ગુજરાતમાં મહાનગરપાલિકાઓ,જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે ત્યારે કાળા નાણાની હેરફેર નાની રાજકીય પાર્ટીઓ અને શિથિલ થયેલા ટ્રસ્ટોમાં નાણા નાખી રાજકીય ગતિવિધિઓ માટે તેનો ઉપયોગ થઇ રહ્યો હોવાની બાતમી મળતા અમદાવાદ આવકવેરા વિભાગ દ્વારા બે દિવસ પહેલા અમદાવાદ સહિતના રાજ્યના કેટલાક શહેરોમાં તપાસ કરવામાં આવી હતી. જેમા સુરતમાં પણ બે સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલાક દસ્તાવેજો મળી આવતા વિભાગે તેને જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધાયેલા અને કોઇક ખાસ સક્રિય નહીં એવા રાજકીય પક્ષો અને ટ્રસ્ટ દ્વારા 3 ટકા કમિશન લઇ 2000 કરોડ રૂપિયા 12 જેટલા સીએની મદદ દ્વારા ટ્રાન્સફર કરી સગેવગે કરી દેવામાં આવ્યા હોવાની આવકવેરા વિભાગને આશંકા છે. જેના આધારે અમદાવાદ આવકવેરા વિભાગની ડીઆઇ વિંગે શનિવારે ગુજરાતના અમદાવાદ, રાજકોટ અને સુરત સહિત અન્ય શહેરોમાં કેટલાક સ્થળો પર તપાસ કરી હતી.
તપાસમાં અમદાવાદની 25 જેટલી વ્યક્તિઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યારે સુરતમાં પણ સુરત રેલ્વે સ્ટેશન વિસ્તારમાં એક રાજકીય પાર્ટીના બે સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા. આવકવેરા વિભાગને આશંકા છે કે આ કૌભાંડમાં કેટલાક સીએ અને એકાઉન્ટન્ટ પણ શામેલ છે તેઓને પણ નોટિસ મોકલી વિભાગે જવાબ માટે બોલાવ્યા છે. આવનારા દિવસોમાં આ રાજકીય પાર્ટીઓને ફંડ આપનારાઓને પણ નોટિસ મોકલવામાં આવશે.
નાની પાર્ટીઓ અને ટ્રસ્ટોના બેંક ખાતાઓમાં ટ્રાન્ઝેકશન વધતાં આઇટીને આશંકા થઇ
સુષુપ્ત અવસ્થામાં રહેલી નાની પાર્ટીઓ અને બહુ જાણીતા ન હોય તેવા ટ્રસ્ટોના બેંક ખાતાઓમાં અચાનક ચેકથી મળતા દાનની એન્ટ્રીઓમાં વધી જતા અમદાવાદ આવકવેરા વિભાગને કાળુ નાણું ધોળું કરવામાં આવી રહ્યું હોવાની આશંકા ગઇ હતી. તેને પગલે 25 જેટલી વ્યક્તિઓ અને 12 સીએને ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં બે સ્થળો સુરતના પણ હતા.