ભારતનો ઇતિહાસ આપણે જ્યારે ભણીએ ત્યારે આપણને કહેવામાં આવે છે કે પ્લાસીના યુદ્ધમાં મીરજાફરે અને અમીચંદે બંગાળના નવાબ સિરાજ-ઉદ-દૌલા સાથે દગો કર્યો તેને કારણે અંગ્રેજો પ્લાસીનું યુદ્ધ જીતી ગયા હતા, જેને પરિણામે ભારતની ગુલામીનો પાયો નંખાયો હતો. હવે ભાજપ આપણને જુદો ઇતિહાસ ભણાવવા માગે છે કે પ્લાસીના યુદ્ધમાં મીરજાફરે અને અમીચંદે અંગ્રેજોના પક્ષમાં સિરાજ-ઉદ-દૌલા સાથે દગો કર્યો તેને કારણે સનાતન ધર્મની રક્ષા થઈ હતી. ભારતમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં સિરાજ-ઉદ-દૌલા અને પ્લાસી અચાનક ચર્ચાનો વિષય બની ગયા છે.
બંગાળમાં ભાજપનાં ઉમેદવાર અમૃતા રાયે એવો સવાલ ઉઠાવીને વિવાદ સર્જ્યો છે કે તે ષડયંત્રમાં કોણ કોણ સામેલ હતા? તેઓ પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર સંસદીય બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે તૃણમૂલ કોંગ્રેસના મહુઆ મોઇત્રા સામે ચૂંટણી લડી રહ્યાં છે. ભાજપનાં ઉમેદવાર હોવા ઉપરાંત તેમની બીજી ઓળખ એ છે કે તેઓ કૃષ્ણનગરના ભૂતપૂર્વ રાજવી પરિવારનાં વહુ છે. આ કારણે ઘણાં લોકો તેમને રાજમાતા કહે છે. તે રાજવી પરિવારનાં સૌથી પ્રખ્યાત રાજા કૃષ્ણચંદ્ર રાય હતા.
ઈતિહાસકારોના અભિપ્રાય મુજબ પ્લાસીના યુદ્ધ પહેલાં જ મીર જાફર અને જગત સેઠ જેવા કેટલાક વગદાર લોકો સિરાજ-ઉદ-દૌલાને બંગાળની ગાદી પરથી હટાવવાનું કાવતરું કરી રહ્યા હતા અને તેમાં કૃષ્ણચંદ્ર રાય પણ સામેલ હતા. ચૂંટણી મેદાનમાં ઊતર્યા બાદ તરત જ અમૃતા રાયે કહ્યું હતું કે હકીકતમાં કૃષ્ણચંદ્ર રાય સિરાજ વિરુદ્ધના ષડયંત્રમાં સામેલ થઈને અંગ્રેજોની મદદથી સનાતન ધર્મની રક્ષા કરવા માંગતા હતા.
ભાજપના આ ઉમેદવારનો તર્ક ભાજપ બ્રાન્ડના હિન્દુત્વ સાથે બરાબર મેળ ખાય છે. ભાજપની થિયરી મુજબ ભારતના ખરા દુશ્મનો બ્રિટીશરો નહોતા, પણ મુસ્લિમ શાસકો હતા. ભાજપના મતે કોઈ મુસ્લિમ શાસકને હટાવવા માટે બ્રિટીશરોની મદદ લેવામાં આવી હોય તો તેમાં કશું ખોટું નહોતું. કદાચ આ કારણે જ ભારતના કટ્ટર હિન્દુત્વવાદી નેતાઓ સ્વતંત્રતાની લડાઈમાં સામેલ થયા નહોતા.
પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોના પક્ષે રહેનારા રાજા કૃષ્ણચંદ્ર રાયની કથા પણ જાણવા જેવી છે. બંગાળના સિંહાસન પર અલીવર્દી ખાનના શાસન દરમિયાન કૃષ્ણચંદ્ર રાય વર્ષ ૧૭૨૮માં માત્ર ૧૮ વર્ષની વયે નાદિયાના રાજા બન્યા હતા. રાજાનું બિરુદ ધરાવતું હોવા છતાં તેઓ મૂળભૂત રીતે નવાબ હેઠળના જમીનદાર હતા. તેમની સત્તા હેઠળ ૮૪ પરગણાં હતાં. ઘણા ઈતિહાસકારોએ લખ્યું છે કે તેમને તે સમયના રૂઢિચુસ્ત હિન્દુ સમાજના વડા માનવામાં આવતા હતા. વિધવા પુનર્વિવાહની પરંપરા શરૂ કરવામાં કૃષ્ણચંદ્રે ઘણા અવરોધો ઊભા કર્યા હતા. બંગાળમાં દુર્ગા પૂજા શરૂ કરવાનું શ્રેય પણ કૃષ્ણચંદ્ર રાયને જ આપવામાં આવે છે. સમ્રાટ વિક્રમાદિત્ય અને સમ્રાટ અકબરનું અનુકરણ કરીને તેઓ વિદ્વાનો અને સાહિત્યકારોને તેમના દરબારમાં લાવ્યા હતા.
