જન્મ સમયે જીવન, રક્ષણ અને પોષણ, ઉછેર માટે માતાના દૂધની અનિવાર્ય આવશ્યકતા રહે છે. તે પછી ગાય, ભેંસ કે બકરી જેવાં જાનવરોના દૂધથી લોકો પોષણ મેળવે છે. રાષ્ટ્રપિતા ગાંધીજી બકરીના દૂધનો આગ્રહ રાખી પોતાના અંગત કારણસર ખોરાક લેતા હતા. પશુપાલકો દૂધ વિતરણ કરી જીવનનિર્વાહ કરે છે. વિકાસની સાથે અનેક શહેરોમાં દૂધની ડેરીઓ ચાલે છે. ડો. કુરિયન જેવાએ ડેરી ઉદ્યોગને અનેકવિધ ઉત્પાદન માટે માર્ગદર્શન આપ્યું. દૂધને ડેરી સુધી પહોંચાડવા વાહનો અને ડ્રાઈવરોની જરૂરત રહે છે. હાલમાં બ્રિટન જેવા દેશમાં આવા ડ્રાઈવરોની તંગી વરતાતાં વિચિત્ર સ્થિતિ પેદા થઈ હતી અને તેથી પશુપાલન કરતા ત્યાંના ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી ત્યાં ઉત્પાદિત આશીર્વાદરૂપ દૂધ ઢોળી દઈ રહ્યાના સમાચાર ઝળક્યા છે.
હજારો લીટર દૂધ ઢોળાઈ જાય તે કમનસીબી જ કહેવાય. પુરવઠાની ખોરવાયેલી આ ચેઈનના કારણે નાતાલ સુધીમાં બ્રિટનમાં દૂધની તંગી ઊભી થવાનો ભય છે. સદ્દભાગ્યે આપણે ત્યાંની ડેરીઓ વધારાના દૂધમાંથી અનેક જાતની ખાદ્ય વાનગીઓનું ઉત્પાદન પણ કરે છે. કેટલેક સ્થળે બનાવટી, હાનિકારક દૂધ પણ બજારમાં મૂકનાર સમાજદ્રોહીઓ પણ છે, દૂધમાં પાણી ભેળવી વધુ કમાણી કરવાના બદઈરાદા પણ આવે છે. ભારતમાં ગાયને માતાસ્થાને મૂકી શ્રદ્ધા રાખનાર લોકો ગૌરક્ષા માટે ખૂબ કાળજી રાખે છે, ગૌશાળા ચલાવે છે, તેમાં પણ શરતો અને નિયમોનું પાલન કરવું પડે છે. નિર્દોષ આહાર માટે તો આશીર્વાદરૂપ દૂધને જ પ્રાધાન્ય અપાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.