ખાઈ પીને જલસા કરનારા સુરતીઓ હવે વાંચવાનો શોખ પણ કેળવવા લાગ્યા
આમ તો સુરતીઓ કહેવાય લહેરી લાલા અને ખાવા -પીવાના શોખિન. કિટી પાર્ટી, વિકેન્ડ પાર્ટીઝ, કેફેમાં મળવું એ બધી મોજ-મજા તો જાણે આપણા સ્વભાવમાં વણાઇ ગઇ છે. આજે મોજ-મજા કરવાની સાથે સાથે સુરતીઓમાં બુકસ વાંચવા પ્રત્યે પણ સુરતીઓમાં જાગૃતતા દેખાઇ રહી છે. આજે સુરતમાં બુક કલબ ચાલુ કરવાનો અને એમાં સભ્ય બનવાનો ટ્રેન્ડ દેખાઇ રહ્યો છે. સુરતમાં આજે ઘણી બુક કલબ્સ એવી ખૂલી ગઇ છે જેનો હેતુ કયાં તો લોકોને વધારે ને વધારે ચોપડીઓ વાંચવા માટે મોટિવેટ કરવાનો હોય છે અથવા તો બુકસ વાંચવાના શોખિન લોકો એ બુકસ વિષે ચર્ચા કરી શકે અને પોતાના મંતવ્યો, ગમો – અણગમો રજુ કરી શકે એ હોય છે. ઘણા લોકોને જેમ જેમ જાણ થતી જાય તેમ તેમ એમાં મેમ્બર્સ બનતા હોય છે. ઘણીવાર આવી રીતે ભેગા થયેલા લોકો ખૂબ સારા મિત્રો પણ બની જતા હોય છે. કોઇ કલબ્સ થીમ રાખી મીટ કરે છે અને કોઇ કલબ્સ વગર ધીમે પણ બુકસ પે ચર્ચા કરી આનંદ મેળવવા માટે પણ મળે છે. કાલે ૨૩ એપ્રિલે બુક ડે નિમિત્ત આપણે મળીએ એવા સુરતીઓને જે આવી બુક કલબ્સના મેમ્બર્સ છે અને બુકસને લગતી એ લોકોની દુનિયા જ અલગ છે. તો ચાલો જાણીએ આવી કલબ વિષેની થોડી ઇન્ટ્રેસ્ટીંગ વાતો એ લોકો પાસે….
ચોપડી વાંચવાની સાથે એના પર ચર્ચા કરવાનો પણ આનંદ હોય છે : અરવિંદ નાંગલિયા
અરવિંદભાઇ સોફટવેર કંપની ચલાવે છે. તેઓ કહે છે કે બુકોહોલિકસ બુક કલબ રાહુલ કેડિયાએ શરૂ કરી હતી જેમાં પાછળથી હું અને વિનાક કાપડિયા જોડાયા હતા. મને ફકત ચોપડીઓ વાંચવાનો જ શોખ નથી પરંતુ તે વાંચી અને તેના વિષે ચર્ચા કરવાનો પણ મને એક અનેરો આનંદ હોય છે. તેમના મતે ચોપડીઓ દર વખતે જ્ઞાન લેવા માટે જ નથી વાંચવાની હોતી. ચોપડી વાંચવાથી તમને આનંદ પણ મળવો જરૂરી છે. હવે રાહુલ કેડિયા તેમના કામમાં ખૂબ વ્યસ્ત હોવાથી હું અને પિનાક કાપડિયા હવે બુકોહોલિકસની મિટિંગ્સ દર બે મહિને યોજવાની કોશિશ કરીએ છે, જે કોરોનાના બે વર્ષ સાવ નહીં થઇ શકી હતી.
અમે મિટીંગમાં કોઇને કોઇ થીમ રાખીને ચર્ચા કરીએ છીએ. અમારી હમણા જ થયેલી મીટ અમે રીજનલ બુકસ થીમ પર કરી હતી જેમાં અલગ – અલગ ભાષામાં ચોપડી વાંચતા લોકોએ પોતાનો મત અને જે તે ચોપડીઓ વિષેની સમજણ રજૂ કરી હતી અને એમાંથી ઘણું જાણવા મળ્યું હતું. તેમનું કહેવું છે કે તેઓને ઓનલાઇન બુકસ વાંચવા કરતા ફિઝિકલ કોપી વાંચવી વધુ પસંદ છે. કયાંક બહારગામ ગયા હોય તો જ ઓનલાઇનની સગવડનો ઉપયોગ કરું છું. અરવિંદભાઇના મતે તેઓ કોઇ સોશ્યલ મિડિયા પર એકિટવ નથી તેઓ કહે છે કે મને સોશ્યલ મિડિયા ખૂબ ઉપરછલ્લું લાગે છે. તમે જયારે ચોપડી વાંચો છો તો તેમાં તમે તમારું મગજ કામે લગાડો છો. હું મારા છોકરાઓને તો સ્ક્રીનથી દૂર નથી રાખી શકતો પરંતુ મને પોતાને ઓછું પસંદ છે અને એવી કોશિશ કરીએ છે કે બાળકો સ્ક્રીન છોડી બુકસ હાથમાં લે.
