અમદાવાદ(Ahmedabad): મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય ભૂકંપ વચ્ચે શિવસેના(Shivsena) સાથે ભાજપ(BJP) પણ સક્રિય થઇ ગઈ છે. ભાજપ જે પ્રકારે મહારાષ્ટ્રમાં સરકાર ઉથલાવવા માટે શિવસેનાના ધારાસભ્યોને સુરત લાવી છે તે બાદ હવે શિવસેના સામો ખેલ ના પાડે તે માટે મહારાષ્ટ્ર ભાજપના 105 MLAને અમદાવાદ લાવવાની તૈયારીઓ શરુ કરાઈ છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપે પોતાના ધારાસભ્યો માટે અમદાવાદની આસપાસના કોઈ રિસોર્ટ અથવા હાઈ-પ્રોફાઈલ ક્લબમાં તેઓ માટે રોકાવવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આની જવાબદારી કેટલાક આગેવાનોને સોંપાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભાજપ સામે મોટો પડકાર
શિવસેનાના ધારાસભ્યોએ સુરતમાં મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના સરકાર સંકટમાં મૂકાઈ છે. પરંતુ આ બાદ ભાજપ સામે પણ મોટો પડકાર છે. જો ભાજપે મહારાષ્ટ્ર સરકાર બનાવવી હોય તો પોતાના ધારાસભ્યોને બળવો કરતા અટકાવવા પડશે. શિવસેનાને તોડવા બાદ સાથે હવે ભાજપ પોતાના મહારાષ્ટ્રનાં 105 ધારાસભ્યો પૈકી કોઈ બળવો ન કરે તે માટે તખ્તો તૈયાર કરી દીધો છે. આ તમામ ધારાસભ્યોને એકત્ર કરીને વિશેષ પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી સીધા રિસોર્ટ અથવા ક્લબમાં લઈ જવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
સાણંદ પાસે ક્લબમાં રોકાણની વ્યવસ્થા કરાઈ હોવાનું અનુમાન
ધારાસભ્યોને ગુજરાત લાવવા માટે સવારથી ગુજરાત અને મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ વચ્ચે સતત ટેલિફોનિક વાતચીત ચાલી હતી. આ તમામ ધારાસભ્યો માટે અમદાવાદના સાણંદ પાસેની એક હાઈપ્રોફાઈલ ક્લબ પર રોકાણની વ્યવસ્થા કરાઈ હોવાનું મનાઈ રહ્યું છે. આ ક્લબના માલિક ભાજપના અત્યંત વિશ્વાસુ છે અને અગાઉ પણ ભાજપના ઘણા કાર્યક્રમો તથા સિક્રેટ ઓપરેશનો આ સ્થળે પાર પાડવામાં આવી ચૂક્યા હોવાનું મનાય છે.
ધારાસભ્યો મોડી સાંજે આવી શકે છે ગુજરાત
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રનાં ભાજપના ધારાસભ્યો આજે સાંજ સુધીમાં ગુજરાત આવી જશે. તેઓ માટે એક વિશેષ પ્લેન તૈયાર કરાયું છે. જેમાં બેસી તમામઅમદાવાદ એરપોર્ટ પર આવી શકે છે. આ તમામને એરપોર્ટ પરથી કડક સુરક્ષા સાથે તેઓ માટે તૈયાર કરાયેલા સ્થળે લઇ જવામાં આવશે. જેના માટે એવો રિસોર્ટ જ પસંદ કરાયો છે જ્યાં 105 ધારાસભ્યોને એકસાથે સાચવવા માટેની વ્યવસ્થા થઈ શકે. હવે આ રાજકીય ઉથલપાથલનાં આગળ શું થાય છે તે જોવું રહ્યું.