મુંબઇ: બોલીવુડ એક્ટ્રેસ ઝરીન (Zareeen Khan) ખાને પોતાના અભિનયની શરૂઆત સલમાન ખાન (Salman Khan) સાથે ફિલ્મ ‘વીર’ (Veer)થી કરી હતી. ત્યારથી તે લોકોની નજરમાં આવી હતી. વાસ્તવમાં ઝરીનનો લુક કંઈક અંશે કેટરિના કૈફ (Katrina Kaif) જેવો જ છે. અભિનેત્રી તેની ફિલ્મો કરતાં તેના લુકને લઈને વધુ ચર્ચામાં રહે છે. ઝરીનનો લુક કેટરિના કૈફ સાથે ઘણો મળતો આવે છે, જેના કારણે તેની અને તેના અભિનય કૌશલ્યની તુલના અભિનેત્રી સાથે ઘણી હદ સુધી કરવામાં આવે છે. જેના કારણે અભિનેત્રીને ઈન્ડસ્ટ્રીમાં ફાયદો થયો અને થોડું નુકસાન પણ સહન કરવું પડ્યું છે. હવે ઝરીને વર્ષો પછી આ અંગે મૌન તોડ્યું છે. તેણે કહ્યું કે લોકોએ તેને પોતાને સાબિત કરવાની તક આપી નથી.
તાજેતરમાં જ ઝરીન ખાને રેડિટ પર ચાહકો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન એક ચાહકે તેને કેટરિના જેવી દેખાતી હોવા અંગે સવાલ કર્યો હતો. જેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું હતું કે જ્યારે મેં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો ત્યારે હું એક ખોવાયેલા બાળક જેવી હતી. કારણ કે મારી પાસે કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ ન હતો. જ્યારે મારી સરખામણી કેટરીના સાથે કરવામાં આવી ત્યારે હું ખૂબ જ ખુશ હતી. કારણ કે તે સમયે હું તેની ફેન હતી અને મને તે ખૂબ જ સુંદર લાગતી હતી. પરંતુ તેની મારા કરિયર પર વિપરીત અસર પડી અને લોકોએ મને પોતાને સાબિત કરવાની તક આપી નહીં.
ઝરીને એમ પણ જણાવ્યું કે કેવી રીતે તેને તેની પ્રતિભા સાબિત કરવાથી રોકી દેવામાં આવી હતી. તેણે કહ્યું કે તે એ વાતને નફરત કરે છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકો પ્રતિભાને બદલે મિત્રતાના આધારે કામ કરે છે. ઝરીને વધુમાં કહ્યું કે તેના ઈન્ડસ્ટ્રીમાં કંઇ ખાસ કનેક્શન નથી અને લોકો સાથે નાની નાની વાતો કેવી રીતે કરવી તે આવડતી નથી. એટલા માટે તેને ઈન્ડસ્ટ્રીમાં વધારે તક મળી નથી. જો કે ઝરીન ‘હાઉસફુલ 2’, ‘હેટસ્ટોરી 3’, ‘અક્સર 2’ જેવી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે. ઝરીન ખાન છેલ્લે 2021માં આવેલી ફિલ્મ ‘હમ અકેલે તુમ અકેલે’માં જોવા મળી હતી.