જ્યારે ડોક્ટરને બતાવવા જઈએ અને ડોક્ટર સવાલ પૂછે કે કોઈ દવા ચાલે છે ત્યારે કેટલું સરળતાથી આપણે એવું કહીએ છે કે લોહી પાતળું કરવાની અને બીજી આટલી દવા ચાલે છે. આવી જ રીતે ઘણીવાર સંબંધીઓ વચ્ચે પણ આપણે વાત કરતા હોઈએ છે કે ડોક્ટરે લોહી પાતળું કરવાની દવા હવે શરૂ કરી છે. લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા જઈએ ત્યારે ઘણી વાર ટેક્નિશ્યન પૂછતા હોય છે કે લોહી પાતળું કરવાની દવા ચાલે છે, તો સહજતાથી આપણે જવાબ આપી દઈએ કે હા, ચાલે છે. પરંતુ ક્યારેય પણ આપણને વિચાર આવ્યો કે આ લોહી પાતળું કરવાની દવા શા માટે ચાલુ કરી હશે કે શા માટે જરૂર પડી હશે? વાત લોહી પાતળું કરવાની દવા વિશે છે પરંતુ પહેલા તો શબ્દ, જાડાં અને પાતળા અંગે લોકોને સામાન્ય માન્યતા અને ગેરસમજ એવી છે કે જે જાડું હોય તે સારું. બરાબર ને! તો એમાંથી બહાર આવો. હવે વાત આજે કરીશું લોહીને જાડું અને પાતળું મુદ્દા અંગે કે લોહી કયું સારું અને શા માટે? ખરેખર એ કઈ રીતે આપણા સમગ્ર શરીરને અસર કરે છે અને એમાં આપણે કઈ સાવચેતી રાખીશું કે જેથી આત્માના ઘર સમાન આ શરીરને વધુ સ્વસ્થ રાખી શકીએ.
પારિવારિક સંબંધો માટે એક જૂની કહેવત છે કે લોહી પાણી કરતાં ગાઢ છે. પરંતુ જ્યારે વાત હૃદયની આવે છે ત્યારે આમાં થોડું ઊલટું છે. કહેવાનો મતલબ એ કે લોહી જેટલું પાતળું એટલું હૃદય અને લોહીપરિવહન તંત્ર માટે સારું. આ વાતને સાબિત કરતાં ઘણા બધા લેખો અને સ્ટડીઝ પ્રસિદ્ધ થયા છે અને એ પરથી હાવર્ડ મેડિકલ સ્કૂલ જણાવે છે કે જાડુ લોહી ધરાવતા લોકોને હૃદયરોગ થવાની અથવા હાર્ટએટેક આવવાની શક્યતા વધુ હોય છે. સામાન્ય નાગરિકને સમજાવવા માટે એક સરસ મજાનું ઉદાહરણ લઈએ. મધ હોય અને પાણી. બે વસ્તુમાં મધ થોડું સ્નિગ્ધ અને ચીકણું હોય એ પ્રમાણે આપણું લોહી પણ સ્નિગ્ધ અને ચીકણું જાડું હોય અને પાણી જેવું નહીં હોય તો શું સારું? મધ જેવું કે પાણી જેવું? તમે જ નક્કી કરો કોઈ પણ પ્રકારની નાની નળીમાંથી પસાર થવા આ બે વસ્તુઓ મૂકી દો તો બેમાંથી કયું પ્રવાહી વધુ સરળતાથી પરિભ્રમણ કરી જશે? આ વાંચતા વાંચતા જ જવાબ તમારી પાસે હાજર હશે. બસ એવું જ કંઈક છે લોહી માટે. જેટલું વધારે સ્નિગ્ધ કે ચીકણું હશે લોહી એટલી જ સખત મહેનત હૃદયને સમગ્ર શરીરમાં લોહી પરિવહન કરવા માટે કરવી પડશે અને આ સ્થિતિમાં લોહી ગંઠાઈ જવાની (ક્લોટ) શક્યતા ખૂબ વધુ હોય છે.
લોહી બનેલું શેનું હોય છે?
ક્યારે પણ કંઈ પણ સમજતા હોઈએ છે ત્યારે આપણે સામાન્યપણે એનું મૂળ ભૂલી જતા હોઈએ છીએ. વાત જ્યારે બેઝિક્સ ઓફ બ્લડ, લોહીની આવે છે તો લોહીમાં 55% પ્લાઝ્મા રહેલું છે. આ પ્લાઝ્મા તરીકે ઓળખાતું સ્પષ્ટ પ્રવાહી લોહીનો ક્ષારયુક્ત આધાર બનાવે છે. જે પ્રોટીન, પોષક તત્ત્વો, હોર્મોન્સ અને અમુક અંશે કચરાનું વહન કરે છે. આ ઉપરાંત લાલ રક્તકણ, લગભગ અડધો ભાગ એટલે કે 45% ભાગ લોહીનો બનાવે છે અને 1% જેટલા પ્લેટલેટસ અને શ્વેતકણો રહેલા છે.
