National

પંજાબમાં લુધિયાણાની કોર્ટમાં બ્લાસ્ટ: મહિલા સહિત બે લોકોના મોત, 5 ઘાયલ

લુધિયાણા : (Punjab) પંજાબની લુધિયાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ( Ludhiana District Court) થયેલા વિસ્ફોટમાં (Blast) એક મહિલા સહિત બે લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જિલ્લા કોર્ટના ત્રીજા માળે થયેલા વિસ્ફોટમાં અન્ય 5 લોકો પણ ઘાયલ થયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ધમાકો કઈ વસ્તુથી થયો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. બ્લાસ્ટ લુધિયાના કોર્ટની કોપી બ્રાન્ચમાં થયો છે. હાલમાં કોર્ટમાં વકીલોની હડતાળ ચાલી રહી છે, તેથી કોર્ટમાં વધુ ભીડ નહોતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કોર્ટના ત્રીજા માળે 9 નંબરની કોર્ટ નજીક આવેલા બાથરૂમ પાસે વિસ્ફોટ થો હતો. જેમાં એક મહિલા સહિત બે લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે વિસ્ફોટ બોમ્બ, સિલિન્ડર કે અન્ય કોઈ વસ્તુનો હતો. જોકે, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખી ઈમારત ધ્રુજી ગઈ હતી. સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં તહીં દોડી રહ્યાં છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નીચ પાર્કિંગમાં પાર્ક કરેલી કારને પણ નુકસાન થયું હતું. ઘટનાની તપાસ માટે એનઆઈએ અને એનએસજીની ટીમ પહોંચી ગઈ છે. પંજાબ પોલીસે બ્લાસ્ટ બાદ હાઈએલર્ટ જાહેર કર્યું છે. ધાર્મિક અને જાહેર સ્થળો પર સુરક્ષા વધારી દેવાઈ છે.દરમિયાન કોર્ટ પરિસરમાં બ્લાસ્ટના લીધે સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉભા થયા છે. પંજાબમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આ ધમાકાના પગલે તણાવની સ્થિતિ ઉભઈ થઈ છે.

ફિદાયીન હુમલાની આશંકા વ્યક્ત કરાઈ

લુધિયાનાની કોર્ટમાં થયેલો બ્લાસ્ટ ફિદાયીન હુમલો હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જે મહિલાની લાશ મળી છે તે મહિલા સ્યૂસાઈડ બોમ્બર હોવાની સંકા છે. કોર્ટના ત્રીજા માળે બાથરૂમ પાસે બોમ્બ ફાટવાની ઘટનાને તપાસ એજન્સીઓ શંકાની નજરે જોઈ રહી છે. ચૂંટણી પહેલાં જ બોમ્બ બ્લાસ્ટ થયો તે ચિંતાનો વિષય છે.

સિદ્ધુએ કહ્યું, ચૂંટણીમાં મતોનું ધ્રુવીકરણ થાય એટલે આયોજનપૂર્વક ષડયંત્રકારીઓએ બ્લાસ્ટ કરાવ્યો

લુધિયાના બ્લાસ્ટ પર રાજનૈતિક પ્રતિક્રિયાઓ પણ આવવા માંડી છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ આ બ્લાસ્ટને કાવતરું ગણાવ્યું છે. સિદ્ધુએ કહ્યું કે, મતોના ધ્રુવીકરણના હેતુથી આ બ્લાસ્ટ કરાયો છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે લખ્યું કે, લુધિયાના કોર્ટમાં બ્લાસ્ટની ખબર સાંભળી. બે લોકોના મોતથી દુ:ખી છું. ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેવી પ્રભુને પ્રાર્થના. પોલીસે આ બ્લાસ્ટના મૂળ સુધી જઈ તપાસ કરવી જોઈએ.

પંજાબના CM ચન્નીએ બ્લાસ્ટને ષડયંત્ર ગણાવ્યું

પંજાબના CM ચરણજીત સિંહ ચન્નીએ આ બ્લાસ્ટને ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું, કસૂરવારોને છોડવામાં આવશે નહીં. હું સ્થિતિની સમીક્ષા કરવા માટે લુધિયાના કોર્ટ જઈ રહ્યો છું. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે કેટલીક દેશવિરોધી તાકાતો આવી નિમ્નસ્તરની હરકતો કરી રહી છે. સરકાર સતર્ક છે. લોકો પણ સાવચેત રહે.

Most Popular

To Top