હૈદરાબાદ: (Haidrabad) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) રવિવારે ભાજપના (BJP) સભ્યોને તે પક્ષોની ભૂલોથી શીખ લેવા કહ્યું હતું જેમણે ભારતમાં લાંબા સમય સુધી શાસન કર્યું હતું પણ અત્યારે સમાપ્ત થવા તરફ જઈ રહી છે, તેમણે તેમની વચ્ચે સંયમ, સંતુલિત દૃષ્ટિકોણ અને સંકલન જેવા ગુણો પર ભાર મૂક્યો હતો. તેમણે ભાજપ કાર્યકરોને ફક્ત હિંદુઓ જ નહીં પણ વંચિત સમુદાયો સુધી પહોંચવા હાકલ કરી હતી.
- વંચિત સમુદાયો સુધી પહોંચવા ભાજપ કાર્યકરોને મોદીની હાકલ
- હૈદરાબાદમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીને વડાપ્રધાનનું સંબોધન, ‘સ્નેહ યાત્રા’ કાઢવા માટે સૂચન
- મોદીએ પક્ષના રાજકરણમાં ‘પી-2 ટુ જી-2’નો મંત્ર આપ્યો
- લાંબો સમય સુધી શાસન કર્યા બાદ અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહેલ પક્ષ પરથી શીખ લેવાની ભાજપને સલાહ
ભાજપ રાષ્ટ્રીય કારોબારીના (National Executive)અંતિમ સત્રમાં સંબોધન કરતા મોદીએ પક્ષના કાર્યકર્તાઓને ભારતને ‘શ્રેષ્ઠ’ બનાવવા માટે પૂરા જોશ સાથે લાગી જવા કહ્યું હતું અને કહ્યું હતું કે તેમનું લક્ષ્ય ‘તૃષ્ટીકરણ’ના બદલે ‘તૃપ્તીકરણ’નો હોવો જોઈએ, તેમણે વિરોધ પક્ષો પર તૃષ્ટીકરણનો આરોપ લગાવ્યો હતો. ‘તેનાથી ‘સબકા વિકાસ’ થશે. કોઈ પણ પાછળ રહેવું જોઈએ નહીં’, એમ તેમણે કહ્યું હતું.
મોદીએ ‘સ્નેહ યાત્રા’ કાઢવા માટે હાકલ કરી હતી, ભાજપના નેતા રવિશંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આનો હેતુ લોકોના વિવિધ વર્ગો સુધી પહોંચીને સમાજમાં સ્નેહ અને સંકલન વધારવાનો રહેશે. મોદીએ પક્ષના રાજકરણમાં ‘પી-2 ટુ જી-2’ની હાકલ કરી હતી. જેનો અર્થ થાય છે ‘જનતાના સમર્થનમાં સુશાસન’. વિરોધી પક્ષો પર નિશાન સાધતા મોદીએ કહ્યું હતું, દેશ હવે વંશવાદના રાજકારણથી અને વંશવાદી પક્ષોથી કંટાળી ગયો છે, આવા પક્ષો માટે લાંબા સમય સુધી ટકી રહેવું મુશ્કેલ થશે.
તેમણે પક્ષના કાર્યકર્તાઓને ભારપૂર્વક કહ્યું હતું, લોકો સાથે જોડાયેલા રહો અને જે પક્ષો સમાપ્ત થવાના આરે છે તેમની મજાક ન ઉડાવવી તેના બદલે તેમની ભૂલોથી શીખ લેવી. તેમણે 2016ની પાર્ટીની બેઠકમાં ભાજપના કાર્યકરોમાં સેવાભાવ, સંતુલન, સંયમ, સમન્વય, સકારાત્મક, સદભાવના અને સંવાદના ગુણો હોવા જોઈએ એમ કહ્યું હતું, મોદીએ રવિવારના સંબોધનમાં આ સંદેશને પુનરાવર્તિત કર્યો હતો. સૂત્રો મુજબ, ઉદયપુરમાં દરજીની હત્યા અને નુપુર શર્મા વિવાદ પર ભાજપની આ બેઠકમાં કોઈ ચર્ચા કરાઈ ન હતી. જો કે શોક સંદેશમાં કન્હૈયા લાલનો ઉલ્લેખ કરાયો હતો.