સુરત (Surat): સુરત મહાપાલિકાના કોર્પોરેટરોની (Local Body Polls 2021) પસંદગી કરવા માટેના મતદાન આડે હવે માત્ર ચાર જ દિવસ છે ત્યારે આજે ભાજપ દ્વારા આગામી પાંચ વર્ષ માટેનો સંકલ્પ પત્ર એટલે કે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. જોકે આ સંકલ્પ પત્રમાં નવા પ્રોજેકટો મુકવાને બદલે ભાજપ (BJP) દ્વારા જૂના જ પ્રોજેક્ટ શરૂ કર્યાનો ઉલ્લેખ કરવાની સાથે તેને પુરા કરવાના વચનો આપવામાં આવ્યાં હતાં. ભાજપના સંકલ્પ પત્રમાં એકપણ વાત એવી નથી કે નવી હોય!
ભાજપના સંકલ્પ પત્રમાં સુરત શહેરને પ્રાથમિક સુવિધાઓ તાપી શુદ્ધીકરણ, રિવરફ્રન્ટ, શહેરી આરોગ્ય સેવાઓ, પર્યાવરણ સુધારણા, ડુમસ ડેવલપમેન્ટ, માસ ટ્રાન્સપોર્ટેશન, શિક્ષણ સુવિધા સુરત શહેરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવું, વિન્ડ પાવર અને સોલાર પ્રોજેક્ટ વિસ્તરણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની સુવિધાઓ, આવાસ યોજનાઓ, રસ્તાઓના આધૂનિકરણ ખાડી ડેવલપમેન્ટ વિગેરેના વચનો આપવામાં આવ્યાં છે. ભાજપના સંકલ્પપત્રમાં વર્ષ 2015ના ચુંટણી ઢંઢેરામાં જે વચન અપાયા હતા તેમાંથી ઘણા વચનો પડતા મુકવામાં આવ્યા છે.
અમે જે વચનો આપ્યા તેના કરતા વધુ જ કામો કર્યા છે : સી.આર.પાટીલ
સુરત ભાજપના કોર્પોરેશન માટેના સંકલ્પપત્રનું પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના (C R Patil) હસ્તે વિમોચન કરાયું હતું. આ પ્રસંગે સીઆર પાટીલે જણાવ્યું હતું કે, છેલ્લા 25 વર્ષ દરમ્યાન ભાજપે કરેલા વિકાસના કાર્યોની સૂચિનો સંકલ્પપત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સુરતમાં સૌથી મોટું તાપી નદીનું શુદ્ધિકરણનું કાર્ય મંજૂર કરવામાં આવ્યું છે. તાપીમાં ભળતા અશુદ્ધ પાણીને ટ્રીટ કરવાનું કાર્ય કરવામાં આવ્યું. પાણીની સ્ટોરેજ કેપેસિટીનું કાર્ય કરવામાં આવ્યું છે. સુરતમાં ટ્રાફિકની સમસ્યાને નિવારવા બીઆરટીએસ પ્રોજેકટ લાવવામાં આવ્યો છે. ગરીબ બાળકો માટે સુમન હાઈસ્કૂલની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 50 વર્ષ સુધી પીવાના પાણીની સમસ્યા ઉભી નહીં થાય તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 2022 પહેલા સુરતમાં મેટ્રો ટ્રેન શરૂ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપે હંમેશા કહ્યું છે તેનાથી વધુ કરવા તૈયારી બતાવી છે. કોરોના જેવા સમયમાં સ્મીમેર હોસ્પિટલનો મોટો ઉપયોગ થયો છે. ભારતીય જનતા પાર્ટી વચન આપે છે તે પૂરું કરે છે.
મનપાના આગામી બજેટમાં નવા પ્રોજેકટ જોવા મળશે:
સંકલ્પ પત્ર જાહેર કર્યાં બાદ ભાજપના જ આગેવાનોમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે આગામી દિવસોમાં મનપામાં જો શાસન આવશે તો બજેટ પણ બનાવવું પડશે. જેથી અત્યારે બજેટમાં નવા કયા પ્રોજેક્ટ આવવાના છે તે જાહેર નહીં થઈ જાય તે માટે ભાજપે હાલના સંકલ્પ પત્રમાં જૂના જ કાર્યોની સિદ્ધીઓ વર્ણવી છે.
સંકલ્પ પત્રમાં ભાજપે કયા કયા જૂના વચનો જ રિપીટ કર્યા:
- પ્રાથમિક સુવિધાઓ
- તાપી શુધ્ધિકરણ
- રિવરફ્રન્ટ પ્રોજેક્ટ
- શહેરી આરોગ્ય
- કન્વેન્શનલ બેરેજ
- પર્યાવરણ સુધારણા/ડુમસ ડેવલપમેન્ટ
- ટ્રાફિક સરળીકરણ/માસ ટ્રાન્સપોર્ટેશન
- શિક્ષણ સુવિધાઓ
- સુરત એક પ્રવાસન સ્થળ
- વંચિત વસતીનો વિકાસ
- વિન્ડ પાવર/ સોલાર પ્રોજેક્ટ વિસ્તરણ
- ડિઝાસ્ટર મેનેજમેન્ટ/ આપત્તિ વ્યવસ્થાપન
- આવાસ યોજનાઓ/ હાઉસીંગ
- ઘરવિહોણા વ્યક્તિ માટે શેલ્ટર
- વધુ ગુણવત્તાયુક્ત પાણી
- રસ્તાનું આધુનિકીકરણ
- બાઈસિકલ શેરીંગ
- સ્વચ્છતામાં અવ્વલ રહેવાની પહેલ
- મહિલા વેજીટેબલ માર્કેટ અને પીંક ઓટો
- સુંદર સુરત
- રાજમાર્ગ સુરતની બનશે ઓળખ
- તળાવો, રમત-ગમતના મેદાનો
- કેનાલ/ ખાડી ડેવલપમેન્ટ
- હાઈટેક સિટી