કેટલાક ઈતિહાસકારોના અભિપ્રાય મુજબ સિરાજ-ઉદ-દૌલા વિરુદ્ધ જે કાવતરું ઘડવામાં આવ્યું હતું તેમાં અમૃતા રાયના પૂર્વજ કૃષ્ણચંદ્ર રાયે તેમાં સક્રિય ભૂમિકા ભજવી હતી અને તેમણે મીર જાફર સાથે હાથ મિલાવ્યા હતા. કૃષ્ણચંદ્રે નવાબના સમાન વિચારધારાવાળા સાથીદારોની એક ગુપ્ત બેઠકમાં કહ્યું હતું કે તેઓ કલકત્તાના અંગ્રેજ અધિકારીઓ સાથે પરિચિત છે અને તેઓ માનતા હતા કે અંગ્રેજોની મદદ લેવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. બાકીનાં લોકો સંમત થયા પછી તેઓ પૂજાના બહાને કલકત્તામાં કાલીઘાટ ગયા હતા અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અધિકારીઓને મળ્યા હતા. કંપનીના અધિકારીઓને કહેવામાં આવ્યું હતું કે તેઓ સિરાજના મુખ્ય સેનાપતિ મીર જાફરને પોતાના પક્ષમાં આકર્ષવામાં સફળ થયા હતા. કૃષ્ણચંદ્ર રાયે અંગ્રેજ અધિકારીઓ પાસેથી વચન મેળવ્યું હતું કે સિરાજને હરાવીને તેઓ મીર જાફરને ગાદી પર બેસાડશે.
કૃષ્ણનગરનાં રાજવી પરિવારનાં પુત્રવધૂ અમૃતા રાય કહે છે કે ‘‘સિરાજ-ઉદ-દૌલાના અત્યાચારોથી કંટાળી ગયા પછી જ તેને સિંહાસન પરથી હટાવવા માટે અંગ્રેજ શાસકો સાથે હાથ મિલાવવાની જરૂર પડી હતી. જો આવું ન થયું હોત તો સનાતન ધર્મ અસ્તિત્વમાં ન હોત. ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે તે સમયે એક તરફ જમીનદારો દ્વારા જુલમ અને બીજી તરફ અન્ય ધર્મનાં લોકો દ્વારા અત્યાચાર થતો હતો.
તે જુલમ ટાળવા માટે નક્કર પગલાં ભરવાં જરૂરી હતાં. તે યોજનામાં મહારાજા કૃષ્ણચંદ્રનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, જગત શેઠ અને અન્ય રાજાઓ અને સમ્રાટો પણ સામેલ હતા. આનું સૌથી મોટું પરિણામ એ આવ્યું કે સમાજનું રક્ષણ થઈ શક્યું હતું. જો આજે સિરાજ-ઉદ-દૌલાનું અસ્તિત્વ હોત તો હિન્દુઓ તેમનું અસ્તિત્વ જાળવી શક્યા ન હોત.’’ અમૃતા રાયનું આ વિધાન વાંચીને ખ્યાલ આવે છે કે સ્વતંત્રતાના સંગ્રામમાં કટ્ટર હિન્દુત્વવાદીઓ શા માટે બ્રિટીશ સલ્તનત સાથે રહ્યા હતા?
