુરત શહેરના એસએમસી ક્વાટર્સ ખાતે રહેતા શુભમ પ્રેમનાથ દૂબે અને ધનંજય યાદવ હોવાનું જણાવ્યું હતું.
પોલીસે બન્ને ઇસમો પાસે રહેલી બેગની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂના ૬૪ જેટલા બિયરના ટીન જેની કિંમત રૂ.૬૪૦૦, બે મોબાઈલ મળીને કુલ રૂ.૭૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે બન્નેની સઘન પૂછપરછમાં તેમણે એવો ઘટસ્ફોટ કર્યો હતો કે, તેઓ દારૂનું છૂટક વેચાણ કરતા હતા, સુરતથી ટ્રેન મારફતે મુંબઈના બોરીવલીની વાઇન શોપમાંથી બિયરના ટીન વેચાણ અર્થે થેલામાં ભરી લાવતા હતા. રાત્રિના સમયે હાઇવે પરથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં બેસી સુરત પોલીસના ભયથી અંકલેશ્વરની વાલીયા ચોકડી પર ઉતરી બસ બદલીને સુરત જતા હતા. અંકલેશ્વર ‘બી’ ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.