ગાંધીનગર(Gandhinagar): રાજ્યમાં આગામી 11મી માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો (Board Exam) પ્રારંભ થઈ રહ્યો છે. આ પરીક્ષાને લઈ ગુજરાત શિક્ષણ બોર્ડ (Gujarat Education Board) દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પરીક્ષામાં રાજ્યભરમાંથી અંદાજે 16.76 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.
આ વખતે ધોરણ 10માં 9.17 લાખ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં (Science) 1.11 લાખ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં (Commerce) 4.89 લાખ વિદ્યાર્થીઓ (Students) પરીક્ષા આપશે. જેમાંથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 20,000થી વધુ રીપીટર વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં ભાગ લેશે.
રાજ્યના શિક્ષણ વિભાગે પરીક્ષાઓની તૈયારીઓને લઈ વિવિધ વિભાગો સાથે મહત્વની બેઠક યોજી હતી. જેમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જોતાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે તેમજ પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો સતત મળી રહે તે માટે વિદ્યુત કંપનીઓના અધિકારીઓ સાથે પણ બેઠક યોજી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત પરીક્ષા સ્થળે પહોંચવામાં જો કોઈ વિદ્યાર્થીને મુશ્કેલી નડે તો 100 નંબર ડાયલ કરવાથી વિદ્યાર્થીને પૂરતી મદદ કરવામાં આવશે, તેવી તૈયારી કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે.
રાજ્યભરમાં 1634 કેન્દ્ર પર પરીક્ષા લેવાશે
ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા રાજ્યભરમાં 1634 કેન્દ્ર પર લેવામાં આવશે, જેમાં ધોરણ-10ની પરીક્ષા 84 ઝોનમાં 981 કેન્દ્ર પર, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષા 56 ઝોનમાં 653 કેન્દ્ર પર લેવામાં આવશે. આ તમામ કેન્દ્રો પર પરીક્ષાને લગતી તૈયારીઓ તાકીદે પૂર્ણ કરી લેવા તાકીદ કરવામાં આવી છે.
31મી માર્ચે 1.37 લાખ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે
આ ઉપરાંત રાજ્યમાં 34 ઝોનનાં 34 કેન્દ્ર પર 31 માર્ચના રોજ સવારે 10થી 4 વાગ્યા દરમિયાન ગુજકેટની પરીક્ષા યોજાશે. ગુજકેટની પરીક્ષા ૧,૩૭,૭૦૦ વિદ્યાર્થી આપશે.
રાજ્યની જેલોમાં બંધ 130 કેદીઓ ધો. 10-12ની પરીક્ષા આપશે
બોર્ડના સત્તાવાર સૂત્રો મુજબ રાજ્યની જુદી જુદી જેલોમાં બંધ બંદીવાન (કેદી) પરીક્ષાર્થીઓ પણ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે. જેમાં ધોરણ 10માં 73 અને ધોરણ 12માં 57 બંદીવાન પરીક્ષા આપશે.