National

નંદીગ્રામમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ભાજપ મહિલા કાર્યકરની હત્યા કરાઇ, વિરોધમાં આગચંપી

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં (West Bengal) લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) વચ્ચે અનામતને લઈને ઉગ્ર વિવાદ ચાલી રહ્યો હતો. દરમિયાન રાજકીય રક્તપાતની ઘટનાઓ પણ સામે આવી હતી. અસલમાં નંદીગ્રામમાં (Nandigram) ભાજપના કાર્યકરો પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક બીજેપી કાર્યકર્તાનું મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ TMC કાર્યકર્તાઓ પર હુમલાનો આરોપ છે. આ હુમલામાં એક મહિલા ભાજપ કાર્યકરનું મોત થયું હતું, જ્યારે 7 લોકો ઘાયલ થયા હતા. હુમલાના વિરોધમાં ભાજપના કાર્યકર્તયાઓએ આગચંપી કરી હતી અને ટીએમસી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

ટીએમસી આ હિંસાને પારિવારિક વિવાદ ગણાવી રહી છે, પરંતુ ભાજપના કાર્યકર્તાઓનું કહેવું છે કે લોકસભા ચૂંટણીમાં હારને જોતા હતાશામાં ટીએમસી આવા હુમલાઓ કરી રહી છે. વિસ્તારમાં તણાવને જોતા મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

પાંચમા તબક્કાની ચૂંટણીમાં પણ હિંસા
પશ્ચિમ બંગાળમાં પાંચમા તબક્કાના મતદાન દરમિયાન 20 મેના રોજ હિંસાની છૂટાછવાયા બનાવો બન્યા હતા. બેરકપુર, બોનગાંવ અને આરામબાગ સીટના જુદા જુદા ભાગોમાં ટીએમસી અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી. અરામબાગ મતવિસ્તારના ખાનકુલ વિસ્તારમાં ટીએમસી અને બીજેપી સમર્થકો વચ્ચે મતદાન એજન્ટોને મતદાન મથકોમાં પ્રવેશતા રોકવાને લઈને ઘર્ષણ થયું હતું.

આટલું જ નહીં પરંતુ સુરક્ષાકર્મીઓએ આ વિસ્તારમાંથી બે દેશી બનાવટના બોમ્બ પણ જપ્ત કર્યા હતા. હાવડા મતવિસ્તારના જુદા જુદા ભાગોમાંથી હિંસાના છૂટાછવાયા બનાવો નોંધાયા હતા. હાવડાના લીલુઆહ વિસ્તારમાં ભાજપે ટીએમસી કાર્યકરો પર બૂથ જામ કરવાનો આરોપ લગાવ્યો, જેના કારણે બંને જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. બાણગાંવ મતવિસ્તારના ગાયેશપુર વિસ્તારમાં એક બૂથની બહાર ટીએમસીના ગુંડાઓએ સ્થાનિક ભાજપ નેતા સુબીર બિસ્વાસને કથિત રીતે માર માર્યો હતો. બાદમાં બિસ્વાસને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

ઓબીસી પ્રમાણપત્ર રદ
પશ્ચિમ બંગાળની મમતા સરકારને ગઈકાલે કલકત્તા હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો હતો. કારણ કે હાઈકોર્ટે 2010 પછી આપવામાં આવેલા તમામ OBC પ્રમાણપત્રો રદ કરી દીધા હતા. કોર્ટે કહ્યું કે આ પ્રમાણપત્રો કોઈપણ નિયમોનું પાલન કર્યા વિના આપવામાં આવ્યા હતા. કોર્ટે 2010 પછી આપવામાં આવેલા પ્રમાણપત્રો રદ કરવાનો આદેશ આપ્યો હતો, જો કે મમતા બેનર્જી 2011થી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે.

2012માં મમતા સરકારે એક કાયદો લાગુ કર્યો હતો. આ કાયદામાં ઓબીસી વર્ગ માટે સરકારી નોકરીઓમાં અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. તેની કેટલીક જોગવાઈઓને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. ત્યારે હાઈકોર્ટે તે 2012ના કાયદાની જોગવાઈ પણ રદ કરી હતી. આ જોગવાઈથી OBC-A અને OBC-B નામની બે શ્રેણીઓ બનાવવામાં આવી હતી, જેમાં ઘણી જ્ઞાતિઓનો અન્ય પછાત વર્ગોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top