પ્લાસીના યુદ્ધમાં વિજય પછી લોર્ડ ક્લાઈવે રાજા કૃષ્ણચંદ્રને ઇસ્ટ ઇન્ડિયા કંપનીને મદદ કરવાના બદલામાં ઇનામના રૂપમાં પાંચ તોપો આપી હતી. તે તોપો આજે પણ કૃષ્ણનગર રાજબારીમાં રાખવામાં આવી છે. લોર્ડ ક્લાઈવે તેમને રાય બહાદુરનું બિરુદ પણ આપ્યું હતું. જ્યારે રોબર્ટ ક્લાઈવે પ્લાસીના કાવતરાંખોરોની મદદથી સિરાજ-ઉદ-દૌલાને હરાવ્યો ત્યારે નાદિયાના રાજા કૃષ્ણચંદ્ર રાયે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને લગભગ નવ લાખ રૂપિયા આપવાના બાકી હતા. વર્ષ ૧૭૫૮ માં નાદિયાના રાજા બ્રિટિશ સરકાર સમક્ષ ડિફોલ્ટર બન્યા હતા. નાદિયા પરગણાંમાંથી લગભગ નવ લાખ રૂપિયાનો કર એકત્ર કરવાનો હતો. તેમાંથી કબજામાં આવેલી જમીનના બદલામાં ૬૪ હજાર રૂપિયાની રકમ કાપવામાં આવી હતી. બાકીની રકમ માસિક હપ્તામાં ચૂકવવા માટે રાજા કૃષ્ણચંદ્ર રોયે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બોન્ડ આપવા પડ્યા હતા.
નવાબ સિરાજ-ઉદ-દૌલાના મૃત્યુ પછી મીર જાફરે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સમર્થનથી સિંહાસન પર કબજો કર્યો હતો, પરંતુ થોડા દિવસોમાં પોતાના પુત્ર મીરાનને ગાદી પર બેસાડ્યા પછી તે પોતે નિવૃત્ત થયો હતો. ૧૭૬૩ માં વીજળી પડવાના કારણે મીરાનના મૃત્યુ પછી મીર જાફરનો જમાઈ મીર કાસિમ નવાબની ગાદી પર બેઠો હતો. અંગ્રેજો સાથેના મતભેદો પછી મીર કાસિમે અંગ્રેજોની રાજધાની કોલકાતાથી દૂર રહેવા માટે મુંગેરમાં પોતાની રાજધાની સ્થાપી હતી.
આ પછી તે દેશનાં ઘણાં લોકોને મારી નાખવા પર તત્પર બની ગયો, જેમને તે અંગ્રેજોના મિત્ર માનતો હતો. તેણે કૃષ્ણચંદ્ર અને તેમના મોટા પુત્ર શિવચંદ્રને મુંગેર કિલ્લામાં થોડા દિવસો સુધી બંધ રાખ્યા હતા. જો અંગ્રેજોના ડરથી મુંગેરમાંથી અચાનક હિજરતની પરિસ્થિતિ ઊભી ન થઈ હોત તો કદાચ તેણે કૃષ્ણચંદ્ર રાય અને તેના પુત્રને પણ મારી નાખ્યા હોત. અંગ્રેજોના આગમનને કારણે પિતા-પુત્રનો જીવ બચી ગયો હતો. વર્ષ ૧૭૮૨માં કૃષ્ણચંદ્ર રાયનું અવસાન થયું હતું.
ભારતના જે રાજવીઓ બ્રિટીશરો સાથે મળીને પોતાનાં રજવાડાં બચાવવામાં સફળ થયા હતા અને બ્રિટીશરોના ખંડિયા રાજા બનીને રહ્યા હતા, તેવાં રાજવી પરિવારો માટે ભાજપ અથવા તેના ભૂતપૂર્વ અવતાર જનસંઘને કાયમ સહાનુભૂતિ રહી છે, એટલું જ નહીં પણ બ્રિટીશરો સામે લડનારાં રાજવી પરિવારો કે આઝાદીના લડવૈયાઓ માટે ઉદાસીનતા રહી છે. જનસંઘને તેના પ્રારંભિક દિવસોમાં ગ્વાલિયરનાં રાજમાતા ગાયત્રી દેવીનો ભરપૂર ટેકો મળી રહ્યો હતો, જે સિંધિયા પરિવારનાં રાણી હતાં. સિંધિયા પરિવાર પર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સામે અંગ્રેજોને મદદ કરવાનું લાંછન લાગેલું છે, પણ ભાજપની પરંપરા તેમાં કાંઈ ખોટું જોતી નથી. કદાચ આ કારણે જ હિન્દુ મહાસભાના નેતાઓ ૧૯૪૨ની ભારત છોડો ચળવળમાં જોડાયા નહોતા.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.