Gujarat

ગાંધીનગરમાં જોર પકડતું ભાજપનું પ્રચાર અભિયાન

ગાંધીનગરમાં 44 બેઠકો માટે આગામી તા.3જી ઓકટો.ના રોજ મતદાન યોજાનાર છે ત્યારે ભાજપનું પ્રચાર અભિયાન વેગવંતુ બન્યુ છે. ભાજપના ‘પેજ સમિતિ મહાસંપર્ક અભિયાન’ કાર્યક્રમમાં યોજાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ(વર્ચ્યુઅલ માધ્યમ)ની વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના સંબોધનની શરૂઆત પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીને તેમની જન્મજયંતિ નિમિત્તે સ્મરણાંજલિ પાઠવી કરી હતી અને જણાવ્યું હતું કે, પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીએ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કરી ડગ્યા વગર અડીખમ રીતે દેશહિતમાં જે કાર્ય કર્યું છે તે બદલ તેમના ચરણોમાં મસ્તક ઝુકાવી નમન કરું છું.

તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ દેશને અનેક રાષ્ટ્રવાદી નેતાઓ અને કાર્યકર્તાઓની હારમાળા આપી છે. ભાજપાનો પ્રત્યેક કાર્યકર્તા આજે કદમ થી કદમ મિલાવી રાષ્ટ્રસેવાના કાર્યમાં લાગેલો છે. ગાંધીનગર મહાનગર ભાજપાની ટીમ અભૂતપૂર્વ જુસ્સા સાથે કાર્ય કરી રહી છે. કાર્યકર્તાઓનો ઉત્સાહ અને જનતાનો મૂડ જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે, મનપાની ચૂંટણીમાં ભાજપાના તમામ ઉમેદવારોનો વિજય નિશ્ચિત છે.

પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી હરહંમેશ પરિવારભાવના સાથે કાર્ય કરતી આવી છે. આજે ડિજિટલાઈઝેશનનો યુગ છે ત્યારે ભાજપાએ પણ પ્રત્યેક બુથની મતદાર યાદી સહિત પેજસમિતિના સભ્યોનું સંકલન કરી કાર્યકર્તાઓને સરળતા રહે, સુદ્રઢ વ્યવસ્થાપન થઈ શકે તે માટે ‘એપ’ બનાવી છે તે બદલ હું ભાજપા સંગઠનને અભિનંદન પાઠવું છું.

આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કોઈ પણ ચૂંટણી કાર્યકર્તાઓની મહેનતથી જીતાય છે. ગાંધીનગરના કાર્યકર્તાઓનો જુસ્સો અને આત્મવિશ્વાસ જોતા આગામી ચૂંટણીમાં ભાજપાના તમામ ૪૪ ઉમેદવારોના ભવ્ય વિજયનો મને વિશ્વાસ છે.

Most Popular

To Top