SURAT

સુરત મનપામાં ધમાસાણઃ કચરા કૌભાંડમાં ભાજપ શાસકો બેકફૂટ પર

સુરત: મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસકો અને વિપક્ષ વચ્ચે તીખો રાજકીય ઘમાસાણ સર્જાયો હતો. નવા કમિશનર એમ.નાગરજનને શાસક પક્ષના નેતા અમિત રાજપૂતે ‘થેન્નારાશન’ કહી સંબોધતાં સભાગૃહમાં હાસ્ય ફેલાયું હતું. ત્યારબાદ અમિત રાજપૂતે સરકારના આદેશ હોવા છતાં કેટલાક અધિકારીઓ ચુંટાયેલા પ્રતિનિધિઓના ફોન રિસીવ ન કરતા હોવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. કચરા કૌભાંડ મુદ્દે મેયર સામે થયેલા વિરોધ પ્રદર્શનને તેમણે મેયરની ગરિમા પર વાર ગણાવ્યો હતો અને “હવે 2070 કે 2080માં સત્તામાં આવો ત્યારે બધું કરજો” એવી ટકોર કરતાં રાજકીય માહોલ વધુ ગરમાયો હતો.

  • મુદ્દે બેકફૂટ પર આવેલા શાસકોએ વિપક્ષી નેતાને સસ્પેન્ડ કરી પીંડું વાળવા પ્રયાસ કર્યો
  • વિપક્ષી નેતાએ કચરા કૌભાંડમાં ભાજપના નેતાઓને નાણાં મળ્યાનો ખુલ્લો આક્ષેપ કરતાં હોબાળો મચી ગયો

જવાબમાં વિપક્ષી નેતાએ આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, લોકશાહીમાં ઘમંડ શોભતું નથી, ક્યારે કોણ સત્તામાં આવે તે કોઈ નક્કી કરી શકતું નથી. શાસકોના ફોન અધિકારીઓ ન ઉઠાવે એ શરમજનક છે, જ્યારે અમારા ફોન ઉઠાવે છે તેનો આનંદ છે એમ કહી વિપક્ષે શાસકોને અરિસો બતાવ્યો હતો. ગાંધી નિર્વાણ દિને સામાન્ય સભામાં શાસકો દ્વારા ગાંધીજીને યાદ ન કરાતાં વિવાદ ઊભો થયો હતો. વિપક્ષી નેતાએ પોતાના સંબોધનની શરૂઆત ગાંધીજીને યાદ કરીને કરતાં શાસકો ખાસિયાણા પડી ગયા હતા. ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર ઇજારદાર દ્વારા આચરાયેલા કૌભાંડનો મુદ્દો ઉઠાવતાં મેયરે માત્ર એક મિનિટમાં વાત પૂરી કરવા કહેતાં ઉગ્ર વાદવિવાદ થયો હતો.

વિપક્ષી નેતા પાયલ સાકરિયાએ અધિકારીઓ અને ઇજારદારો સામે કાર્યવાહી કરવામાં શાસકોની ઢીલી નીતિ પર પ્રહાર કરતાં માહોલ વધુ ગરમાયો હતો. બેકફૂટ પર આવેલા મેયરે અંતે તેમને સસ્પેન્ડ કરી દેતાં ફરી એકવાર શાસકો પર વિપક્ષનો અવાજ દબાવવાનો આક્ષેપ ઊઠ્યો હતો. વિપક્ષે શાસકોને કેટલા રૂપિયા મળ્યા તેના આંકડા જાહેર કરવાનો ખુલ્લી પડકાર ફેંકતાં સભા રાજકીય તણાવના શિખરે પહોંચી ગઈ હતી. મેયરે સસ્પેન્ડ કરી દેતાં વિપક્ષની નેતાએ રોકડું પરખાવ્યું હતું કે, ‘તમે માત્ર આ જ કરી શકો છો.’

નવીન ફ્લોરિન જંક્શનના ઓવરબ્રિજ મુદ્દે ટકોર
નવીન ફ્લોરિન જંક્શન પર સુરતï-નવસારી રોડને ક્રોસ કરતા ૩૪ કરોડના ખર્ચે નિર્મિત ફ્લાય ઓવરબ્રિજના લોકાર્પણ મુદ્દે વિપક્ષે શુક્રવારે સભાગૃહમાં અધૂરો ફ્લાય ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો હોવાની ટકોર કરી હતી. વાસ્તવમાં આ બ્રિજ બાદ રેલવે ઓવરબ્રિજની કામગીરી નિર્માણાધીન છે અને આ બ્રિજના રેમ્પની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જેનાથી ભગવતી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ તરફ આવાગમન થઇ શકે તેમ છે.

રેલવે ફ્લાય ઓવરબ્રિજ શરૂ થયા બાદ આ બ્રિજïથી સીધી નેશનલ હાઇવે સુધીની કનેક્ટિવિટી શહેરીજનોને મળી શકે તેમ છે. જો કે, વિપક્ષી સભ્યો દ્વારા અધૂરો બ્રિજ ખુલ્લો મુકાયો હોવાનો આક્ષેપ કરાતાં સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે જડબાતોડ જવાબ પાઠવ્યો હતો. સ્થાયી અધ્યક્ષે જણાવ્યું કે, નવીન ફ્લોરિન જંક્શન પર ફ્લાય ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થઇ ગઇ હતી. જ્યારે રેલવે ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થતાં દોઢ-બે વર્ષનો સમય લાગે તેમ છે.

સળંગ રસ્તો ખોલવાના હેતુ સાથે જ નવીન ફ્લોરિન જંક્શન એફઓબીનું લોકાર્પણ કરવાનો નિર્ણય લેવામાં આવે તો, દોઢ-બે વર્ષ સુધી તૈયાર બ્રિજનો ઉપયોગ કરી શકાય તેમ ન હતો. બીજી તરફ ફ્લાય ઓવરબ્રિજની એક બાજુ ભગવતી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ સ્થિત છે. આ બ્રિજના ઉપયોગથી લોકોને એસ્ટેટ તરફ આવાગમન માટેનો સીધો રસ્તો ઉપલબ્ધ થાય છે. સ્થાયી અધ્યક્ષના જવાબથી વિપક્ષી સભ્યો ચૂપ થઇ ગયા હતા.ï

કારદશાની નાળ મેટ્રો સ્ટેશનને ક્ષેત્રપાળ, મજૂરાને દયાળજી નામ આપવા દીપન દેસાઈની રજૂઆત
હાલમાં શહેરમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરી અંગે ભાજપના નગરસેવક દીપન દેસાઈએ જણાવ્યું હતું કે, શહેરમાં મેટ્રોની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે અને ઘણી જગ્યાએ સ્ટેશનો સાકાર થઈ રહ્યાં છે અને કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યારે શહેરના મહત્ત્વનાં ધાર્મિક સ્થળો પાસેના મેટ્રોનાં સ્ટેશનોને સુસંગત નામ આપવામાં આવે. જેમ કે, ક્ષેત્રપાળ મંદિર તેમજ દયાળજી આશ્રમ નામ આપવામાં આવે.

Most Popular

To Top