પલસાણા: કડોદરા (Kadodra) નગર પાલિકાના વોર્ડ નં.7ના નગરસેવક આનંદ પાટીલનો દારૂ (Alcohol) પીને જાહેરમાં સૂઇ રહ્યો હોવાનો વિડીયો (Video) સોશિયલ મીડિયામાં (Social Media) ફરતો થતાં ભાજપની (BJP) ઇમેજના લીરેલીરા ઊડી ગયા હતા. તેમજ વિરોધ પક્ષે પણ સોશિયલ મીડિયામાં ભાજપને આડે હાથ લીધો હતો. કડોદરામાં દૂધની જગ્યાએ દારૂ ઓરિજનલ મળતો હોવા જેવી રમૂજો પણ સોશિયલ મીડિયામાં લોકોએ કરી હતી.
- વિરોધ પક્ષે પણ સોશિયલ મીડિયામાં ભાજપને આડે હાથ લીધો
- કડોદરામાં દૂધની જગ્યાએ દારૂ ઓરિજનલ મળતો હોવા જેવી રમૂજો પણ સોશિયલ મીડિયામાં લોકોએ કરી
- કડોદરા ભાજપની ઇજ્જતના ધજાગરા ઊડી ગયા
કડોદરા વોર્ડ નં.7માંથી ભાજપમાંથી ચુંટાઇને આવેલા આનંદરાવ ચિંતામણી પાટીલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં જોવા મળ્યો હતો. જેમાં તેઓ જાહેર રસ્તા પર દારૂના નશામાં ધૂત રાજાપાઠમાં જોવા મળતા હતા અને રસ્તામાં સૂઇ રહ્યા હતા તેમજ તેમને ઊઠવામાં પણ તકલીફ પડી રહી હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો જોવા મળ્યો હતો. જેને લઇ કડોદરા ભાજપની ઇજ્જતના ધજાગરા ઊડી ગયા હતા. બીજી તરફ વિરોધ પક્ષે પણ આ વિડીયોનો સોશિયલ મીડિયામાં ફેરવીને ભાજપને આડે હાથ લીધો હતો. અને લોકોએ પાટીલ દાદાને કડોદરામાં મોટા ખાડાઓના લીધે વિકાસમાં પડ્યા હોય તેમજ કડોદરામાં દૂધની જગ્યાએ દારૂ ઓરિજનલ મળતો હોવા જેવી રમૂજો પણ સોશિયલ મીડિયામાં કરી હતી. નગરસેવકનો આ અંગે સંપર્ક કરવાની કોશિશ કરતાં તેનો ફોન બંધ બતાવતો હતો.
યોગ્ય ખુલાસો પૂછીશું
કડોદરા ભાજપ સંગઠનના પ્રમુખ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વાયરલ થયેલા વિડીયોને લઇને આનંદ પાટીલનો સંપર્ક કરવા કોશિશ કરી હતી. પરંતુ આ ઘટના બાદ તેમણે તેમનો ફોન બંધ કરી દીધો હોવાથી તેમનો સંપર્ક થઇ શક્યો નથી. પાર્ટીની ઇમેજ ખરડાય તેવી કામગીરીને લઇ તેને યોગ્ય ખુલાસો પૂછી નોટિસ આપવાનું પણ વિચારી રહ્યા છીએ.
-કડોદરા ભાજપ સંગઠન પ્રમુખ-શૈલેષ શ્રીવાસ્તવ