Charchapatra

ધન્ય છે દેશના રાજનેતાઓને!

આ દેશમાં જેટલા પણ રાજનેતા થયા એ સૌને કોટી કોટી વંદન છે.એક સામાન્ય માણસ પોતાના જીવનને માત્ર પોતાની અને પોતાના પરિવારના સભ્યોની ઈચ્છા કે સપના પુરા કરવામાં વ્યતિત કરી નાખે છે.જયારે રાજનેતા પોતાના જીવનને સામાન્ય માણસના જીવનમાં પરિવર્તન લાવવામાં વિતાવે છે.રાજનેતા પોતાની જવાની હોય કે સમગ્ર જિંદગી એ લોકોના કલ્યાણ માટે જીવે છે.રાજનેતાનું પારિવારિક જીવન ન બરાબર હોય છે.આપણે વાર,તહેવાર કે પછી કોઈપણ પ્રસંગે પરિવારની સાથે હોઈએ છીએ.આ સુખ રાજનેતાઓના જીવનમાં નથી હોતું.રોજબરોજના જીવનમાં મળતી કરોડો નાની-નાની ખુશીઓથી વંચિત રહી જાય છે રાજનેતાઓના જીવન.તેઓ જે પણ કરે છે તે આપણા માટે જ કરે છે

.તેમના વાયદા,વચનો કે ભાષણો પણ આપણા માટે જ હોય છે.વાત ધાર્મિક હોય કે,ગરીબીની હોય કે પછી ભ્રષ્ટાચારની,રોજગારી ની હોય કે મોંઘવારીની આ તમામ વાત આપણા માટે જ હોય છે.રાજનેતા તો આ બધી અવસ્થાઓથી પર પહોંચી ગયા છે.હા,રાજનેતાની કોઈક વાતોથી કોઈ ધર્મ,સમાજ,સંગઠન કે કોઈ વ્યક્તિને અન્યાય થાય તેવું પણ બને પરંતુ,  એક માં પણ પોતાના બે કે ત્રણ સંતાનોને તમામ વખતે સરખા ભાગે ન્યાય આપી શકતી નથી તો પછી રાજનેતાને તો સામાન્ય માણસના સ્વરૂપમાં કરોડો સંતાનો છે.એક ને ખુશ કરે તો બીજો નારાજ અને બીજા ને ખુશ કરે તો પહેલો નારાજ.આથી સુધરવાની જરૂર આપણે પ્રજાએ છે.રાજનેતા તો બધા સુધરેલા જ છે.જો પ્રજા જ સુધરી જાય અને પોતાના જીવનની નાની નાની બાબતો અને નાની નાની સમસ્યાઓનુ સમાધાન જાતે જ કરી શકે તો નેતાઓને આપણી મોટી સમસ્યાઓ માટે વિચાર કરવાનો સમય મળી રહે.આપણે તો હજુ કચરો નાંખવાની સમસ્યા માટે પણ નેતાઓને યાદ કરીએ છીએ.તો પછી નેતા આવે અને કચરો સાફ કરવા ઝાડું પકડે અને ફોટો પડે એટલે કચરો સાફ.કચરો સાફ એટલે તમે ખુશ. પણ સાચે જ કચરો કોણે સાફ કર્યો એ વિચારજો.
          – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top