Gujarat

ચૂંટણીમાં ગાડી ભાડે જોઇએ છે તેવું કહી 45થી વધુ કાર ગાયબ કરી દીધી, ભાજપના નેતાના પુત્રનું નામ ખુલ્યું

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારોની નવી નવી કરતૂતો બહાર આવી રહી છે. ક્યાંક ભાજપનો કાર્યકર્તા ડ્રગ્સ વેચતા પકડાય છે, ક્યાંક દારૂ વેચતા પકડાય છે, ટ્રાફિક પોલીસ ડ્રાઇવમાં ભાજપ હોદ્દેદારની જ ગાડી પકડાય છે, આ તમામ કિસ્સાઓ બાદ હવે અમદાવાદમાં ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષના પુત્ર પ્રિન્સ મિસ્ત્રી દ્વારા લાખોની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે.

અમદાવાદમાં ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષના પુત્ર પ્રિન્સ મિસ્ત્રી દ્વારા લોકસભાની ચૂંટણી વખતે 45 થી વધુ ગાડીઓ ભાડે લઈ કાર માલિક અને ડ્રાઇવરો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. કાર માલિકો તથા કાર ડ્રાઇવરો વારંવાર ફરિયાદ કરવા છતાં પોલીસ ફરિયાદ લેતી ન હોવાથી આખરે આજે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે હલ્લાબોલ કરતા ભાજપના બક્ષીપંચ મોરચાના અધ્યક્ષના પુત્ર પ્રિન્સ મિસ્ત્રી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી.

અમદાવાદમાં ભાજપના બક્ષીપંચ મોરચાના અધ્યક્ષના પુત્ર પ્રિન્સ મિસ્ત્રી દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવી છતાં પોલીસ દ્વારા તેની વિરુદ્ધ ફરિયાદ નહીં નોંધી તેને છાવરવામાં આવતો હોવાથી આજે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અમદાવાદ પોલીસ કમિશનર ખાતે પ્રિન્સ મિસ્ત્રી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરી હતી.

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષના પુત્ર પ્રિન્સ મિસ્ત્રી દ્વારા કાર માલિક તથા ડ્રાઇવરો સાથે લાખોની છેતરપિંડી કરી છે, તેમ છતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ન હતી. આખરે આંદોલન કરવાની ચીમકી આપતા ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે રાત્રે ફરિયાદ દાખલ કરી છે, પરંતુ હજુ સુધી તેની ધરપકડ કરી નથી. ફરિયાદ દાખલ થઈ હોવા છતાં અમદાવાદના જ અસારવા વિસ્તારમાંથી આરોપીની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. આમ પોલીસ ભાજપના ચોર આગેવાનોને છાવરી રહી હોય એવું લાગે છે.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષના પુત્ર પ્રિન્સ મિસ્ત્રી દ્વારા લોકસભાની ચૂંટણી દરમિયાન અમદાવાદના અસારવા વિસ્તારની આસપાસ રહેતા કાર માલિકો તથા ડ્રાઇવરો પાસેથી ચૂંટણી માટે ગાડી ભાડે જોઈએ છે, અને આ ભાડા પેટે તમને દર મહિને 35 હજાર રૂપિયા ચૂકવવામાં આવશે. તેમ કહી 45 થી વધુ ગાડીઓ ભાડે લીધી હતી. લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ હોવા છતાં હજુ સુધી પ્રિન્સ મિસ્ત્રીએ ભાડે લીધેલી કારનું ભાડું આપ્યું નથી, એટલું જ નહીં પણ કાર પણ હજુ સુધી તેના માલિક ડ્રાઇવરને પરત આપી નથી.

અમદાવાદ શહેરના શાહીબાગ, બાપુનગર વિસ્તારમાં રહેતા ગાડીઓ ભાડે આપનાર કાર માલિક તથા ડ્રાઇવરોએ આ અંગે પોલીસ ફરિયાદ કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસે તેમની ફરિયાદ લીધી ન હોવાનો તેઓએ આક્ષેપ કર્યો હતો. દરમિયાનમાં કારચાલકોને માહિતી મળી હતી કે તેમની કાર વિસનગરના ભાલક ગામ ખાતે પડી છે. ત્યાં જઈને તપાસ કરતા ઇમરાન નામના વ્યક્તિના કબજામાં આ ગાડીઓ હોવાનું જણાયું હતું. ગાડીમાં તપાસ કરતા દારૂની બોટલો તથા લોહીના ડાઘા હોવાનું તથા ઇમરાન નામના વ્યક્તિએ ક્રાઈમ બ્રાન્ચના કોસ્ટેબલ જ્યાં સુધી સૂચના ન આપે ત્યાં આ ગાડીઓ કોઈને આપવામાં આવશે નહીં તેવું જણાવ્યું હતું. દરમિયાનમાં આ સમગ્ર ઘટના અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચએ આરોપી પ્રિન્સ મિસ્ત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top