Vadodara

ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહે પ્રેક્ષકગેલેરીમાંથી બજેટ સભા પર ‘નજર રાખી’

વડોદરાના ઇતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું કે ભાજપ અને કોંગ્રેસના શહેર પ્રમુખ બજેટની સામાન્ય સભામાં આવ્યા
સામાન્ય સભામાં બોટકાંડનો મુદ્દો ન ઉઠે તે માટેની અગાઉથી જ તાકીદ રખાઈ
(પ્રતિનિધિ) વડોદરા, તા. 16
વડોદરા મહાનગરપાલિકાની બજેટ મંજૂર કરવા માટેની વિશેષ સામાન્ય સભાનો શુક્રવારથી પ્રારંભ થયો. સામાન્ય સભામાં વડોદરાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ભાજપના શહેર પ્રમુખ વિજય શાહ વ્યૂઇંગ ગેલેરીમાં હાજર રહ્યા હતા. અને બપોર બાદ કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વીજ જોષી પણ આવ્યા. ત્યારે ભાજપના શહેર પ્રમુખ મોનિટરની ભૂમિકામાં વ્યૂઇંગ ગેલેરીમાં આવ્યા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. બજેટલક્ષી સામાન્ય સભામાં હરણી બોટકાંડનો મુદ્દો ન ઉઠે તે માટેની અગાઉથી જ તાકીદ કરાઈ હતી ત્યારે શહેર પ્રમુખની હાજરી સૂચક બની રહી હતી.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે સૌથી હાલ સુધીનું સૌથી મોટું 5 હજાર કરોડ ઉપરનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. જેની મંજૂરી માટેની વિશેષ સામાન્ય સભાનો શુક્રવારથી પ્રારંભ થયો હતો. સંભવતઃ 19 ફેબ્રુઆરી સુધીમાં આ બજેટ મંજૂર કરી દેવામાં આવશે. સભામાં સ્થાયી સમિતિના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી દ્વારા સ્થાયી સમિતિ દ્વારા મુકાયેલા સૂચનો રજુ કર્યા હતા અને ત્યાર બાદ તમામ વોર્ડના સભ્યો દ્વારા બજેટ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. 20 ફેબ્રુઆરી પહેલા નિયમ મુજબ કર – દર મંજૂર કરી દેવાના હોય છે. શુક્રવારના રોજ સભા શરુ થાય તે પહેલા ભાજપના શહેર પ્રમુખ ડો વિજય શાહ કોર્પોરેશન કચેરી ખાતે પહોંચ્યા હતા. અને તેઓએ વ્યૂઇંગ ગેલેરી ખાતેથી સભાની કામગીરી નિહાળી હતી. વડોદરાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત કોઈ શહેર પ્રમુખ બજેટની સામાન્ય સભામાં હાજર રહ્યા હોય તેવું બન્યું છે. જે ચર્ચાનો વિષય બન્યો છે.
અગાઉ પણ મળેલી સામાન્ય સભામાં હરણી બોટકાંડના મુદ્દે ખુદ ભાજપના જ કોર્પોરેટર વિરોધ નોંધાવી ચુક્યા છે અને કાઉન્સિલરો દ્વારા જ લગતા વળગતા સામે પગલાં ભરવાની માગણી કરવામાં આવી હતી ત્યારે તેઓને સભા પહેલા મળેલી સંકલનની બેઠકમાં તાકીદ કરવામાં આવી હતી કે બજેટની સભામાં આ મુદ્દો ન ઉઠાવે. જો કે આશિષ જોષીએ પ્રમુખને એમ પણ પૂછ્યું હતું કે તો અમારે રજૂઆત ક્યાં કરવી? ત્યારે બજેટની સભામાં મુદ્દો ભટકી ન જાય અને હરણી બોટ દુર્ઘટનાનો મુદ્દો ન ઉછળે તે માટે દબાણ બનાવવા પણ શહેર પ્રમુખ હાજર રહ્યા હોવાની ચર્ચા છે.
તાજેતરમાં જ સી.આર.પાટીલ દ્વારા ચૂંટાયેલા સભ્યોને સ્પષ્ટ સંકેત આપી દીધા હતા કે સંગઠન જ સર્વોચ્ચ છે ત્યારે પાલિકાની બજેટની સામાન્ય સભામાં પણ તેની અસર જોવા મળી હતી. સભામાં કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોષી પણ મોડે મોડેથી જોડાયા હતા અને વ્યૂઇંગ ગેલેરીમાંથી સભાની કામગીરી નિહાળી હતી.

Most Popular

To Top