ગાંધીનગર: ભાજપના (BJP) સિનિયર નેતા અને પૂર્વ મંત્રી આઈ કે જાડેજાને (I K Jadeja) હાર્ટ એટેક (Heart attack) આવ્યાના સમાચાર સામે આવ્યા છે. હાર્ટ એટેક આવતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા છે. તબીબો પાસે મળતી માહિતી અનુસાર હાલ તેમની તબિયત સ્થિર છે. હાર્ટ એટેકના થોડા કલાકો પહેલા જ તેમણે ટ્વીટ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) આભાર માન્યો હતો. આઈ કે જાડેજા આ અગાઉ કોરોનાગ્રસ્ત પણ થઈ ચૂક્યા છે.
ભાજપના દિગજ્જ નેતા આઈ કે જાડેજાને ગઈકાલે હાર્ટ એટેક આવ્યો હતો. સારવાર અર્થે તાત્કાલિક તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે તેમની એન્જીયોગ્રાફી થશે અને સ્ટેન્ટ પણ મુકવામાં આવશે. તબીબીના જણાવ્યા અનુસાર હાલ તેમની તબિયત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસે અંગે ગઈકાલે તેમણે ટ્વીટ કર્યું હતું અને લખ્યું કે એક કાર્યકર્તા તરીકે જ્યારે જાહેર જીવનની ફરજના ભાગ રૂપે કરેલા કાર્યની સકારાત્મકતાના ઉદાહરણ તરીકે પ્રશંસા થાય ત્યારે કાર્યકર્તા તરીકે ખુબ જ ગર્વનો અનુભવ થાય છે, પણ તેનાથી પણ વધુ માન અને ગર્વ વરિષ્ઠ નેતૃત્વ (પીએમ મોદી) પર થાય છે, આભાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી.
ઉલ્લેખનીય છે આ અગાઉ આઈ કે જાડેજા કોરોનાગ્રસ્ત થયા હતા. 2021 એપ્રિલમાં ભાજપના પૂર્વ મંત્રી આઈ કે જાડેજા કોરોનાગ્રસ્ત થતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને કોરોનાને હરાવ્યો હતો.