National

ભાજપની આ મહિલા ઉમેદવાર પાસે 1400 કરોડની સંપત્તિ છે!

નવી દિલ્હી: એકતરફ કોંગ્રેસના (Congress) એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય છે. કોંગ્રેસ પાસે ચૂંટણી લડવાના રૂપિયા નથી એવી વાતો બહાર આવે છે ત્યારે બીજી તરફ ભાજપના ઉમેદવારો કરોડપતિ છે. ભાજપની (BJP) એક મહિલા ઉમેદવાર પાસે અધધ 1400 કરોડની સંપત્તિ છે. આ મહિલા ઉમેદવાર પાસે લંડન (London) અને દુબઈમાં (Dubai) એપાર્ટમેન્ટ છે.

ભાજપે (BJP) ઉદ્યોગપતિ શ્રીનિવાસ ડેમ્પોની પત્ની પલ્લવી ડેમ્પોને (Pallavi Dempo) દક્ષિણ ગોવા (South Goa) બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. પલ્લવીએ મંગળવારે દક્ષિણ ગોવા જિલ્લા કલેક્ટર કચેરીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સાથે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત (Goa Chief Minister Pramod Sawant) પણ હાજર રહ્યાં હતા.

પલ્લવી ડેમ્પોએ રિટર્નિંગ ઓફિસર સમક્ષ 119 પાનાની એફિડેવિટ દાખલ કરી હતી, જેમાં તેમના પતિ શ્રીનિવાસ ડેમ્પો સાથે તેમની કુલ સંપત્તિ 1400 કરોડ રૂપિયાની આસપાસ છે તેમ જાહેર કર્યું છે. ડેમ્પો ગ્રૂપનો વ્યવસાય ફ્રેન્ચાઇઝ ફૂટબોલ લીગથી રિયલ એસ્ટેટ, શિપ બિલ્ડીંગ, શિક્ષણ અને ખાણકામ વ્યવસાય સુધી વિસ્તરેલો છે.

પલ્લવીની એફિડેવિટ દર્શાવે છે કે તેની પાસે 255.4 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે, જ્યારે શ્રીનિવાસની માલિકીની સંપત્તિનું મૂલ્ય 994.8 કરોડ રૂપિયા છે. જ્યારે પલ્લવીની સ્થાવર મિલકતની કુલ બજાર કિંમત 28.2 કરોડ છે, જ્યારે શ્રીનિવાસની સ્થાવર મિલકતની કુલ બજાર કિંમત 83.2 કરોડ છે.

ગોવા અને દેશના અન્ય ભાગોમાં શ્રીનિવાસ ડેમ્પોની મિલકતો ઉપરાંત દંપતી પાસે દુબઈમાં એક એપાર્ટમેન્ટ પણ છે, જેની વર્તમાન બજાર કિંમત 2.5 કરોડ છે. આ ઉપરાંત લંડનમાં પણ 10 કરોડ રૂપિયાનું એક એપાર્ટમેન્ટ છે. પલ્લવી ડેમ્પોની એફિડેવિટ મુજબ, તેની પાસે 5.7 કરોડ રૂપિયાનું સોનું છે. જ્યારે પલ્લવીએ નાણાંકીય વર્ષ 2022-23 માટે 10 કરોડનું આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું છે, જ્યારે શ્રીનિવાસે તે જ વર્ષ માટે 11 કરોડનું રિટર્ન ફાઇલ કર્યું છે.

49 વર્ષીય ભાજપના ઉમેદવારે MIT, પુણે યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવાની લોકસભા બેઠકો માટે ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે. પલ્લવી ડેમ્પોની એફિડેવિટ મુજબ તેમની પાસે 217.11 કરોડના બોન્ડ, 12.92 કરોડની બચત, 2.54 કરોડની કાર અને 5.69 કરોડનું સોનું છે અને લગભગ 9.75 કરોડની અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.

શ્રીપદ નાઈકે પણ ઉમેદવારી પત્ર ભર્યું
પલ્લવી ડેમ્પોની સાથે ભાજપના ઉત્તર ગોવાના ઉમેદવાર શ્રીપદ નાઈકે પણ મંગળવારે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું. ઉત્તર ગોવાથી ભાજપના ઉમેદવાર શ્રીપદ નાઈક પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે અને સાતમી ચૂંટણી લડી રહ્યા છે. નામાંકન ભર્યા બાદ મીડિયા સાથે વાત કરતા નાઈકે કહ્યું કે, ‘ભાજપ સરકારે ગોવાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે રોકાણ કર્યું છે. 1999 અને 2014ની જેમ ભાજપ ગોવાની બંને સંસદીય બેઠકો જીતશે. શ્રીપદ નાઈકે તેમના ચૂંટણી એફિડેવિટમાં 2.05 કરોડની જંગમ સંપત્તિ, ₹8.81 કરોડની સ્થાવર સંપત્તિ અને ₹17 લાખની વાર્ષિક આવક જાહેર કરી છે.

Most Popular

To Top