સુરત: (Surat) સુરત મનપાની ચૂંટણીનાં (Election) નગારાં જોરશોરથી વાગવા માંડ્યાં છે. તેમજ ભાજપની ટિકિટ માટેની ફોર્મ્યુલા તેમજ કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થતાની સાથે જ રાજકીય વર્તુળોમાં ઘમાસાણ મચી ગયું છે. કેમ કે, ભાજપની (BJP) 60 વર્ષથી મોટી ઉંમરના નેતાઓ તેમજ સતત ત્રણ ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં આપવાની ફોર્મ્યુલાથી ઘણા સિનિયર નગર સેવકોની ટિકિટ કપાઇ રહી છે. જો કે, ત્યારે વધુ એક ચર્ચા એવી બહાર આવી રહી છે કે, ભાજપના 65 ટકાથી વધુ સીટિંગ નગર સેવકોની ટિકિટ કપાઇ રહી છે. જ્યારે યુવા અને સંનિષ્ઠ કાર્યકરોને વધુમાં વધુ તક આપવામાં આવશે.
ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની કારોબારી મીટિંગમાં સુરતના દાવેદારો માટેની ચર્ચા સોમવારે થઇ ચૂકી છે. તેમજ એક બેઠક માટે ચાર ચાર નામની પેનલ પર ચર્ચા કરવામાં આવી હતી. હવે હાઇ કમાન્ડ સમક્ષ આ પેનલો પૈકી ટિકિટ આપવા યોગ્ય દાવેદારોનાં નામ મૂકવામાં આવશે અને આખરી નિર્ણય કરાશે. જો કે, ભાજપના આંતરિક સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ પ્રદેશ મોવડી મંડળે જે નામ પર પસંદગી ઉતારી છે તે જોતાં 65થી 70 ટકા સીટિંગ કોર્પોરેટરો એક યા બીજાં કારણોસર રિપીટ થતા નથી.
માત્ર 30 ટકા જેટલા કોર્પોરેટર જ ટિકિટ જાળવવામાં સફળ રહેશે. ટિકિટ કપાવા પાછળનાં કારણોમાં 60 વર્ષથી વધુ વય, ત્રણ ટર્મ સુધી ચૂંટણી લડવા ઉપરાંત અમુક સીટિંગ કોર્પોરેટરો નવા વોર્ડ સીમાંકન તો અમુક કોર્પોરેટરો તેના વોર્ડમાં આવતા અનામત ક્વોટાના કારણે પણ કપાઇ રહ્યા છે. જો કે, મોડી રાતે મળતી વિગતો અનુસાર જે દાવેદારોની ટિકિટ કન્ફર્મ થઇ ચૂકી છે તેવા દાવેદારોને ફોન પર જરૂરી દસ્તાવેજો તૈયાર કરવાની સૂચના મળવા માંડી છે. જેમાં અડાજણ, કોટ વિસ્તાર, કતારગામ અને વરાછાના અમુક વોર્ડનો સમાવેશ થાય છે.
ટિકિટના ધોરણો કડક બનાવાતા અમદાવાદ ભાજપમાં ભડકો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (BHARTIY JANTA PARTY) માટે ઉમેદવારોની પસંદગીના ધોરણોમાં કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેના પગલે અમદાવાદ ભાજપમાં ભડકો થયો છે. સિનિયર આગેવાનો અને પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ કપાવાની સંભાવનાને જોતાં ભારે નારાજગી સાથે રોષ ફાટી નીકળ્યો છે.
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ત્રણ ટર્મથી ચૂંટાતા આવતા સભ્યો તેમજ ૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિને ટિકિટ નહીં આપવાના ધોરણ અને લઈને ભાજપમાં આંતરિક કચવાટ ઉભો થયો છે. સિનિયર આગેવાનોનું કહેવું છે કે રાત-દિવસ જોયા વગર ભાજપ માટે કામ કરી લોકોમાં અને વોર્ડમાં પોતાની અલગ પ્રતિષ્ઠા ઉભી કરી હોય છે, તેવામાં જો ટિકિટ આપવામાં કડક નિયમો લાગુ કરવાના બહાને ટીકીટ કાપવામાં આવે તો આટલા વર્ષોની મહેનત કામ ન લાગે તે શું કામનું ? આ ઉપરાંત પરિવારના સભ્યોને ટિકિટ નહીં આપવાના નિર્ણયને પગલે પણ ભાજપમાં ડખા ઉભા થયા છે.