ક્યાં કિસ્સામાં લોહી જાડું બને છે?
લાલ રક્તકણો લોહીના અડધા ભાગ જેટલો વોલ્યુમ ધરાવે છે એટલે લાલ રક્તકણો લોહીની સ્નિગ્ધતા પર સૌથી વધુ પ્રભાવ ધરાવે છે. આ ઉપરાંત લોહીમાં રહેલી ચરબી એટલે LDL કોલેસ્ટેરોલ, ત્યાર બાદ સોલ્યુબલ પ્રોટીન એ પણ લોહી જાડું કરવામાં ભાગ ભજવે છે અને બ્લડ ક્લોટ થવાનો અડધો આધાર અહીં જ નક્કી થઈ જાય છે. આ ઉપરાંત ક્રોનિક ઇન્ફલેમેશન, ડાયાબિટીસ, ધૂમ્રપાન અને તમારા જીન્સ (જનીનો) લોહીને જાડું કરવામાં અગત્યનો ભાગ ભજવે છે.
સંશોધનો શું કહે છે?
યુરોપિયન અભ્યાસમાં સૌથી પાતળું લોહી ધરાવતા લોકો કરતાં સૌથી વધુ જાડું લોહી ધરાવતા લોકોમાં હૃદયરોગ થવાની કે આઠ વર્ષના સમયગાળામાં મૃત્યુ થવાની શક્યતાઓ વધુ હતી. આ અભ્યાસ લાંબા ગાળાની કોલેસ્ટેરોલની સ્ટેટીન દવાના ઉપયોગથી લોહીની સ્નિગ્ધતામાં ઘટાડો થવાની સાથે જોડાયેલ છે. આમ તો બધા જ સંશોધનો કઈ હકારાત્મક નથી પરંતુ જેટલા તારણો આપણી પાસે હાલ છે એ આ વાતને પ્રોત્સાહન આપવા માટે પૂરતા છે. વળી, આ બધામાં અમેરિકાના કાર્ડિયોલોજિસ્ટ કેનેથ. આર. કેન્સી દ્વારા લખાયેલ પુસ્તક ધી બ્લડ થીનર કયોર ભૂલી જઈએ તો કેમ ચાલે? તેમણે જણાવ્યું છે કે જાડું ને ચીકણું લોહી એ એક ‘કાદવ પરિબળ’ સમાન છે અને એ તમારી રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડવા માટે પૂરતું છે અને તેથી લોહીને હંમેશાં પાતળું રાખીને હૃદયરોગ અને સ્ટ્રોક રોકવા માટેના વિવિધ પગલાં અંગે તેમણે વાત કરી છે. ટૂંકમાં આવું બિનજરૂરી તત્ત્વથી ભરેલું જાડું લોહી શુદ્ધ પાણીમાં કાદવ છે.
આપણે શું સાવચેતી રાખી શકીએ?
પ્રામાણિકતાથી કહું તો લોહીની સ્નિગ્ધતા કે જાડાપણું માપવાની આપણી પાસે એવી કોઈ ડિંગલી-સ્ટીક, સાધન નથી કે આપણે તે ચેક કરી શકીએ. સામાન્ય રીતે વિવિધ પ્રકારના રિપોર્ટ દ્વારા જેમ કે કોલેસ્ટેરોલ કેટલું છે કે પછી તમારું બ્લડ પ્રેશર કેટલું છે એના આધારે આ બધી વસ્તુઓ નિર્ધારિત થતી હોય છે. પરંતુ આપણે શું કરી શકીએ તો,-ધૂમ્રપાન ન કરવું અને સ્વસ્થ ખોરાક લેવો. – જેટલું બને એટલું તમારા લોહીમાં ચરબીનું પ્રમાણ ઓછું રાખવું એટલે કે LDL કોલેસ્ટ્રોલ ઓછું હોય એટલું સારું. – કસરત કરવી. – વધુ પડતી તાણ નહીં લેવી. – રોજ 10 થી 12 ગ્લાસ પાણી પીવું. અપવાદરૂપ કિસ્સા જેમાં તબીબ દ્વારા વધુ પાણી પીવાની મનાઈ છે તો સૈદ્ધાંતિક રીતે હાર્ટએટેક અથવા સ્ટ્રોકથી બચવા માટે વધુ પાણી પીવું એ ઉચિત નથી. લોહી પાતળું રાખવાથી હૃદયના રોગો રોકી શકાય છે પરંતુ, એનો મતલબ એ નથી કે આપણે લોહી પાતળું કરવાની જરૂર કરતાં વધારે દવા લઈએ. તબીબી સલાહ મુજબ જરૂર પ્રમાણે જ દવા લેવી. તબીબો હંમેશાં ફાયદા સામે જોખમનું પલ્લું જોખીને જ આ માટેની દવા સૂચવે છે અને જો એમ ના કરતા હોય તો એમણે પણ વિચારવું રહ્યું.
ઇત્તેફાક્:
ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું.
– ખલીલ ધનતેજવી