ચોપડી વાંચવામાં આપણી ઘણી બધી ઇન્દ્રીઓને કામે લગાડી શકીએ છીએ : ડો. નિતિશા
નિતિશા ડેન્ટલ સજર્યન છે અને તેઓ એકજયુકેશ ઇન્સ્ટીટયુશન ચલાવે છે. તેઓએ હાલમાં જ તેઓએ પેજ ટર્નર્સ કરીને બુક કલબની શરૂઆત કરી છે. હેતલ, શીતલ અને જગતભાઇ સાથે મળીને આ બુક કલબ ચાલુ કરવાનો એમનો હેતુ વધારે ને વધારે લોકોમાં વાંચન શોખ કેળવવાનો છે. આ કલબમાં તેઓ દર મહિનાના છેલ્લા રવિવારે મળે છે નકકી કરેલી કોઇ પણ બે ચોપડી દરેકે વાંચવાની એવું નકકી કરવામાં આવે છે અને પછી એ ચોપડીઓ પર ચર્ચા કરવામાં આવે છે. કોઇએ મહિનામાં બે ચોપડી ન પણ વાંચી હોય તો તેઓ બીજાના મત અને તેઓના એ ચોપડીઓના વિચારો સાંભળવા માટે પણ આવી શકે છે. નિતિશા કહે છે કે એક ચોપડી મારા માટે બેસ્ટ ફ્રેન્ડ છે જેને મને વારેવારે મળવાની ઇચ્છા હશે. તેઓ મળે છે મારી પાસે આશરે 40 ચોપડીઓ હશે. નિતિશા કહે છે કે અમે કોઇ થીમ પર મિટિંગ નથી રાખતા. ગુગુલ ફોર્મ્સથી કઇ ચોપડીઓ વાંચવી એ નકકી થાય છે. તેઓ કહે છે કે કોવિડ કાળમાં એક વસ્તુ સારી થઇ કે લોકો કઇ નવું શોધવામાં ચોપડીઓ તરફ વળ્યા. તેમને ઓનલાઇન કે સ્ક્રીન પર વાંચવા કરતા ફિઝિકલ કોપી વાંચવી ગમે છે, કેમકે આપણે એને હાથમાં લઇ શકીએ છીએ અને એમાં આપણી બધી ઇન્દ્રિયો કામે લગાડી શકીએ છીએ. નિતિશા કહે છે કે જે સ્ક્રીન પર વાંચવા કરતા હાથમાં ચોપડીઓ વાંચવાનો સંતોષ અલગ જ હોય છે. મારું મહિનાનું ચોપડીઓનું અલગ જ બજેટ હોય છે અને લોકો વધારે ને વધારે ચોપડીઓ વાંચતા થાય એ મારા પ્રયાસ રહેશે.
મારી પાસે 300 જેટલી બુક્સનું કલેક્શન છે : ડો. ચાંદની દેસાઇ
ચાંદની દેસાઇ ફિઝિયોથેરાપીસ્ટ છે. તેઓ બુકબગ્ઝ કરીને બુક કલબનાં મેમ્બર છે. આ કલબ ૩ જણે માનસી વાડેકર, શશી પાણીકર અને ચાંદની દેસાઇએ ચાલુ કરી હતી. તેઓનું કહેવું છે કે શશીભાઇ અને માનસી એક મોટા બુક કલબમાં મળ્યા જયાં એમને એમ લાગ્યું કે ત્યાં જે તે સ્પીકર હોય તેને સાંભળવું પડે. દરેક જણ પોતાનો મત ન આપી શકે. આ વિચારે તેમણે મેં બુક બુગ્ઝ ચાલુ કરવાનો આઇડિયા આપ્યો. પછી આમાં બીજાં લોકો પણ જોડાયા. બુક બુગ્ઝ ચાલુ કરવાનો હેતુ એ હતો કે જયારે વાંચવાનો આટલો શોખ છે તો એના પર ચર્ચા પણ થવી જોઇએ અને બધાને પોતાનો મત વ્યકત કરવાનો મોકો મળવો જોઇએ. ઓછા લોકોમાં એ શકય છે. ઘણાં બધાં લોકો ભેગા થાય અને બોલવા જાય તો અવ્યવસ્થા સર્જાય. બુક બગ્ઝની મીટમાં કોઇ થીમ રાખવામાં નથી આવતો પણ કંઇ બુક વાંચકવી કે કયા લેખકની બુક વાંચવી એ કોઇ વાર નકકી કરીએ. ચોપડી દરેક વખતે જ્ઞાન લેવા માટે જ નથી વાંચવાની હોતી, ચોપડી વાંચવી તમને ખુશી આપે અને તમે રીલેકસ થાઓ એ પણ જરૂરી છે. ચાંદની કહે છે એમની પાસે 300 જેટલી ચોપડીઓનું કલેકશન છે. ચાંદનીબેનને ઇ બુક કરતા ફિઝિકલ કોપી વાંચવાનું વધારે ગમે છે. તેઓ કહે છે કે મને ફિઝિકલ બુકસ વાંચવાની એટલી આદત પડી ગઇ છે અને મને એની સુગંધ અને ફીલ ખૂબ પસંદ છે. તેઓ એમ પણ કહે છે કે ઓનલાઇન વાંચવાનો એક ફાયદો, એ છે કે એક નાના ડિવાઇસમાં ઘણી ચોપડીઓ વાંચી શકાય. તેઓ બધાને કહે છે કે જેટલી બુકસ તમે વાંચી શકે તેટલી વાંચો. કોઇપણ લેખક, કોઇપણ ટોપિક કોઇપણ ભાષાની ચોપડીઓ તમે વાંચી શકો. ચોપડી, આર્ટીકલ જે મળે તે વાંચી શકો. તેઓ કહે છે કે અમે 4 મેમ્બર્સ ખૂબ સારા ફ્રેન્ડસ બની ગયા છે એટલે ઘણીવાર ઘણા અલગ ટોપિકસ પર વાતો કરીએ છીએ અને કોઇવાર ગોસિપ પણ કરીએ છીએ.