Top News

પાકિસ્તાનના કરાંચીમાં બ્લાસ્ટ, ઈમારત તૂટી પડી: 10 લોકોના મોત થયા, 13 ઘાયલ

કરાચી: પાકિસ્તાનના (Pakistan) કરાચી (Karachi) શહેરમાં પરચા ચોક પાસે થયેલા વિસ્ફોટમાં (Blast) 10 લોકોના મોત થયા છે. વિસ્ફોટમાં 13 લોકો ઘાયલ થયા છે જેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘાયલોમાં 4ની હાલત નાજુક હોવાનું કહેવાય છે. હાલમાં સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને આ કિસ્સામાં મૃત્યુઆંક વધુ હોઈ શકે છે. કાટમાળમાં અનેક લોકો દબાયો હોવાની આશંકા છે. આ વિસ્ફોટ એક ખાનગી બેન્ક પાસેના સાઈટ એરિયામાં થયો હતો, જેના લીધે આસપાસની ઈમારતોને પણ નુકસાન થયું છે.

પોલીસ અધિકારીઓએ કહ્યું કે, એ સ્પષ્ટ થયું નથી કે બ્લાસ્ટ કયા કારણોસર થયું છે. એક શંકા છે કે બેન્ક નીચે ગટરમાં જમા થયેલા ગેસમાં આગ લાગવાથી વિસ્ફોટ થયો હોય, પરંતુ આગ કેવી રીતે લાગી તે પણ જાણી શકાયું નથી. નિષ્ણાતોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે. કરાચી ટ્રોમા સેન્ટરના ડોક્ટર સાબિર મેમને કહ્યું કે, આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે. 13 ઈજા પામ્યા છે. તે પૈકી 3ની હાલત ગંભીર છે. કેટલાંક ઘાયલોને ICUમાં રાખવામાં આવ્યા છે. વિસ્ફોટના લીધે નજીકની ઈમારતોના બારીના કાચ તૂટી ગયા છે. નજીકમાં પડેલું એક વાહન પણ ખરાબ રીતે ક્ષતિ પામ્યું છે.

ગટરમાં ગેસના ભરાવાના કારણે વિસ્ફોટ?

પોલીસ અધિકારી ઝફર અલી શાહે માહિતી આપી છે કે બ્લાસ્ટ એક ખાનગી બેંકની નીચે આવેલી ગટરમાં થયો હતો. જેમને જગ્યા ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી જેથી ગટરની સફાઈ થઈ શકે. શાહે કહ્યું કે વિસ્ફોટમાં બેંકની ઇમારત અને નજીકના પેટ્રોલ પંપને નુકસાન થયું છે. અધિકારીએ કહ્યું કે એવી આશંકા છે કે આ વિસ્ફોટ બિલ્ડિંગની નીચે ગટરમાં ગેસના ભરાવાને કારણે થયો હતો.

પોલીસ પ્રવક્તાએ બાદમાં જણાવ્યું હતું કે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બ્લાસ્ટ સ્થળની તપાસ માટે બોલાવવામાં આવી હતી. સ્ક્વોડનો રિપોર્ટ આવ્યા બાદ બ્લાસ્ટ પાછળનું કારણ જાણી શકાશે. અગાઉ, અધિકારીઓ વિસ્ફોટના સ્થળે પહોંચ્યા હતા અને વિસ્તારને ઘેરી લીધો હતો, પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું.

Most Popular

To Top