Entertainment

બોલિવુડની ક્વિન કંગના નરમ પડી

એકટર્સનું બોલવું તેની એકિટંગ જ હોય શકે, બીજું બધું ન બોલે તો ચાલે. અત્યારના સમયમાં તો સારા વિષય અને પાત્રવાળી ફિલ્મમાં કામ કરો એજ સાચું શસ્ત્ર કહેવાય પણ આ જે કંગના છે ને તે થોડી માથા ફરેલ છે. અલબત્ત, પોતાના કામ બાબતે તે જરાય બાંધછોડ નથી કરતી. કેમેરા સામેની તેની વફાદારી એકદમ સોલ્લિડ છે અને એટલે જ તે જે બોલે છે તે વિવાદ જગાવ્યા પછી પણ ચાલી જાય છે. કંગનાની તાકાત તેનું પરદા પર હોવું છે. એ ખરા અર્થમાં પરદાની ક્વિન છે, એવી કિવન કે જે દિપીકા પાદુકોણ કે આલિયા ભટ્ટ પણ નથી બની શકી. બન્ને ખૂબસૂરત અભિનેત્રી છે ને સરસ ફિલ્મોમાં કામ કરે છે છતાં તે દિગ્દર્શકોને અનુસરીને જ ચાલે છે જયારે કંગના પોતાને પણ અનુસરે છે. તેની ફિલ્મો કંગના બ્રાન્ડની બની જાય છે. આવું ત્યારે બને જયારે ફિલ્મો પર પોતાનું વર્ચસ્વ સ્થાપી શકી હોય અને નિર્માતા – દિગ્દર્શકો વિચારતા હોય કે કંગનાને તો આ પ્રકારની જ ફિલ્મ આપી શકાય ને એ ફિલ્મો કંગનાથી ચાલશે.

કંગનાની ‘થલાઇવી’ આખર રજૂ થઇ રહી છે. કોરોના સમય પછીની કોઇ હીરોઇનની સૌથી મોટી ફિલ્મ રજૂ થતી હોય તો આ ‘થલાઇવી’ છે. અત્યારના સમયે ફિલ્મો રજૂ કરવામાં કસોટી થઇ જાય એમ છે પણ કંગનાને ખબર છે કે દક્ષિણના રાજયોમાં હજુ ય થિયેટરોમાં જનારો પ્રેક્ષક કોરોનાથી એટલો ડર્યો નથી અને હિન્દીના પ્રેક્ષકોમાં કંગનાને જોવાની ઉત્સુકતા છે. બીજું કે આ ફિલ્મમાં હકીકતે તો બે નાયિકા છે – એક સ્વયં કંગના અને બીજી તે જેની ભૂમિકા ભજવે છે તે જયલલિતા.

જયલલિતાના જીવનમાં ઘણા ડ્રામા છે, પરિણીત પુરુષ સાથેનો પ્રેમ છે, રાજકીય દ્વંદ્વ છે જેને તે જીતી છે અને વર્ચસ્વ જમાવ્યું છે. છેવટ સુધી તે દુ:શ્મનો વચ્ચે રહી છે. કરુણાનિધી તેને હંફાવતા અને તે કરુણાનિધીને. રાજયમાં રહી તેણે કેન્દ્રના રાજકારણમાં પણ ભૂમિકા ભજવી છે. જયલલિતાનો ડ્રામા તેની ફિલ્મ માટે મોટો મસાલો છે એટલે ‘થલાઇવી’ બાયોગ્રાફીકલ ફિલ્મ હોવા છતાં મસાલેદાર ફિલ્મ બની હશે એવું ધારી શકાય. આ ફિલ્મ વડે કંગના તમિલ, તેલુગુ ફિલ્મમાં પણ એક જગ્યા ઊભી કરશે. જોકે ત્યાં તે કામ કરે એવી શકયતા ઓછી છે કારણ કે તેનું વલણ સારા વિષય-પાત્ર તરફ હોય છે. માત્ર ધંધાકીય સફળતા માટે તે નથી કામ કરતી.

‘થલાઇવી’ રજૂ થઇ રહી છે ત્યારે કંગના પણ નવી રીતે રજૂ થઇ રહી છે. કરણ જોહર સામે તે અત્યાર પહેલાં ઘણુ લડી છે પણ કરણ નિર્મિત ‘શેરશાહ’ રજૂ થઇ તો તેણે કરણને શુભેચ્છા પાઠવી છે ને પોસ્ટ લખી છે કે વ્હોટ એ ગ્લોરિયસ ટ્રિબ્યુટ! આખી ટીમને અભિનંદન. આનો અર્થ એ થયો કે કંગના હવે નરમ પડી છે ને જે સારું હોય તેના વખાણ કરવામાં આગલા ઝગડા આડા નથી આવતા. કરણ સામે નેપોટિઝમ બાબતે કંગના બહુ બોલી હતી. બે ફિલ્મોની નિર્માત્રી અને ત્રણ ફિલ્મોની દિગ્દર્શક કંગનાના વલણથી બધાને સુખદ આશ્ચર્ય થયું છે, આમ પણ દરિયાની માછલી દરિયો છોડી જવાની કયાં? અત્યારે તેની ‘તેજસ’ અને ‘ધાકડ’ નું શૂટિંગ જોરમાં ચાલી રહ્યું છે ને ‘અપરાજિયા અયોધ્યા’ ના દિગ્દર્શન માટે તૈયારી કરી રહી છે.

આ બધી ફિલ્મો આ એકાદ જ વર્ષમાં રજૂ થશે ને કંગનાની ધાકડ ઇમેજ જોરથી છવાઇ જશે. લોકો એક વાત તો માને છે કે પ્રેક્ષકોને તે નારાજ નથી કરતી અને તેની જીતનો મુદ્દો આ જ તો છે. માનવીય સંવેદનાવાળી ફિલ્મોમાં તે ખાસ બનીને બહાર આવે છે. તે તો કહે પણ છે કે હું તો મધ્યમવર્ગીય કુટુંબમાંથી આવી છું. મારા પિતા બિઝનેસમેન અને મમ્મી શિક્ષીકા હતી. તેમને જરાય પસંદ નહોતું કે હું ફિલ્મોમાં આવું એટલે મારી રીતે જ આ રસ્તો કાપ્યો છે. ‘થલાઇવી’નો વિષય રાજનેતા છે એટલે શકય છે કે વિવાદ પણ થાય. જયલલિતાની ઇમેજ યોગ્ય રીતે પોટ્રે ન થયાની ફરિયાદ પણ થાય. તેના અંગત સંબંધોની ય ચર્ચા જાગે પણ કંગના જયલલિથા તરીકે જબરદસ્ત ઇમ્પેકટ મુકશે તે વિશે તો કાંઇ શંકા નથી. આ તેની ઇમેજ રિચાર્જ ફિલ્મ છે.

Most Popular

To Top