National

મુંબઈ BMW હિટ એન્ડ રન કેસમાં આરોપીની ધરપકડ, આરોપીની માતા અને 2 બહેનો પણ કસ્ટડીમાં

મુંબઈઃ (Mumbai) મુંબઈ પોલીસે વર્લી હિટ એન્ડ રન કેસના મુખ્ય આરોપી મિહિર શાહની (Mihir shah) ધરપકડ કરી છે. ઘટના બાદ મિહિર શાહ ફરાર થઈ ગયો હતો. વરિષ્ઠ પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટે આરોપીની માતા અને બે બહેનોની પણ અટકાયત કરી છે. આ કેસમાં પોલીસે આરોપી પિતા રાજેશની ધરપકડ કરી લીધી હતી.

BMW હિટ એન્ડ રન કેસના મુખ્ય આરોપી મિહિર શાહની ધરપકડ કરવામાં આવી છે. શાહ કથિત રીતે દારૂના નશામાં લક્ઝરી કાર ચલાવતો હતો. તે જે કાર ચલાવી રહ્યો હતો તેણે મુંબઈના વર્લીમાં એક ટુ-વ્હીલરને ટક્કર મારી હતી જેમાં 45 વર્ષીય મહિલાનું મોત થયું અને તેના પતિને ઈજા થઈ હતી. શાહ મુખ્યમંત્રી એકનાથ શિંદેના શિવસેના જૂથના નેતા રાજેશ શાહનો પુત્ર છે. રવિવારે સવારે 5.30 વાગ્યે થયેલા અકસ્માત બાદ તે ફરાર થઈ ગયો હતો.

મુંબઈ પોલીસે મંગળવારે સ્થાનિક કોર્ટને જણાવ્યું કે મુખ્ય આરોપી મિહિર શાહ (24 વર્ષ) ઘટના સમયે કથિત રીતે કાર ચલાવી રહ્યો હતો. મહિલાને દોઢ કિલોમીટર સુધી ખેંચી લીધા બાદ આરોપીએ તેના ડ્રાઈવરને ગાડી ચલાવવા માટે આપી. આ પછી ડ્રાઈવર રાજઋષિ રાજેન્દ્ર સિંહ બિદાવતે BMW કારને રિવર્સ લઈ બીજી વાર મહિલાને કચડી નાખી હતી.

તમને જણાવી દઈએ કે મિહિર શાહ શિવસેના (શિંદે જૂથ)ના પાલઘર યુનિટના નેતા રાજેશ શાહનો પુત્ર છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે ઘટના બાદ રાજેશે તેમના પુત્રને ઘટનાસ્થળેથી ભાગી જવા કહ્યું હતું. તેમણે ડ્રાઈવરને પણ આ ઘટનાની જવાબદારી લેવા માટે સૂચના આપી હતી. પોલીસે કોર્ટમાં સીસીટીવી ફૂટેજ પણ રજૂ કર્યા હતા જેમાં પીડિતા કાવેરીને કાર દ્વારા 1.5 કિમી સુધી ખેંચી જવામાં આવી હતી. ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે મિહિર અને ડ્રાઈવરે મહિલાને બોનેટમાંથી ખેંચીને રોડ પર ફેંકી દીધી અને પછી BMW રિવર્સ કરતી વખતે તેને ફરીથી કચડી નાખી હતી.

આ અકસ્માત રવિવારે થયો હતો
રવિવારે મુંબઈના વરલી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં કાવેરી નાખ્વાનું મૃત્યુ થયું હતું. તેમના પતિ પ્રદીપ નાખ્વાના જણાવ્યા અનુસાર સવારે લગભગ 4 વાગ્યે તેઓ માછલી ખરીદીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. તેમણે કહ્યું હતું કે એક ઝડપી કારે તેમને ટક્કર મારી હતી, જે કાવેરીને સીજે હાઉસથી સી લિંક રોડ તરફ ખેંચી ગઈ હતી, પરિણામે તેનું મૃત્યુ થયું હતું. નાખ્વાએ આરોપ લગાવ્યો હતો કે આરોપી મિહિર શાહ રાજકીય નેતાનો પુત્ર હોવાના કારણે તેની ધરપકડ કરવામાં આવી રહી નથી.

Most Popular

To Top