સુરત(Surat): પોલીસ કમિશનર વિનાના સુરત શહેરમાં (Surat City) ગુનેગારો ફાટીને ધુમાડે ગયા છે. સરેરાશ રોજ એક હત્યાના (Murder) બનાવ સુરત શહેરમાં બની રહ્યાં છે. પોલીસનો કોઈ ધાક જ નહીં હોય તેમ હત્યારાઓ જાહેરમાં હત્યાઓ કરી રહ્યાં છે. આવો જ એક બનાવ આજે સવારે શહેરના વેસુ વિસ્તારમાં બન્યો હતો. અહીં અજાણ્યા હત્યારાઓએ જાહેરમાં એક બુટલેગરને રહેંસી નાંખ્યો હતો. મર્ડરની આ ઘટના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આજે તા. 5 એપ્રિલને શુક્રવારે વહેલી સવારે વેસુના આગમ શોપિંગની સામે હત્યાનો બનાવ બન્યો હતો. બુટલેગર નાનુ પટેલ ઉર્ફે નાનીયાની હત્યા થઈ છે. બોથડ પદાર્થ અને તિક્ષ્ણ હથિયારોથી બે ઈસમોએ નાનીયાને જાહેરમાં રહેંસી નાંખ્યો હતો. ત્યાર બાદ હત્યા ભાગી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે હત્યારાઓને કોઈનો ડર નથી. બે પૈકી એક હત્યારાએ ચહેરા પર રૂમાલ બાંધ્યો છે પરંતુ બીજો હત્યારો કોઈનાથી ડરતો ન હોય તેમ મોંઢું ઢાંકતો નથી. હત્યાની જાણ થતા અલથાણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સામી ચૂંટણીએ કાયદાની કથળતી સ્થિતિને લઈને સવાલો ઉભા થયા છે.
વધુમાં મળતી માહિતી અનુસાર નાનીયો દેશી દારૂનો ધંધો કરતો હતો. આ દેશી દારૂના ધંધાની અંગત અદાવતમાં સમગ્ર હત્યા કરવામાં આવી હોવાની આશંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. છેલ્લા ત્રણ દિવસમાં સુરતમાં કુલ 8 લોકોની હત્યાની ઘટના સામે આવી છે.
નોંધનીય છે કે ગઈકાલે ગુરુવારે શહેરમાં હત્યાના ત્રણ બનાવ બન્યા હતા. પત્નીએ પ્રેમી સાથે મળી પતિનું ઢીમ ઢાળી દીધું હતું. તો બીજી તરફ સિંગણપોરના કોઝવેમાંથી ગળું કાપેલી હાલતમાં એક યુવકની લાશ મળી હતી. આ અગાઉ તા. 31 માર્ચે ચા ઢોળાવા મામલે મિત્રએ મિત્રને પતાવી દીધો હતો. દરમિયાન ખટોદરા સબજેલની સામે દોડાવી દોડાવીને એક યુવકની હત્યા કરાઈ હતી. લોકસભા ચૂંટણી સામે સુરતમાં રોજ હત્યાના બનાવ બનતા ચિંતા ઉપજી છે. ખાસ કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં હત્યાનો સિલસિલો વધતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.