SURAT

ધુળેટી નિમિત્તે બોલિવુડ સિંગર દર્શન રાવલ સુરતીઓને નચાવશે

સુરત: પ્રોફેશનલ નવરાત્રિની જેમ સુરતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી બોલીવુડ, ટોલીવુડના કલાકારો, ગાયકો, ડીજે આર્ટિસ્ટને લાવી પ્રોફેશનલ ધુળેટી યોજવાનો ક્રેઝ વધ્યો છે. બુધવારે ધુળેટી નિમિત્તે શહેરની જુદી જુદી ક્લબ અને રિસોર્ટમાં સેલિબ્રિટીના કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. ક્લબ અને રિસોર્ટમાં રેઇન ડાન્સ અને ઝૂમ્બાનાં આયોજન થયાં છે. મોટા ભાગના કાર્યક્રમોમાં મુંબઈના વિખ્યાત ડીજેને પરફોર્મ કરવા નિમંત્રણ આપવામાં આવ્યાં છે. વેસુમાં બોલીવુડના વિખ્યાત યુવા સિંગર દર્શન રાવલ, તો નરથાણમાં પૂર્વા મંત્રી પરફોર્મ કરશે.

  • બોલીવુડ સિંગર દર્શન રાવલ, પૂર્વા મંત્રી સહિતના કલાકારો સુરતીઓને નચાવશે, વેસુમાં દર્શન રાવલ તો નરથાણમાં પૂર્વા પરફોર્મ કરશે

મોટા ભાગના કાર્યક્રમનો સમય સવારે 8થી બપોર 2 સુધી રાખવામાં આવ્યો છે. એકમાત્ર દર્શન રાવલનો કાર્યક્રમ સાંજે 5 વાગ્યે શરૂ થશે. સુરતમાં હોળીના તહેવારની ઉજવણી રાજસ્થાનના લોકો ખૂબ ધામધૂમથી કરે છે, હોળી પહેલા જ ફાગોત્સવની ઉજવણી શરૂ થઈ જતી હોય છે. સુરતમાં ફાગોત્સવની ઉજવણી રાજસ્થાની લોક કલાકાર લવલી વિના અધૂરી માનવામાં આવે છે. લવલી કોઈ સ્ત્રી નથી, પરંતુ પુરુષ હોવા છતાં પણ તે સ્ત્રી બનીને રાજસ્થાની લોકગીતો પર ફાગોત્સવમાં નૃત્ય કરે છે.

લવલી ઉર્ફે વિક્રમ ફાગોત્સવમાં સુરતમાં આવી રાત-દિવસ એક કરી અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપે છે. સુરતમાં એની ડિમાંડ એટલી રહે છે કે 10 દિવસ એના કાર્યક્રમો ચાલે છે. વિક્રમ મૂળ રાજસ્થાનના પાલી નજીકના ગામનો વતની છે. આ તરફ ધુળેટી માટે સુરતમાં ફેશન ડિઝાઈનના વિદ્યાર્થીઓએ અનોખી જ્વેલરી અને કપડાંની ડિઝાઈન કરી છે. વિદ્યાર્થિનીઓએ આ વખતે કલરફુલ જ્વેલરી બનાવી છે. આ ઉપરાંત જ્વેલરી દોરા, કપડાં, લેસીસ, બટન સહિતનાં મટિરિયલથી ડિઝાઇનો તૈયાર કરાઈ છે. જે આકર્ષણનું કેન્દ્ર બની છે.

હોળી અને ધુળેટીના દિવસે સંભવિત વધારાના ઇમરજન્સી કેસોને ધ્યાનમાં રાખી 108 એમ્બ્યુલન્સની ટીમ સારવાર કરવા સજ્જ
સુરત: હોળી અને ધુળેટીના દિવસે એટલે 7 અને 8મી તારીખે સંભવિત વધારાના ઇમરજન્સી કેસોને પહોંચી વળવા 108 એમ્બ્યુલન્સની ટીમે તૈયારી કરી લીધી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી 108ની ટીમે અભ્યાસ કર્યો છે કે, તહેવારોમાં ઇમરજન્સી કેસોમાં વધારો થાય છે. તેમાં પણ અલગ-અલગ તહેવારોમાં ઇમરજન્સીના કેસો અલગ-અલગ છે. તેના આધારે 108ની ટીમે આગામી હોળી-ધુળેટીને ધ્યાનમાં રાખી સંભવત વધારાના કેસોને પહોંચી વળતા આગોતરી તૈયારી કરી છે. ખાસ કરીને છેલ્લાં 3-4 વર્ષના તહેવારોના ઇમરજન્સી કેસોની સંખ્યાનાં વિશ્લેષણોના આધારે હોળી તહેવારમાં ઇમરજન્સી કેસોમાં વધારો થશે.

પાછલાં વર્ષોના કેસોના વલણને આધારે 7 અને 8મી માર્ચ-2023ના રોજ હોળી તથા ધુળેટીના દિવસે 8.31 ટકા અને ધુળેટીના દિવસે 31.74 ટકા વધારો થવાની સંભાવના છે. એટલે અનુક્રમે 3924 અને 4773 ઇમરજન્સી કેસ રહેવાની શક્યતા છે. હોળી-ધુળેટીમાં મુખ્યત્વે વાહન અકસ્માતમાં અનુક્રમે 51.75 ટકા અને 99.12 ટકા તેમજ અન્ય ટ્રોમા ઇમરજન્સીમાં હોળીમાં 50.66 ટકા અને ધુળેટીમાં 156.85 ટકા વધારો થવાની સંભાવના છે. જિલ્લાની વાત કરીએ તો સુરત, વલસાડ, પોરબંદર, પંચમહાલ, મહિસાગર, ગાંધીનગર, દાહોદ, છોટા ઉદેપુર, ભાવનગર, ભરૂચ અને અરવલ્લીમાં કેસો વધવાની સંભાવના છે. છેલ્લાં સાત વર્ષમાં ધુળેટી પર ઇમરજન્સી કેસો 12.99 ટકાથી 35.03 ટકા સુધી વધેલા છે. આગામી હોળીમાં વાહન અકસ્માતમાં ઇજામાં 51.75 ટકા અને ધુળેટીમાં 99.12 ટકા વધારો થવાની સંભાવના છે. વાહન અકસ્માત સિવાયની ઇજાના હોળીમાં 50.60 ટકા અને ધુળેટીમાં 156.85 ટકા વધારો થવાની સંભાવના છે. તાવ આવવાના કેસોમાં પણ હોળીમાં 49.09 ટકા અને ધુળેટીમાં 38.79 ટકા વધારો થવાની સંભાવના છે.

Most Popular

To Top