આણંદ : આણંદ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા પ્રચારના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત હાજર રહ્યાં હતાં. તેઓએ સભા સંબોધી હતી અને ભાજપ સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, કોરોના, લઠ્ઠાકાંડ અને મોરબી દુર્ઘટનાથી ભાજપની પોલ ખુલ્લી પડી ગઇ છે. આંકલાવના આસોદર ખાતે કોંગ્રેસનું પરિવર્તન સંકલ્પ સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે અશોક ગહેલોતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા જે શાસન ચાલ્યું તેની મોરબીની દૂર્ઘટનાએ પોલ ખોલી નાંખી હતી. મને દુઃખ છે કે, મોરબીની ઘટના ઘટ્યા છતાં કોઈ તપાસ નથી થઇ. હવે હાઇકોર્ટમાં આ અંગે સુઓમોટો દાખલ થઇ છે.
મારી કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી છે કે હજુ સમય છે કે, હાઇકોર્ટના જજ કે નિવૃત્ત જજના વડપણ હેઠળ કમિટી બનાવી તપાસ કરવી જોઇએ અને લોકોને ન્યાય મળવો જોઈએ. આસોદર ખાતે કોંગ્રેસ દ્વારા નારી શક્તિ ઉઠાવો બાણ હવે તો પરિવર્તન એ જ કલ્યાણનાં નારા સાથે પરિવર્તન સંકલ્પ સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી રઘુ શર્મા, પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકી, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, જેનીબહેન ઠુમ્મર, પ્રભાતસિંહ ચૌહાણ, ધારાસભ્ય અમિતભાઈ ચાવડા, કાંતિભાઈ સોઢા પરમાર, રાજેન્દ્રસિંહ પરમાર, પૂનમભાઈ પરમાર વિગેરે હાજર રહ્યાં હતાં.