નવસારી: (Navsari) નવસારી – વિજલપોર પાલિકાના (Palika) વિલીનીકરણ બાદ પહેલી ચૂંટણી યોજાઇ રહી છે. આ સંયુક્ત થયેલી પાલિકામાં કુલ 13 વોર્ડ છે અને તેમાં 52 બેઠકો છે. જો કે બુધવારે રાત્રે મળતી માહિતી મુજબ કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે 161 દાવેદારી ભાજપમાં (BJP) થઇ છે. મળતી માહિતી મુજબ નવસારી વિજલપોર પાલિકાની ચૂંટણી (Election) માટે ભારતીય જનતા પાર્ટીએ તેના કાર્યકરો પાસેથી દાવેદારી નોંધવાની શરૂઆત કરી છે.
આજે બીજા દિવસે નવસારી વિજલપોર પાલિકામાં દાવેદારીઓ નોંધાઇ છે, એ મુજબ વોર્ડ નં. 1માં 9 મૂરતિયાઓએ દાવેદારી કરી છે. એ ઉપરાંત વોર્ડ નં.2માં 19, વોર્ડ નં.3માં 18, વોર્ડ નં.4માં 10, વોર્ડ નં.5માં 23, વોર્ડ નં.6માં 13, વોર્ડ નં. 7માં 19, વોર્ડ નં.8માં 14, વોર્ડ નં.9માં 19, વોર્ડ નં. 10માં 9 અને વોર્ડ નં. 11માં 8 દાવેદારોએ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર બનવા માટે દાવેદારી કરી છે. આ લખાય છે, ત્યારે વોર્ડ નં.12 અને 13ની દાવેદારીની વિગતો જાહેર થઇ નથી. મતલબ કે વોર્ડ 11ની 44 બેઠક માટે કુલ 161 મૂરતિયાઓએ ભાજપમાંથી દાવેદારી નોંધાવી છે.
તાલુકા પંચાયતની 104 બેઠકો માટે 261 મૂરતિયાઓએ દાવેદારી કરી
નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી અને ખેરગામ તાલુકા પંચાયતની 104 બેઠકો માટે સામાન્ય ચૂંટણી આગામી 28મી ફેબ્રુઆરીએ યોજાઇ રહી છે. એ માટે ભારતીય જનતા પાર્ટીમાં કુલ 261 દાવેદારોએ ટીકીટ માંગી છે. નવસારી તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 33, જલાલપોર તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 53, ગણદેવી તાલુકા પંચાયતની 24 બેઠકો માટે 84, ચીખલી તાલુકા પંચાયતની 28 બેઠકો માટે 51 અને ખેરગામ તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 40 મૂરતિયાઓએ ભારતીય જનતા પાર્ટીમાંથી દાવેદારી નોંધાવી છે. વાંસદા તાલુકા પંચાયતની 28 બેઠકો માટે કેટલાએ દાવેદારી કરી છે, તે આવતી કાલે નક્કી થશે.
જિલ્લા પંચાયતમાં પાંચ તાલુકાની 23 બેઠકો માટે ભાજપના 82 દાવેદારો
જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતા મહિને 28મીએ યોજાઇ રહી છે, ત્યારે તેની ચૂંટણી પ્રક્રિયાનો આરંભ થઇ ગયો છે. બીજી તરફ રાજકિય પક્ષોએ પણ તેમના ઉમેદવારો નક્કી કરવા માટે કામગીરી કરવા માંડી છે. ભારતીય જનતા પક્ષે તેમના કાર્યકરો પાસેથી દાવેદારી એકત્ર કરવા માંડી છે, ત્યારે નવસારી જિલ્લા પંચાયતની પાંચ તાલુકાની 23 બેઠકો માટે 82 દાવેદારો છે. હજુ વાંસદા તાલુકામાં જિલ્લા પંચાયતની બેઠકો અંગે દાવેદારીની વિગતો મળી નથી.
મળતી માહિતી મુજબ નવસારી જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ બેઠકો માટે રાજકિય પક્ષોએ ઉમેદવારો પસંદ કરવા માટે કવાયત કરવા માંડી છે. એ પૈકી અત્યારે ભારતીય જનતા પાર્ટીએ સૌ પહેલાં કવાયત હાથ ધરી છે. મળતી માહિતી મુજબ નવસારી જિલ્લા પંચાયત માટે નવસારી તાલુકામાં 4 બેઠકો ઉપર 17 કાર્યકરોએ દાવેદારી કરી છે, જ્યારે જલાલપોર તાલુકામાં 4 બેઠકો માટે 9, ગણદેવી તાલુકામાં 5 બેઠકો માટે 21, ચીખલી તાલુકામાં 8 બેઠકો માટે 28, ખેરગામ તાલુકામાં 2 બેઠકો માટે 7 મૂરતિયાઓએ દાવેદારી કરી છે. હજુ વાંસદા તાલુકામાં જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે કેટલાએ દાવેદારી કરી એ વિગતો આ લખાય છે, ત્યાં સુધી મળી નથી.