Gujarat

‘કારકિર્દીના ઊંબરે’ ધોરણ-12 પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન

અમદાવાદ: ઉજ્જવળ કારકિર્દી અને સફળ જીવન માટે ધોરણ-૧૦-૧૨ પછી અભ્યાસક્રમની પસંદગી અતિ મહત્વની બની જાય છે. ત્યારે ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને સચોટ અને સરળ માર્ગદર્શન માટે કોંગ્રેસ પક્ષના “કારકિર્દીના ઊંબરે” ધોરણ-૧૨ પછી શું કારકિર્દી માર્ગદર્શન પુસ્તક પ્રસિદ્ધ કરવાનું ભગીરથ કામ કરવામાં આવ્યું છે, તેવું પ્રદેશ કોગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પુસ્તકના વિમોચન પ્રસંગે જણાવ્યું હતું.

જગદીશ ઠાકોરે વધુમાં કહ્યું હતુ કે સન્નિષ્ઠ આગેવાન તથા શિક્ષણવિદ્, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી (એન્જીનીયર) અને તેમના સહયોગી દ્વારા સતત અઢારમાં વર્ષે માર્ગદર્શક પુસ્તક “કારકિર્દીના ઊંબરે” તૈયાર કર્યું છે. આ સુંદર માર્ગદર્શન પુસ્તક પ્રસિદ્ધ કરવા બદલ સૌને અભિનંદન પાઠવું છું. ગ્રામ્ય વિસ્તારની ૬,૦૦૦ જેટલી શાળાઓ મર્જ/બંધ કરવાનો અવિચારી નિર્ણય ગુજરાતની ભાજપ સરકારે કરતા કન્યા શિક્ષણનું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે. ૨૦ વર્ષ પહેલા શિક્ષણમાં ઉદ્યોગ વિષય ભણાવાતો, ભાજપ સરકારે તો શિક્ષણને ઉદ્યોગ વેપાર બનાવી દીધો છે. ભાજપ સરકાર ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના લોકોના બાળકના ભવિષ્ય માટે ચિંતા કરવાની જગ્યાએ ખાનગી શાળા-કોલેજ સંચાલકોની વકીલાત કરી રહી છે. ખાનગી શાળા કોલેજોમાં ફી ઊંચી વસુલાઈ રહી છે પણ કામ કરતા શિક્ષકો-અધ્યાપકો અને કર્મચારીઓને મોટાભાગની સંસ્થાઓમાં પૂરતો પગાર અપાતો નથી. ‘કારકિર્દીના ઊંબરે’ પુસ્તક અંગે વિદ્યાર્થી/વાલીઓના સૂચનોને આવકારું છું.

સતત અઢારમાં વર્ષે “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકના સંપાદક ડૉ. મનિષ દોશી (એન્જીનીયર) એ જણાવ્યું હતું કે, ધોરણ-૧૨ પછી અભ્યાસક્રમોની અનેક તકો રાજ્ય અને દેશ કક્ષાએ ઉપલબ્ધ છે ત્યારે જરૂર છે માત્ર સમયસર અને યોગ્ય માર્ગદર્શનની કોંગ્રેસ પક્ષ દ્વારા વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો તથા કારકિર્દી માર્ગદર્શન માટે કાર્યરત વિવિધ સંસ્થાઓ સાથે સંપર્ક કરીને વધુમાં વધુ માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં આર્ટસ, કોમર્સ, અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે ધોરણ-૧૨ પછી ઉપલબ્ધ ૨૦૦ થી વધુ અભ્યાસક્રમોની વિગતો સાથે વિશેષ કારકિર્દીના અભ્યાસક્રમો અંગેની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સંસ્થાઓની માહિતી સાથે ૪૦ થી વધુ પ્રવેશ પરિક્ષા અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી છે તેમજ દેશમાં આગામી સમયની માંગ અનુસાર નોકરીની વિવિધ તકો ઉપર વિશેષ વિગતો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ પણ “કારકિર્દીના ઊંબરે” પુસ્તકના માધ્યમથી માર્ગદર્શન મેળવે તે માટે વિશેષતઃ અંગ્રેજી ભાષામાં માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top