આજે ગાંધીનગરમાં યોજાયેલી કલેકટર – ડીડીઓ કોન્ફરન્સને સંબોધતાં સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, પ્રજાના હિતમાં કોઈ ભૂલ થઈ હશે તો સરકાર તમારી પડખે રહેશે , જો કે ઈરાદાપૂર્વકની કોઈ ભૂલ થઈ હશે તો તેને સરકાર ચલાવી લેશે નહીં .
રૂપાણીએ જણાવ્યું હતું કે, લોકહિત-જનસેવાના કોઇ કામમાં બોનાફાઇડ મિસ્ટેક થઇ હશે તો સરકાર તેમની પડખે રહેશે પરંતુ ઇરાદાપૂર્વકની ખોટી-મેલાફાઇડ મિસ્ટેકસને કયારેય ચલાવી લેવાશે નહિ.
તેમણે કહ્યું હતું કે સરકાર કે અધિકારીઓ જાડી ચામડીના નહિ પરંતુ લોકોની વેદના-સંવેદના પ્રત્યે સંવેદનશીલ અને સજાગ છે. તેમના કામો ઝડપથી થાય છે અને ખોટું કરનારાઓને ચલાવી લેવામાં આવતા નથી એવો જનમાનસમાં વિશ્વાસ બેસે તેવી કાર્યપદ્ધતિ કોઇ પણ ઢિલાશ કે કચાશ વગર જિલ્લા વહીવટીતંત્રના વડા તરીકે કલેકટરો-ડી.ડી.ઓ પાસે અપેક્ષિત છે.
રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાત તેના આધારે વિકાસના રાહે પૂરપાટ આગળ વધ્યું છે ત્યારે હવે તેને વધુ ઉન્નત અને વેગવંતો બનાવવાની જવાબદારી આ નવયુવાન જિલ્લા અધિકારીઓના શિરે છે. ગુજરાત કેડરમાં મળેલા પોસ્ટિંગની તકને કેરિયરની શરૂઆતના આ દિવસોમાં જ વધુ પ્રો-એક્ટિવ ઇફેક્ટિવ બનાવીને ગુજરાતની વિકાસ યાત્રામાં કે રાજ્યની ગુડ ગર્વનન્સ દિશામાં કોઇ ઉણપ ના આવે તે રીતે નિષ્ઠા અને ઇમાનદારીથી નિભાવવા આહવાન કર્યુ હતું.
તેમણે લોકોને સેવાઓ ઓનલાઇન મળી રહે અને કચેરીમાં ધક્કા જ ન ખાવા પડે તેવી સ્થિતી સર્જવા સાથોસાથ યોજનાઓના અમલીકરણના લક્ષ્ય સિદ્ધ કરવા પણ તાકિદ કરી હતી. કલેકટર કે ડીડીઓ તરીકેની જવાબદારીને પૂરી નિષ્ઠાથી, ઇમાનદારીથી નિભાવીને લોકોની અપેક્ષા, આકાંક્ષા સંતોષી સરકારની ઉજ્જવળ ઇમેજ-છબિ-પરસેપ્શન પ્રજા માનસમાં જિલ્લા અધિકારી તરીકે તમે જ બનાવી શકો છો.
ગ્લોબલ સોશ્યલ મીડિયાના બદલાયેલા સંજોગોમાં જિલ્લા કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓએ પોતાની આગવી સૂઝથી કામ માથે લઇને કરવાનું દાયિત્વ નીભાવવું પડશે તો જ કાર્યસંસ્કૃતિ વર્કકલ્ચરમાં બદલાવ થશે. સામાન્ય માનવી પ્રત્યેની સંવેદના, પેન્ડિંગ કામો ત્વરાએ પૂરા કરવા અને ઝિરો ટોલરન્સ અગેઇન્સ્ટ કરપ્શનના ધ્યેય સાથે જો જિલ્લાના વડા તરીકે ઇનીસેટિવ લેવાશે તો તેની દૂરોગામી અસરો ફિલ્ડના સ્ટાફ અને અન્ય કર્મયોગીઓ પર પણ પડતાં સમગ્ર સરકારની ઇમેજ વધુ ઉજળી થશે તેવો મત મુખ્યમંત્રીએ વ્યકત કર્યો હતો.
તેમણે રાજ્યનાં નાગરિકોને કાયદો વ્યવસ્થાની સલામતિ-સુરક્ષાની અનૂભુતિ થાય તે માટે ગુંડા ધારા, લેન્ડ ગ્રેબિંગ એકટ, બળજબરીથી ધર્માંતરણ-લવ જેહાદ જેવા કાયદાઓના કડક પાલન માટે પણ જિલ્લા કલેકટરોને અનુરોધ કર્યો હતો.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ પરિષદમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના વિભાગોના નિર્ણયોની અમલવારીમાં કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની ભૂમિકા મહત્વની છે.
ગુજરાતે દેશના ગ્રોથ એન્જીન તરીકેનું જે સ્થાન પ્રસ્થાપિત કરેલું છે તેને આગળ ધપાવવા સૌ ટીમ ગુજરાત તરીકે સાથે મળીને કાર્ય કરીએ. જિલ્લાઓમાંથી ફિડબેક અને કામગીરીના સંદર્ભમાં ફોલોઅપની સુદ્રઢ વ્યવસ્થાઓની જિલ્લા તંત્રના વડા તરીકે તેમની પાસેથી અપેક્ષા હોય છે ત્યારે એમાં કોઇ ઢિલાશ ન રહે તે જરૂરી છે.આ પ્રસંગે આરોગ્ય વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ કોવિડ-19 થર્ડ વેવ સામેની જિલ્લાતંત્રોની સજ્જતાના એકશન પ્લાનનું વિમોચન પણ મુખ્યમંત્રી -નાયબ મુખ્યમંત્રીએ કર્યુ હતું.