Charchapatra

ભાજપનું ચક્રવ્યુહ

જેમણે દેશના રાજકારણનો ઊંડો અભ્યાસ હશે તેમણે અવલોકન કર્યું જ હશે કે, ભાજપે દેશમાંથી પ્રાદેશિક પક્ષોને ઠેકાણે પાડી દીધા છે. છતાંય આ બધા પક્ષો ભાજપ નચાવે તેમ નાચી રહ્યા છે. આ વાત એવી છે કે, જાણે ભાજપને વણ જાહેર કરેલો સિધ્ધાંત કે ક્યાં તો અમારા હાથ નીચે રહો કે ક્યાં તો હાંસિયામાં ધકેલાઈ જાવ. પંજાબમાં અકાલી દલ, મહારાષ્ટ્રમાં શિવસેના આજે પ્રભાવહીન થઈ ગઈ છે. એકનાથ શિંદેને બાજુ પર કરી દેવાયા છે. આંધમાં વાય એસ આર કોંગ્રેસ, તેલંગાણાની ટીઆર એસ, ઓરિસ્સાની બીજેડી, આસામની આસામ ગણ પરિષદ અને બિહારમાં ચિરાગ પાસવાન ભાજપની છત્ર છાયામાં છેલ્લાં શ્વાસો ગણી રહ્યા છે.

યુપીમાં જયંત ચૌધરી, ભાજપે જે આપ્યું તેમાં રાજી છે, અને હંમેશા બ્લેક મેઈલીંગ કરનારા રાજભર અને નિષાદ, ભાજપ તરફથી થતા અપમાનનો ઘટાડો ગળી રહ્યા છે. બિહારમાં નીતિશકુમારને એ પણ ખબર નથી પડતી કે તેમની પાર્ટી કોણ ચલાવે છે અને શાસન કોણ ચલાવે છે. કદાચ થોડા સમય પછી નીતિશ કોઈ મંત્રી પદે કે રાજ્યના રાજ્યપાલ પદે આવી જાય તો નવાઈ નહિ. ગુજરાતની વાત કરીએ તો, મુખ્ય વિપક્ષ ફક્ત ચૂંટણી સમયે જ થોડી ફેણ ઊંચી કરે, બાકી તેનું કંઈ જ ઉપજતું નથી. આમ આદમી પાર્ટી અવનવા રાતકડા કરી ધ્યાન ખેંચવાના પ્રયત્નો કરે છે, પણ તેનો કોઈ મેળ તેમ દેખાતું નથી.
બારડોલી – બળવંતભાઈ ચોક્સી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top