National

અતીક અહેમદના વકીલના ઘર પાસે બોમ્બ ફેંકાતાં દહેશત

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ (UttraPradesh) જ નહીં, દેશભરમાં માફિયા અતીક (Aatik Ahmed) અને તેના ભાઈ અશરફ અહેમદની હત્યા (Murder) મુદ્દે સનસની બરકરાર રહી છે. ત્યારે આજે અતીક અહેમદના વકીલના ઘર પાસે દેશી બોમ્બથી હુમલો (Bomb Attack) થતાં ફરી દહેશતનો માહોલ ફેલાયો છે. અલબત્ત પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરતાં સમગ્ર મામલો બે શખ્સો વચ્ચેના ઝઘડાનો હતો અને અતીક અહેમદના વકીલ સાથે તેને કોઈ લેવાદેવા નથી તેવું તથ્ય બહાર આવતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. એટલું જ નહીં, લોકોને પણ અફવાથી દૂર રહેવા અપીલ કરી છે.

હકીકત એવી છે કે આજે બપોરના સુમારે પ્રયાગરાજ સ્થિત કટરાની ગોબર ગલીમાં અચાનક એક જોરદાર ધડાકો થયો હતો. કોઈએ શક્તિશાળી દેશી બોમ્બથી હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તબક્કે જણાયું હતું. જેથી પોલીસના ઉચ્ચાધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને તપાસ શરૂ કરી હતી. ખાસ વાત અહીં એવી છે કે જ્યાં બોમ્બ ફેંકાયો તેની સામેની ગલીમાં જ માફિયા અતીક અહેમદના એડવોકેટ દયાશંકર મિશ્રાનું ઘર છે. જેથી શરૂઆતમાં એવું લાગ્યું હતું કે કોઈ ભાંગફોડિયા તત્વો કે પછી માફિયાના ગુંડાઓએ અતીક અહેમદના વકીલને ડરાવવા માટે આ બોમ્બ ફેંક્યો હશે. પ્રયાગરાજના કટરાની કર્નલગંજ પોલીસે આ લામાં કોઈને જાનહાનિ નહીં થયાનું પણ જાહેર કર્યું છે.

જો કે પોલીસની તપાસમાં એવું બહાર આવ્યું છે કે છોટુ યાદવ નામનો એક યુવક ગોબર ગલીમાં રહે છે. જેને હર્ષિત સોનકર નામના યુવક સાથે કોઈ વાતે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં હર્ષિત સોનકરે છોટુ યાદવને નિશાન બનાવી ગોબર ગલીમાં તેના ઘર પાસે દેશી બોમ્બ ફેંક્યો હતો. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં જણાયું કે બોમ્બ એટેકની ઘટનાને અતીક અહેમદના વકીલ દયાશંકર મિશ્રા સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી અને તેથી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. સાથે જ પોલીસે લોકોને આ ઘટનાને ટાંકીને અપીલ પણ કરી છે કે અફવાથી દૂર રહો. પોલીસે સાવચેતી વર્તી છે અને છોટુ યાદવ તેમજ હર્ષિત સોનકરની ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી દીધાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના એક સમયના માફિયા ગણાતાં અતીક અહેમદ તેમજ તેના ભાઈ અશરફની સરાજાહેર હત્યા થઈ હતી. પત્રકારના સ્વાંગમાં હત્યા કરનારા ત્રણ ગુંડાઓએ પોલીસને સરેન્ડર પણ કરી લીધું હતું. અલબત્ત અતીકની હત્યાને પગલે યુપીમાં ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે. વધુ કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે પોલીસ તેમજ સરકારી તંત્ર હાઈ એલર્ટ પર છે.

Most Popular

To Top